MDH મસાલાની જાહેરાતમાં દેખાઈને લોકપ્રિય થયેલા, અને કંપનીના માલિક એવા ‘મહાશય’ ધર્મપાલ ગુલાટીનું અવસાન
નવી દિલ્હી : મસાલાની પ્રખ્યાત બ્રાંડ એમડીએચના માલિક (MDH Masala) અને ‘મહાશય’ ઉપનામથી જાણીતા ધર્મપાલ ગુલાટીનું (Dharampal Gulati) આજે સવારે દુઃખદ નિધન થયું છે. તેમણે ખાનગી હોસ્પિટલ ખાતે સવારે ૬.૦૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ૯૮ વર્ષની જૈફ વયના ધર્મપાલ ગુલાટી મોટી ઉંમરે પણ તંદુરસ્ત જીવન જીવતા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ગુલાટીજી છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. એ દરમિયાન આજે વહેલી સવારે હૃદયરોગનો હુમલો થવાથી એમનું અવસાન થયું હતું.
ધર્મપાલ ગુલાટીજી ભારતભરમાં ‘કિંગ ઓફ સ્પાઈસ’ અને ‘મસાલાકીંગ’ જેવા નામે જાણીતા હતા. પોતાના નામ ઉપરથી જ જેનું નામકરણ થયેલું, એવી એમડીએચ બ્રાન્ડને એમણે ભારતની બજારોમાં એક અલગ ઊંચાઈ સુધી પહોંચાડેલી. પરંતુ આ સફર આસન નહોતી.
ધર્મપાલ ગુલાટીનો જન્મ ૨૩ માર્ચ, ૧૯૨૩ને દિવસે સિયાલકોટ ખાતે થયેલો. ત્યાર બાદ જ્યારે ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા એ સમયે સિયાલકોટ પાકિસ્તાનનો હિસ્સો બન્યું. એ દરમિયાન ધર્મપાલજી સ્કૂલનું ભણતર અધૂરું મૂકીને પોતાના પિતાના મસાલાના ધંધામાં જોડાઈ ગયા હતા. એમના પિતા 'महशियान दी हट्टी' નામે મસાલાનો વેપાર કર્તા હતા. ભારતના ભાગલા સમયે પાકિસ્તાન છોડીને ધર્મપાલજીનો પરિવાર અમૃતસર આવી ગયો. અહીં આ વેપારી પરિવારે શરણાર્થીઓ માટે બનાવેલી છાવણીઓમાં રહેવાનો વખત આવ્યો! પણ ગુજરાતીમાં કહેવત છે કે ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’, એ મુજબ ગુલાટી પરિવારે સંજોગો સામે હાર માની લેવાને બદલે ભારતમાં નવેસરથી ધંધો જમાવવાનું નક્કી કર્યું.
ધર્મપાલજીએ સૌપ્રથમ દિલ્હીના કારોલબાગ ખાતે પોતાનો મસાલાનો સ્ટોર શરુ કર્યો. ત્યાર બાદ પોતે પણ પરિવાર સાથે અમૃતસરથી દિલ્હી શિફ્ટ થઇ ગયા. થોડાજ વર્ષોમાં એમની મહેનત અને સંઘર્ષે સારા પરિણામો આપવા માંડ્યા. ઇસ ૧૯૫૯માં એમણે આધિકારિકરૂપે કંપનીની સ્થાપના કરી. પછી તો એમડીએચ કંપનીએ ક્યારેય પાછું વાળીને જોયું નથી. જોતજોતામાં આ કંપનીની પ્રોડકટ આખી દુનિયામાં નિર્યાત થવા માંડી. બ્રિટન, યુએઈ, કેનેડા જેવા અનેક દેશોમાં એમડીએચ મસાલા મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે.
૨૦૧૯માં ભારત સરકાર તરફથી મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા. એમડીએચ કંપનીના કહેવા મુજબ ધર્મપાલ ગુલાટી પોતાની આવકના લગભગ ૯૦% જેટલી રકમ દાન કરી દેતા હતા!
મહાશય ધર્મપાલ ગુલાટીની એક ખાસિયત એ હતી કે તેઓ પોતે જ એમડીએચ મસાલાની એડમાં ચમકતા હતા! એડમાં પ્રેઝન્ટ થવાની એમની એક આગવી અદા હતી. અને પ્રેક્ષકોને પણ મસાલાનું બ્રાન્ડિંગ કરતા આ દાદાજીને જોવાની મજા પડતી હતી. લોકો એમણે ‘દેગી મિર્ચવાળા દાદા’ને નામે ઓળખતા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp