ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે ફરીથી એકવાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવી ચર્ચા શરૂ થતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે સ્પષ્ટતા કરી છે. એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું છે કે માસ પ્રમોશન આપવાની વાત પાયાવિહોણી છે, અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં, સરકાર આવી વિચારણા કરી રહી નથી.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે માસ પ્રમોશન આપવા અંગે જે કોઈ પણ વાત ચાલી રહી છે તે પાયાવિહોણી છે. જયારે પણ શાળાઓ ખોલવામાં આવશે ત્યારે જેટલો અભ્યાસક્રમ ભણાવવામાં આવ્યો હશે તેની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા ન લેવા અંગે સરકારે કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી. સરકાર દ્વારા અધિકારીક જાહેરાત કરવામાં આવે તે જ લોકોએ માનવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ચર્ચા ઉઠી હતી કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ હજુ સુધી સામાન્ય ન થતા ધોરણ દસ અને બાર સિવાય બાકીના ધોરણોને માસ પ્રમોશન આપવામાં આવી શકે છે. જો કે શિક્ષણમંત્રીએ એ ચર્ચાઓનો છેદ ઉડાડીને સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ શક્યતા હાલ જણાઈ રહી નથી.
કોરોનાને કારણે શાળાઓ ખોલવાનો નિર્ણય પરત ખેંચાયો હતો
નોંધવું મહત્વનું છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે હજુ સુધી શાળાઓ શરૂ કરવામાં આવી નથી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને પરિસ્થિતિને આધારે શાળાઓ ખોલવા માટે નિર્ણય લેવા માટે છૂટ આપી છે. ગુજરાત રાજ્યમાં દિવાળી પહેલા કોરોના સંક્રમણ કાબુમાં આવતા શાળાઓ ખોલવા માટે 23 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસે ફરીથી કેર વર્તાવ્યા બાદ સરકારે નિર્ણય પરત ખેંચી લીધો હતો. હાલમાં, ગુજરાતમાં શાળાઓ ક્યારે ખોલવામાં આવશે તે અંગે કોઈ સમાચાર નથી.
બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં યોજાશે
બીજી તરફ, શાળાઓ ન ખુલવાના કારણે શિક્ષણ માત્ર ઓનલાઈન વર્ગો દ્વારા જ કરાવવામાં આવી રહ્યું છે, જેના કારણે બોર્ડની પરીક્ષાઓ પણ પાછળ ઠેલવામાં આવી છે. સરકારે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં લેવા માટેની સરકારની યોજના છે. આ માટે જાન્યુઆરી મહિનામાં ફોર્મ ભરાવાની શરૂઆત કરવામાં આવશે.
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના ફોર્મ નવેમ્બર મહિનામાં ભરાવાના શરૂ થઇ જાય છે અને માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે જાન્યુઆરીમાં ફોર્મ ભરવામાં આવશે અને પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. જયારે ધોરણ 9 અને 11 ની પરીક્ષાઓ જૂન-2021 માં લેવામાં આવશે.