India Vs Australia 5th Test: સિડની ટેસ્ટમાં હોબાળા વચ્ચે રોહિત શર્માએ તોડ્યું મૌન, સંન્યાસ અંગે આપ્યું મોટું અપડેટ
Rohit Sharma On Retirement: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમાઇ રહી છે. આ શ્રેણીની 5મી મેચ સિડનીમાં રમાઇ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં આરામ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની કેપ્ટન્સી જસપ્રીત બૂમરાહના હાથમાં છે. રોહિત શર્માએ આરામ લેતાની સાથે જ ચાહકોમાં એવી અફવાઓ ફેલાવા લાગી હતી કે આ સીરિઝ પૂરી થતા જ તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે, પરંતુ આ બધા વચ્ચે રોહિત શર્માએ પોતાની નિવૃત્તિ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપતા એક મોટું નિવેદન આપ્યું છે.
રોહિત શર્માએ બીજા દિવસે લંચ બ્રેક દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને આરામ આપવામાં આવ્યો છે, ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે કે તેણે પોતે જ બેસવાનો નિર્ણય લીધો છે. તેના પર રોહિત શર્માએ કહ્યું કે આ સંન્યાસ લેવાનો નિર્ણય નથી અને ન તો હું રમતથી દૂર જઇ રહ્યો છું. હું આ મેચ માટે મેદાનની બહાર થઇ ગયો છું. મેં પસંદગીકારો અને કોચને કહ્યું કે મારા બેટથી રન નીકળી રહ્યા નથી, તેથી મેં આ મેચમાંથી બહાર બેસવાનો નિર્ણય લીધો.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે કહ્યું છે કે બહાર બેઠા લોકો માટે વાત કરવી સરળ કામ છે. લેપટોપ, પેન અને કાગળ સાથે બહાર બેઠા લોકો એ નક્કી નથી કરતા કે નિવૃત્તિ ક્યારે આવશે અને મારે શું નિર્ણય લેવાનો છે. રોહિત શર્માએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે તેના માટે વસ્તુઓ બદલાશે. હું માત્ર ફોર્મમાં ન હોવાના કારણે રમી રહ્યો નથી. જિંદગી દરરોજ બદલાય છે અને મને વિશ્વાસ છે કે વસ્તુઓ બદલાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp