બાળ વિકાસ યોજના હેઠળ મહિલાઓની ૯૦૦૦થી વધુ પદો પર ભરતી, કેવી રીતે કરી શકાશે અરજી? જાણો
ગાંધીનગર: વિકસિત ભારતના નિર્માણમાં સમાજને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે આજે મહિલાઓની ભૂમિકા અગત્યની બની ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ૯૦૦૦થી વધુ જગ્યા માટે માનવબળની જાહેરાત કરવામાં આવી છે. રોજગારીની આ તક અનેક મહિલાઓ માટે ઘર આંગણે રહી સ્વાવલંબી બનવાની સોનેરી અવસર ઊભી કરશે.
કુપોષણ ઘટાડવા, બાળ આરોગ્ય સુધારવા અને સ્થાનિક સ્તરે મહિલાઓને સ્વાવલંબી બનાવવા રાજ્યસરકાર સંકલ્પબદ્ધ છે. આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર તથા તેડાગર મહિલાઓ તરીકે કામ કરવા ઇચ્છુક મહિલાઓ આગામી તારીખ ૩૦, ઓગસ્ટ સુધીમાં e-HRMS પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. સ્થાનિક સ્તરે આરોગ્ય અને પોષણનું સ્તર ઊંચું લાવવા માટે આ મહિલાઓની અગત્યની ભૂમિકા છે. ગુજરાતમાં જાહેર કરવામાં આવેલી માનવબળની કુલ જગ્યાઓમાં સૌથી વધારે જગ્યા કચ્ચ્છ જિલ્લામાં ૬૧૯, અમદાવાદ મહાનગરપાલિકામાં ૫૬૮, બનાસકાંઠામાં ૫૪૭, આણંદમાં ૩૯૪ અને મહેસાણામાં ૩૯૩ જેટલી મહિલાઓની પસંદગી કરવામાં આવશે.
આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ સ્તરે કામ કરતાં VCE મારફતે પણ ફોર્મ ભરી શકાશે. અરજી કરનાર મહિલાઓની પસંદગી જિલ્લા પ્રમાણે મેરીટ આધારે કરવામાં આવશે. ઉપરાંત તેડાગર બહેનોની જગ્યા પર ૧૦ વર્ષ કે તેથી વધુ વર્ષનો અનુભવ હશે તેમને આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી કરવામાં અગ્રતા આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષિણક લાયકાત ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ પાસ, AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષનો કોર્ષ પાસ કરેલો હોવો જરૂરી છે. તેમજ આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષિણક લાયકાત ધોરણ ૧૦ રાખવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp