નેપાળના વચગાળાના PM સુશીલા કાર્કીના પતિએ કર્યું હતું વિમાન હાઇજેક, જાણો શું હતો 30 લાખવાળો કાંડ?
નેપાળમાં રાજકીય સંકટનો અંત આવ્યો છે. કેપી શર્મા ઓલી બાદ, નેપાળને હવે નવા બોસ મળી ગયા છે. સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડાપ્રધાન બન્યા છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ શુક્રવારે નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાષ્ટ્રપતિ કાર્યાલયમાં 73 વર્ષીય સુશીલા કાર્કીને પદના શપથ લેવડાવ્યા. સુશીલા કાર્કી આગામી ચૂંટણી સુધી વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે. જોકે, સુશીલા કાર્કીની છબી સ્વચ્છ રહી હોય, પરંતુ તેમના પતિનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે. તેમનું નામ વિમાન હાઇજેક કાંડમાં પણ આવી ચૂક્યું છે.
સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમના પતિનું નામ નેતા દુર્ગા પ્રસાદ સુબેદી છે. સુશીલા કાર્કીની તેમની સાથે મુલાકાત ઉત્તર પ્રદેશના વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં અભ્યાસ દરમિયાન થઈ હતી. ખાસ વાત એ છે કે 52 વર્ષ અગાઉ નેપાળના પહેલા વિમાન હાઇજેકમાં સુબેદી સામેલ હતા. સુશીલા કાર્કીના પતિએ કથિત રીતે જે વિમાન હાઇજેક કર્યું હતું તેમાં એક સુંદર બોલિવુડ અભિનેત્રી સવાર હતી. જી હા, પ્યાસા અને ગીત જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી માલા સિંહા પણ હાઇજેક થયેલા વિમાનમાં સવાર હતી. ચાલો જાણીએ શું થયું હતું.
કહાની આજથી 52 વર્ષ અગાઉની છે. નેપાળના બિરાટનગરથી એક વિમાન કાઠમંડુ જઈ રહ્યું હતું. તે વિમાન 10 જૂન 1973ના રોજ હાઇજેક થઇ ગયું હતું. તેમાં સરકારના 30 લાખ રૂપિયા હતા. નેપાળી કોંગ્રેસના ત્રણ સભ્યોએ કેનેડામાં બનેલા 19 સીટર ટ્વીન ઓટર વિમાનને હાઇજેક કર્યું હતું. વિમાનમાં સવાર મુસાફરોમાં નેપાળના અભિનેતા દંપતિ સીપી લોહાની અને ભારતના માલા સિંહાનો સમાવેશ થાય છે. સુશીલા કાર્કીના પતિ સુબેદી રોયલ નેપાળ એરલાઇન્સના વિમાન હાઇજેકમાં નાગેન્દ્ર ધુંગેલ અને બસંત ભટ્ટરાય સાથે સામેલ હતા. આ યોજના ગિરિજા પ્રસાદ કોઈરાલા દ્વારા બનાવવામાં આવી હતી, જે પાછળથી નેપાળના વડાપ્રધાન બન્યા હતા. ખાસ વાત એ છે કે આ નેપાળનું પહેલું હાઇજેક હતું.
સુશીલા કાર્કીના પતિ સુબેદી તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયા હતા. તેઓ કોઈરાલાના નજીકના સાથીઓમાંથી એક હતા. આ વિમાન હાઇજેક નેપાળના રાજા મહેન્દ્રના શાસનકાળ દરમિયાન રાજાશાહી સામે સશસ્ત્ર સંઘર્ષ માટે ભંડોળ એકત્ર કરવા માટે કરવામાં આવ્યું હતું. તે હાઇજેક કરાયેલા વિમાનમાં 30 લાખ રૂપિયાનું સરકારી ભંડોળ હતું. ક્રૂ સાથે થોડી ઝપાઝપી બાદ, હાઇજેકરોએ પાઇલટને બિહારના ફારબિસગંજમાં ઘાસની પટ્ટી પર ઉતરાણ કરવાની ફરજ પાડી હતી. 5 અન્ય કાવતરાખોરો ત્યાં પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. સુશીલ કોઈરાલા ફારબિસગંજમાં હતા અને આ ઘેરામાં સક્રિય રીતે સામેલ હતા.
હાઇજેકરોએ વિમાનમાંથી માત્ર ત્રણ કેસ ભરેલા બોક્સ કાઢ્યા અને મુસાફરોને કંઈ કર્યું નહોતું. ત્યારબાદ, વિમાને ફરીથી અન્ય મુસાફરો સાથે ઉડાણ ભરી. આ રોકડ રોડ માર્ગે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ લઈ જવામાં આવી. એક વર્ષની અંદર, ધુંગેલ સિવાય જૂથના તમામ સભ્યોની ભારતમાં અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી. સુબેદી અને અન્ય લોકોને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. 1975માં કટોકટી દરમિયાન તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp