બધુ બરાબર થઈ જશે? ટેરિફ ટેન્શન વચ્ચે PM મોદી અને ટ્રમ્પ વચ્ચે થઈ શકે છે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે, જ્યાં તેઓ ન્યૂયોર્ક શહેરમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠકમાં સામેલ થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને વેપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ભારત-અમેરિકા સંબંધોમાં તાજેતરના તણાવ વચ્ચે આ સંભવિત બેઠક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વૈશ્વિક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો પણ કરશે, જેમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીનો પણ સામેલ હોય શકે છે. UNGA સમિટ સપ્ટેમ્બરમાં યોજાશે અને 23 સપ્ટેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં વિશ્વના નેતાઓ પહોંચવા લાગશે.
સૂત્રોનું કહેવું માનીએ તો ટ્રમ્પ ઇચ્છે છે કે વડાપ્રધાન મોદી તેમને મળવા આવે. એટલે વડાપ્રધાન બેવડા હેતુ સાથે ન્યૂયોર્કની મુલાકાત લઈ શકે છે. જો બધું બરાબર રહ્યું, તો વડાપ્રધાન વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પને QUAD સમિટ માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપશે. જો બધું બરાબર રહ્યું, તો QUAD સમિટ ઓક્ટોબરમાં યોજાઈ શકે છે.
જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત થઈ જાય છે, તો તે 7 મહિનામાં બંને નેતાઓની બીજી મુલાકાત હશે. આ અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લીધી હતી. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, બંને નેતાઓ વચ્ચેના અંગત સંબંધો મજબૂત થયા હતા, પરંતુ બીજા કાર્યકાળમાં ટેરિફ પર ટ્રમ્પના કડક વલણથી સંબંધોમાં તિરાડ પડી છે, જોકે ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત ‘મિત્ર’ કહી ચૂક્યા છે.
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં સૌથી મોટો અવરોધ એ છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રને અમેરિકન બજાર માટે ખોલવા તૈયાર નથી. આ દરમિયાન 25% ટેરિફલગાવવા સાથે-સાથે, ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા માટે વધારાના 25% ટેરિફની પણ જાહેરાત કરી, જેથી કુલ ટેરિફ 50% સુધી વધી ગયો છે. આ ટેરિફમાંથી 25% 7 ઓગસ્ટથી લાગુ થઈ ચૂક્યો છે, જ્યારે બાકીના 27 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. આ સમયમર્યાદા પહેલા, બંને દેશો વેપાર કરાર પર ઝડપથી વાટાઘાટો કરી રહ્યા છે.
રશિયન તેલની ખરીદી એ બીજો મોટો વિવાદ છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ ખરીદી રશિયાને યુક્રેન યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહી છે. ટ્રમ્પ ભારત પર તેલની આયાત ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે જેથી રશિયા આર્થિક રીતે પ્રભાવિત થાય. ભારતે અમેરિકાની ટીકાને નકારી કાઢી છે અને કહ્યું છે કે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ, રસાયણો અને ખાતરો ખરીદે છે, જેના પર ભારતે પણ વાંધો વ્યક્ત કર્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp