રાહુલ ગાંધીએ અદાણી-PM મોદીનું પોસ્ટર રીલિઝ કરતા ભાજપ પર કટાક્ષ કર્યો
મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી પડઘમ શાંત થઇ જશે અને રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. ત્યારબાદ 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને અદાણી પર પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 'એક હૈ તો સેફ હૈ' ચૂંટણીનો નારો આપ્યો છે. અર્થ ફક્ત એક જ વ્યક્તિ સાથે છે." આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી અને અદાણીના પોસ્ટર પણ બતાવ્યા. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) મુદ્દે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, 'ભાજપ ધારાવીની જમીન માત્ર એક વ્યક્તિને આપવા માગે છે એટલે જ આ પ્રોજેક્ટ લઈને આવી રહી છે.
તેમણે જણાવ્યું કે, ભાજપ અહીં ઉપસ્થિત લઘુ ઉદ્યોગોને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે બધું એક જ વ્યક્તિના હાથમાં આપવા માગે છે. અમારી પાસે ધારાવીના વિકાસ માટે એક પ્લાન છે. અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવીશું. અમે કોઈ એક વ્યક્તિના કહેવા પર કોઈ પ્લાન નહીં બનાવીએ. અહીં પૂરનો મુદ્દો પણ છે આપણે તેના પર પણ કામ કરવું પડશે.'
રોજગારના મુદ્દે કેન્દ્ર સરકાર અને મહાયુતિ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, 'ભાજપ આ ચૂંટણીમાં ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે એવું થવા નહીં દઈએ. તેઓ કહી રહ્યા છે કે, મહા અઘાડી સરકારના સમયમાં અનેક મોટા પ્રોજેક્ટો બહાર ગયા છે, પરંતુ તેમના સમયમાં અહીંથી 7 પ્રોજેક્ટ ઉઠીને વિવિધ રાજ્યોમાં ગયા છે, તેમાં સૌથી વધુ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા છે. સરકાર અહીંના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. તે નોકરીની વાત કરવા માગતી નથી. મહારાષ્ટ્રના યુવાનોએ આ અંગે વિચારવું પડશે.'
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'મહારાષ્ટ્રની ચૂંટણી વિચારધારાઓની ચૂંટણી છે અને 1-2 અબજપતિઓ અને ગરીબો વચ્ચેની ચૂંટણી છે. અબજપતિઓ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમના હાથમાં જાય. એવો અંદાજ છે કે, 1 અબજપતિને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, અમારો વિચાર છે કે મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો, બેરોજગારો, યુવાનોને મદદની જરૂર છે. અમે દરેક મહિલાના બેંક ખાતામાં 3,000 રૂપિયા જમા કરીશું, મહિલાઓ માટે મફત બસમાં મુસાફરી હશે. ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી દેવામાં આવશે સોયાબીન માટે ખેડૂતોની 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. અમે તેલંગણા, કર્ણાટકમાં જે જાતિ ગણતરી કરાવી રહ્યા છીએ તે મહારાષ્ટ્રમાં પણ કરાવીશું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp