ઓમિક્રોનની શેરબજાર પર ગંભીર અસર : સેન્સેક્સ ખુલતાની સાથે જ 1000 પોઈન્ટ તૂટ્યો
12/20/2021
Business
બિઝનેસ ડેસ્ક: સપ્તાહના પહેલા જ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઓમિક્રોનની અસરના કારણે કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. . ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને લગભગ એક ટકા તૂટ્યા હતા.
પ્રી-ઓપન સેશનમાં BSE સેન્સેક્સ આજે 500 પોઈન્ટના ઘટાડા સાથે 56,500 પર ખુલ્યો હતો. જ્યારે, નેશનલ સ્ટોક એક્સચેંજના નિફ્ટીએ આજે 16,824ના સ્તરથી કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતના કારોબારમાં નિફ્ટી 268.60 પોઈન્ટ ઘટીને 16,716.60 પર હતો, જ્યારે સેન્સેક્સ 1074.89 પોઈન્ટ ઘટીને 55,936.85 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સમાં વિપ્રો (Wipro), સન ફાર્મા (Sun Pharma) અને એશિયન પેઈન્ટ્સ (Asian Paints) સિવાય તમામ શેર લાલ નિશાનમાં હતા.
સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1035.86 પોઈન્ટ અથવા 1.82 ટકાના ઘટાડા સાથે 55,975.88 પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નિફ્ટી 323 પોઈન્ટ અથવા 1.90 ટકાના ઘટાડા સાથે 16,662.20 પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન બજારમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.
આ પરિબળો બજારને નબળું બનાવી રહ્યાં છે
ગયા સપ્તાહે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,774.93 પોઈન્ટ એટલે કે 3%ના ઘટાડા સાથે 57,011.74 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી50 પણ 526.1 પોઈન્ટ ઘટીને 16,985.2 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સતત બે સપ્તાહની તેજી પછી આ ઘટાડો છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા કેસ, FPIsનું સતત વેચાણ, ઊંચા સ્તરે પ્રોફિટ-બુકિંગ જેવા પરિબળો બજારને નબળું બનાવી રહ્યાં છે.
FPIs આ મહિને અત્યાર સુધી સેલર રહ્યા છે. FPIs એ રૂ. 26,687.46 કરોડની ઇક્વિટી વેચી છે. FPIs એ ગયા સપ્તાહમાં જ રૂ. 10,452.27 કરોડનું વેચાણ કર્યું હતું. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત ખરીદદાર બની રહ્યા છે. DIIએ ગયા અઠવાડિયે રૂ. 6,341.14 કરોડ અને આ મહિને અત્યાર સુધીમાં રૂ. 20,041.94 કરોડની ખરીદી કરી છે.
તમામની હાલત ખરાબ
જો સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો નિફ્ટી ફાર્મા, હેલ્થ કેર, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, મેટલ, પીએસયુ બેંક, રિયલ્ટી, આઈટી, મીડિયા, નિફ્ટી બેંક, નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસીસ, પ્રાઈવેટ બેંક સહિત તમામની હાલત ખરાબ છે. ઉપરાંત, મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકો પણ ઘટ્યા છે. બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ 3.3%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજાજ ફાઈનાન્સમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો
સેન્સેક્સમાં સૌથી વધુ ચાર ટકાનો ઘટાડો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, એમએન્ડએમ અને એચડીએફસી બેંક પણ મોટા ઘટાડામાં સામેલ હતા. અગાઉના સેશનમાં સેન્સેક્સ 889.40 પોઈન્ટ અથવા 1.54% ઘટીને 57,011.74 પર બંધ થયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 263.20 પોઈન્ટ અથવા 1.53%ના ઘટાડા સાથે 16,985.20 પર બંધ થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp