રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારત આવશે, તારીખો પર ચાલી રહ્યું છે મંથન
Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતની તારીખો હજુ નક્કી કરવામાં આવી નથી. રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાતને લઈને ક્રેમલિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસ્કોવે કહ્યું કે અમે રશિયન રાષ્ટ્રપતિની મુલાકાતની તારીખો પર કામ કરી રહ્યા છીએ. યુક્રેન સામે યુદ્ધ શરૂ થયા બાદ પુતિન અત્યાર સુધી માત્ર મંગોલિયા અને ઉત્તર કોરિયાની મુલાકાતે જ ગયા છે. આવી સ્થિતિમાં તેમની ભારત મુલાકાતને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. નવી દિલ્હીમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છેલ્લે 6 ડિસેમ્બર, 2021ના રોજ ભારતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ વર્ષે જુલાઈમાં મોસ્કોની મુલાકાત પણ લીધી હતી, આ મુલાકાત 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે હતી.
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે નવી પરમાણુ નીતિ પર હસ્તાક્ષર કર્યા છે. આ ફેરફારમાં રશિયાએ પરંપરાગત મિસાઈલ હુમલાની સાથે-સાથે ડ્રોન કે અન્ય એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવતા હુમલાનો પણ સમાવેશ કર્યો છે. પરમાણુ સિદ્ધાંતોમાં ફેરફાર અનુસાર, જો રશિયા પર આ પ્રકારનો હુમલો કોઈપણ જોડાણના સભ્ય દેશ દ્વારા કરવામાં આવે છે, તો મોસ્કો આ હુમલાને સમગ્ર ગઠબંધન વતી કરવામાં આવેલ હુમલો ગણશે. તેનો અર્થ એ છે કે જો અમેરિકન હથિયારોનો ઉપયોગ રશિયા સામે થશે તો રશિયા તેના માટે સમગ્ર NATO ગઠબંધનને જવાબદાર ગણશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp