GSTના દરો ઘટાડી સામાન્ય જનતાને રહાત, પણ સરકારને અધધ 40,000 કરોડના નુકસાનની આશંકા! જાણો સમીકરણો
પ્રધાનમંત્રી મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જીએસટીના દરોમાં સુધારાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે જીએસટીના સ્લેબ ઘટાડી 5 ટકા અને 18 ટકા લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેને મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી મળી હતી. આ મામલે એક મોટી જાણકારી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, સરકાર ટેક્સટાઇલ અને ફૂડ પ્રોડક્ટ્સને 5 ટકાના જીએસટી સ્લેબમાં લાવવાનો વિચાર કરી રહી છે.
નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ અંતર્ગત ટેક્સના બોજાને હળવો કરવા ખાસ હેતુથી ખાદ્ય પદાર્થો અને કપડાંને 5 ટકાના જીએસટી સ્લેબમાં આવરી લેવા વિચારણા થઈ રહી છે. આ માટે સરકાર અમુક સામાન્ય રૂપે ઉપયોગમાં લેવાતી સેવાઓ પર જીએસટીના દરોનું મૂલ્યાંકન કરી રહી છે. આગામી મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે.
આ ઉપરાંત, જો અન્ય સંભવિત ફેરફારો પર નજર કરીએ તો સિમેન્ટ સહિત અન્ય ચીજવસ્તુઓ તેમજ સલુન-બ્યૂટી પાર્લર જેવી ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવા પર પણ ચર્ચા થઈ શકે છે. હાલ નાના સલુન જીએસટીમાંથી બાકાત છે. જ્યારે મધ્યમ અને હાઈ કેટેગરીના સલુન પર 18 ટકા જીએસટી લાગુ છે. જેનો સીધો બોજો ગ્રાહકો પર પડે છે. સિમેન્ટ પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લાંબા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માંગ છે. તદુપરાંત વીમા સંગઠનો દ્વારા ટર્મ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર જીએસટી દૂર કરવાની માંગ છે. જેના પર નિર્ણય લેવાઈ શકે છે. 4 મીટર સુધીની નાની કાર પર જીએસટી સ્લેબ 18 ટકા અને મોટી લકઝરી કારને 40 ટકા જીએસટી સ્લેબમાં લાવી શકે છે.
બ્રાન્ડ વિનાની મીઠાઈ પર હાલ 5 ટકા જીએસટી લાગુ છે, જ્યારે બ્રાન્ડેડ અને પેકેજ્ડ મીઠાઈ પર 18 ટકા જીએસટી. તદુપરાંત કાર્બેનેટેડ ડ્રિંક્સ પણ 18 ટકા જીએસટીમાં સામેલ છે. કપડાંની કિંમતના આધારે 5થી 12 ટકાનો સ્લેબ લાગુ છે. રૂ. 1000થી ઓછી કિંમતના કપડાં પર 5 ટકા અને વધુ કિંમતના કપડાં પર 12 ટકા જીએસટી લાગુ છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળ જીએસટી કાઉન્સીલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. જીએસટી કાઉન્સિલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જીએસટીમાં સુધારો કરવાના પ્રસ્તાવ પર કામગીરી શરુ થઈ ચૂકી છે. રાજ્યો સાથે આ મામલે ચર્ચા-વિચારણા પૂર્ણ થઈ છે. જેથી કેન્દ્ર સરકાર વિજયા દશમી (2 ઑક્ટોબર) સુધીમાં જીએસટીના નવા દરો રજૂ કરી શકે છે. જો પ્રક્રિયા યોગ્ય સમયે પૂર્ણ થઈ તો તેનો અમલ દશેરા સુધીમાં થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલય અનુસાર જીએસટીની નવી સંરચનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવક પર અસર પડશે. જીએસટી સચિવાલયના અધિકારીઓની ફિટમેન્ટ કમિટીએ આ નુકસાનનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેમાં આશરે 40,000 કરોડ રૂપિયાના રેવેન્યુ નુકસાનની આશંકા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp