એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજના 13 સ્થળોએ દરોડા પાડી રહી છે. તેમના ઘરે પણ દરોડા પાડી રહી છે. AAP સરકાર દરમિયાન આરોગ્ય માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા આ મામલે પૂર્વ સ્વસ્થ્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેંદ્ર જૈન વિરુદ્ધ EDએ જુલાઈમાં કેસ નોંધ્યો હતો.. હવે રેડ કરાવામાં આવી છે. જેના પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આતિષીએ પ્રતિક્રિયા આપી છે.
AAPના કાર્યકાળના 2 સ્વાસ્થ્ય મંત્રી, સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા, 5,590 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં તપાસ હેઠળ છે. ED અનુસાર, 2018-19માં આમ આદમી પાર્ટી સરકારે 24 હોસ્પિટલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. યોજના હતી 6 મહિનામાં ICU હોસ્પિટલો તૈયાર કરી દેવામાં આવશે, પરંતુ એવો દાવો કરવામાં આવે છે કે કામ હજુ પૂર્ણ થયું નથી, જ્યારે 800 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો છે. અત્યાર સુધીમાં માત્ર 50% કામ પૂર્ણ થયું છે. EDએ પણ શોધી કાઢ્યું કે દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલના બાંધકામ ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થઈ ગયો. એજન્સીનો આરોપ છે કે ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજૂરી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.
ACB એ કયા આરોપો લગાવ્યા?
ACBએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે હોસ્પિટલ પ્રોજેક્ટ્સને 2018-19માં મંજૂરી આપવામાં આવી હતી, જેમાં 11 ગ્રીનફિલ્ડ અને 13 બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ACB દ્વારા નોંધાયેલા કેસમાં કહેવામાં આવ્યું હતું કે શહેરભરમાં હોસ્પિટલો, પોલીક્લિનિક્સ અને ICU ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં મોટી અનિયમિતતાઓ, બિનજરૂરી વિલંબ અને ભંડોળનો મોટા પાયે દુરુપયોગ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ખર્ચમાં અનેક સો કરોડ રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો હતો અને એક પણ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થયો નહોતો.
દિલ્હીના ભૂતપૂર્વ CM આતિશીએ X-પોસ્ટમાં સૌરભ ભારદ્વાજના ઘરે દરોડા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોસ્ટમાં કહ્યું કે, ‘આજે સૌરભજીના ઘરે દરોડો કેમ પાડવામાં આવ્યો? કારણ કે દેશભરમાં મોદીજીની ડિગ્રી પર સવાલ ઉભા થઈ રહ્યા છે, શું મોદીજીની ડિગ્રી નકલી છે? આ ચર્ચા પરથી ધ્યાન હટાવવા માટે દરોડા પાડવામાં આવ્યા છે. જે સમયે આ કેસની જાણ થઈ રહી છે, તે સમયે સૌરભજી મંત્રી પણ નહોતા. એટલે કે આખો કેસ ખોટો છે. સત્યેન્દ્રજીને 3 વર્ષ જેલમાં પણ રાખવામાં આવ્યા હતા અને અંતે CBI/EDને ક્લોઝર રિપોર્ટ આપવો પડ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે દાખલ કરાયેલા તમામ કેસ ખોટા અને રાજકીય રીતે પ્રેરિત છે.’
સૌરભ ભારદ્વાજના ઘરે EDની રેડ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘આ મોદી સરકાર દ્વારા એજન્સીઓનો દુરુપયોગનો વધુ એક મામલો છે. મોદી સરકાર આમ આદમી પાર્ટી પાછળ પડી ગઈ છે. જે પ્રકારે AAPને ટારગેટ કરવામાં આવી રહી છે, એવી રીતે ઈતિહાસમાં કોઈ પાર્ટીને કરવામાં આવી નથી. AAPને એટલે ટારગેટ કરવામાં આવી રહી છે કેમ કે મોદી સરકારની ખોટી નીતિઓ અને ભ્રષ્ટ કામો વિરુદ્ધ સૌથી આગળ અવાજ AAPનો છે. મોદી સરકાર અમારો અવાજ દબાવવા માગે છે. એ ક્યારેય નહીં થાય.’
22 ઓગસ્ટ 2024ના રોજ, દિલ્હી વિધાનસભામાં તત્કાલીન વિરોધ પક્ષના નેતા, વિજેન્દ્ર ગુપ્તાએ આ બાબત અંગે ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં GNCTD હેઠળ ચાલતા ઘણા આરોગ્ય સંબંધિત પ્રોજેક્ટ્સમાં ગંભીર અનિયમિતતાઓ અને શંકાસ્પદ ભ્રષ્ટાચાર તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ફરિયાદમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનનું નામ આપવામાં આવ્યું છે, જેમાં તેમના પર પ્રોજેક્ટ્સના બજેટમાં વ્યવસ્થિત હેરફેર, જાહેર ભંડોળનો દુરુપયોગ અને ખાનગી કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છે.