US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ ફરી એકવાર એપ્સટિન કેસ સંબંધિત નવી ફાઇલો જાહેર કરી છે. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલા એક મોટા ખુલાસો થયા છે, જેનાથી અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં બહાર આવેલા ગુપ્ત ઇમેઇલ્સ (એપ્સટિન દસ્તાવેજો) દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જેફરી એપ્સટિનના ખાનગી જેટમાં 8 વખત મુસાફરી કરી હતી. આ માહિતી અગાઉ ક્યારેય જાણ કરવામાં આવી ન હતી, એટલે કે તેને છુપાવવામાં આવી હતી. હવે, તે પ્રાઈવેટ જેટના ‘કાળા રહસ્ય’ની એક-એક વિગત સામે આવી છે.
7 જાન્યુઆરી 2020ના રોજ દસ્તાવેજોમાં સમાવિષ્ટ એક ઇ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 1993 અને 1996 વચ્ચે ઓછામાં ઓછા 8 વખત એપ્સટિનના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી હતી. આ ઇમેઇલ ‘RE: એપ્સટિન ફ્લાઇટ રેકોર્ડ્સ’ વિષય હેઠળ મોકલવામાં આવ્યો હતો. જ્યારે મોકલનાર અને પ્રાપ્તકર્તાના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે, પરંતુ તેમાં ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લાના એક સહાયક યુએસ એટર્નીનો સંદર્ભ નોંધાયેલો છે.
ઈમેલ મુજબ, ઘિસ્લેન મેક્સવેલ જે એપ્સટિનની ગર્લફ્રેન્ડ હોવાનું માનવામાં આવે છે અને પાછળથી માનવ તસ્કરીની દોષિત ઠેરવવામાં આવી હતી, તે પણ આ 4 ફ્લાઇટમાં હાજર હતી. દસ્તાવેજમાં એમ પણ જણાવાયું છે કે ટ્રમ્પની તત્કાલીન પત્ની માર્લા મેપલ્સ, પુત્રી ટિફની ટ્રમ્પ અને પુત્ર એરિક ટ્રમ્પ કેટલીક ટ્રિપ્સમાં તેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા.
એક ફ્લાઇટમાં ખાસ ઉલ્લેખ છે કે 1993ની ફ્લાઇટમાં ફક્ત ટ્રમ્પ અને એપ્સટિન મુસાફરો હતા, જ્યારે બીજી ફ્લાઇટમાં એપ્સટિન, ટ્રમ્પ અને એક 20 વર્ષીય મહિલા (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે) શામેલ હતી. દસ્તાવેજોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બે ફ્લાઇટમાં એવી મહિલાઓનો સમાવેશ થતો હતો જે મેક્સવેલ સામે ચાલી રહેલા સેક્સ ટ્રાફિકિંગ કેસમાં સંભવિત સાક્ષી બની શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપ્સટિન વર્ષો સુધી ગાઢ મિત્રો હતા, પરંતુ ટ્રમ્પ કહે છે કે 2004ની આસપાસ તેમનો ઝઘડો થયો હતો. જો કે, આ ફ્લાઇટ્સમાં હોવાનો અર્થ એ નથી કે ટ્રમ્પે ગુનો કર્યો છે, આ દસ્તાવેજોએ ફરી એકવાર સત્તા અને પૈસાના કનેક્શન વિશે પ્રશ્નો ઉભા કર્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (22 ડિસેમ્બર) કહ્યું હતું કે ભૂતકાળમાં જેફરી એપ્સટિનને મળેલા નિર્દોષ લોકોની પ્રતિષ્ઠા જાતીય ગુનેગાર સંબંધિત તપાસ ફાઇલોના જાહેર થવાથી બરબાદ થવાનું જોખમ છે. US ન્યાય વિભાગે શુક્રવારે ફાઇલો જાહેર કરવાનું શરૂ કર્યું છે. તેમની પ્રથમ ટિપ્પણીમાં ટ્રમ્પે આ મુદ્દાને તેમના પક્ષની સિદ્ધિઓથી ધ્યાન ભટકાવવાનો એક માર્ગ ગણાવ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘આ આખી એપ્સટિન બાબત રિપબ્લિકન પાર્ટીની જબરદસ્ત સફળતાથી ધ્યાન ભટકાવવાનો એક માર્ગ છે. ન્યાય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્સટિન કેસ સંબંધિત ફોટોગ્રાફ્સના પ્રથમ બેચમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા હતા અને ટ્રમ્પને તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી.
ટ્રમ્પે કહ્યું કે, ‘મને બિલ ક્લિન્ટન પસંદ છે. મારો હંમેશાં તેમની સાથે સારો સંબંધ રહ્યો છે. તેમના ફોટા બહાર આવતા જોઈને દુઃખ થાય છે. મારા પણ ફોટા છે. દરેક વ્યક્તિ આ માણસ (એપ્સટિન) સાથે મૈત્રીપૂર્ણ હતો. ટ્રમ્પે ક્લિન્ટન અને અન્ય લોકોના ફોટા પ્રકાશિત થવા સામે વાંધો ઉઠાવ્યો, તેને ભયંકર બાબત ગણાવી. તેમણે કહ્યું કે બિલ ક્લિન્ટન એક મોટા માણસ છે અને તે તેને સંભાળી શકે છે.
જેફરી એપ્સટિન સંબંધિત ફાઇલોના જાહેર કરવાને લઈને અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તમારી પાસે કદાચ એવા અન્ય લોકોના ફોટા પણ હશે જેઓ ઘણા વર્ષો પહેલા જેફરી એપ્સટિનને નિર્દોષ રીતે મળ્યા હતા, જેમાં ખૂબ જ સન્માનીત બેંકરો, વકીલો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. ઘણા લોકો ખૂબ જ નારાજ છે કે જે લોકોના એપ્સટિન સાથે કોઈ લેવાદેવા નહોતા તેમના ફોટા જાહેર કરવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે તે લોકો તેમની સાથેના ફોટામાં છે કારણ કે તેઓ એક પાર્ટીમાં હતા, અને તે કોઈની પ્રતિષ્ઠા કલંકિત થાય છે. શ્રીમંત અને પ્રભાવશાળી ફાઇનાન્સર એપ્સટિનની 2019માં ન્યૂયોર્ક જેલમાં સેક્સ ટ્રાફિકિંગના આરોપો પર ટ્રાયલની રાહ જોતા મોત થઈ ગયું હતું, જેને આત્મહત્યા કહેવામાં આવી હતી.