નવી દિલ્હી : હવે ‘વન નેશન વન રેશનકાર્ડ’ની રિફોર્મ (સુધારા) યોજના દેશના 17 રાજ્યોમાં લાગૂ કરી દેવાઈ છે. નાણાં મંત્રાલયે કહ્યું હતું કે, ઉત્તરાખંડ રાજ્ય આ યોજનાને લાગૂ કરનારું 17મું રાજ્ય બન્યું છે. આ યોજનાનો એ ફાયદો થશે કે હવેથી રેશનકાર્ડ ધારકો દેશના આ 17 રાજ્યોની કોઈ પણ દુકાનેથી પોતાના ભાગનું રેશન ખરીદી શકશે. આવા રાજ્યો હવે ખર્ચ વિભાગ દ્વારા 37,600 કરોડ રૂપિયા સુધીનો એટલે કે તેમના કુલ જીએસડીપીના 0.25 જેટલો ઉધાર લઈ શકે છે.
વન નેશન વન રેશનકાર્ડની પ્રણાલી દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએફ) તથા અન્ય કલ્યાણકારી યોજનાઓમાં અને ખાસ કરીને પ્રવાસી શ્રમિકો અને તેમના પરિવારોને સમગ્ર દેશમાં ગમે ત્યાંથી સસ્તા અનાજની દુકાન (એફપીએસ) પરથી પોતાના ભાગનું રેશન મળી શકશે. આ યોજનાનો લાભ ખાસ કરીને મજૂરો, દૈનિક રોજગારી મેળવતા શ્રમિકો, સફાઈ કામદારો, રસ્તે રહેનારા લોકો, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં અસ્થાયી શ્રમિકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે.
નવી ટેક્નોલોજી દ્વારા ચાલતી આ રિફોર્મ યોજના પ્રવાસી શ્રમિકોને કે કોઈ પણ પ્રવાસી લાભાર્થીઓને દેશમાં ગમે ત્યાં તેમની પસંદના ઈ-પીઓએસ પાસેથી પોતાનો ખાદ્ય કોટા મેળવી શકે છે. દેશમાં કોરોનાના વધતા જતા જોખમને લઈને પેદા થયેલા પડકારોનો સામનો કરવા માટે સંસાધનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 17 મે 2020ના દિવસે રાજ્યોની ઉધાર મર્યાદાને તેના જીએસડીપીના 2 ટકા સુધી વધારી આપી હતી.
વન નેશન વન રેશનકાર્ડ યોજના દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે પ્રવાસી શ્રમિકો અને લાભાર્થીઓ દેશના કોઈ પણ ખૂણેથી કોઈ પણ રેશનની દુકાનેથી પોતાના રેશનકાર્ડ દ્વારા રેશન ખરીદી શકે છે. વન નેશન વન રેશનકાર્ડ યોજનાના રિફોર્મમાં કાર્ડધારકોએ તેમના જૂનું રેશનકાર્ડની જગ્યાએ નવું રેશન કાર્ડ બનાવડાવવું પડશે. સરકારની સૂચનાઓ મુજબ તેઓ નવું કાર્ડ બદલવાની કામગીરી કરાવી શકશે.