કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું- દેશમાં કેટલા સ્કિલ્ડ ડ્રાઇવરોની અછત છે
Nitin Gadkari Says Shortage of 22 lakh skilled drivers in India: વિશ્વ બેંકના એક રિપોર્ટ અનુસાર દેશમાં 22 લાખ સ્કિલ્ડ ડ્રાઇવરોની અછત છે. ગુરુવારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સારી તાલીમના અભાવે ઘણા અકસ્માતો થઈ રહ્યા છે. PTIના સમાચાર અનુસાર, લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રએ ડ્રાઈવરો માટે તાલીમ સંસ્થાઓ સ્થાપવા માટે 4,500 કરોડ રૂપિયાની યોજના શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે ઘણા અકસ્માતો અને મૃત્યુ થાય છે. ગડકરીએ કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1600 તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. તેનાથી 60 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ક્લસ્ટર અભિગમ સહિત ડ્રાઇવિંગ તાલીમ અને સંશોધન સંસ્થા (IDTR), પ્રાદેશિક ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્ર (RDTC) અને ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્ર (DTC)ની સ્થાપના માટે યોગ્ય દરખાસ્તો મોકલવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. દર વર્ષે લગભગ 1.8 લાખ લોકો માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામે છે અને તેમાંથી ઘણા અનટ્રેઇન્ડ ડ્રાઇવરોના કારણે થાય છે.
અગાઉ, એક અહેવાલમાં બહાર આવ્યું હતું કે, ભારતમાં લગભગ 55.1 ટકા ટ્રક ડ્રાઇવરોની દૃષ્ટિ નબળી છે, જ્યારે 53.3 ટકાને દૂરની દૃષ્ટિમાં સુધાર કરવાની જરૂર છે અને 46.7 ટકાને નજીકની દૃષ્ટિ માટે સારવારની જરૂર છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), દિલ્હી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, લગભગ 44.3 ટકા ડ્રાઇવરોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) બોર્ડરલાઇન પર અથવા તેનાથી ઉપર હતો, જ્યારે 57.4 ટકામાં બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું હતું અને 18.4 ટકામાં બ્લડ સુગર બોર્ડરલાઇન પર અથવા તેનાથી ઉપર હોવાનું જાણવા મળ્યું હતું.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ત્યારે કહ્યું હતું કે, રસ્તાઓ પર 70 ટકા વાહનવ્યવહાર અને પરિવહન ખર્ચમાં 14-16 ટકાના વધારા સાથે ભારત પરિવહન ક્ષેત્રમાં નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp