શ્રેયસ ઐયર પહેલીવાર IPL હરાજીમાં જોવા મળશે, આ કારણે લીધો મોટો નિર્ણય
16 ડિસેમ્બરે IPLના કર્તા-ધર્તાઓ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે ભેગા થશે. 2026 સીઝન માટે ખેલાડીઓ માટે હરાજી યોજાશે. પાછલી સીઝનની મેગા ઓક્શન પછી, આ વખતે મીની ઓક્શન યોજાશે. બધા અઠવાડિયાઓથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા, અને આ વખતે, શ્રેયસ ઐયર હરાજીને વધુ ખાસ બનાવવા જઈ રહ્યો છે. પંજાબ કિંગ્સ (PBKS)નો કેપ્ટન ઐયર આ વખતે હરાજીના ટેબલ પર જોવા મળી શકે છે.
ક્રિકબઝના એક અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ઈજાને કારણે હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા ઐયર આ વખતે હરાજી માટે અબુ ધાબીમાં નજરે પડી શકે છે. ઐયરે પહેલાં ક્યારેય કોઈ ટીમના કેપ્ટન તરીકે હરાજીમાં ભાગ લીધો નથી. જોકે, આ વખતે આવું બની શકે છે કારણ કે એક તો તે હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે અને બીજું, પંજાબ કિંગ્સને કોચ વિના હરાજીમાં ઊતરવું પડી રહ્યું છે.
જી હા, હરાજીમાં ઐયર સામેલ થવાનું એક મુખ્ય કારણ પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગ છે, જે ભાગ લઈ શકશે નહીં. પોન્ટિંગ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલનો ભાગ છે. તે શ્રેણીના પ્રસારણકર્તા 7 ક્રિકેટ સાથે સંકળાયેલા છે, અને તેથી આ હરાજીમાં ભાગ નહીં લે. જોકે, બીજી બાજુ એ છે કે હરાજીમાં પંજાબે માત્ર ચાર ખેલાડીઓ ખરીદવાના છે એટલે પોન્ટિંગને આ હરાજીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઐયર છેલ્લા દોઢ મહિનાથી ક્રિકેટની બહાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ODI શ્રેણી દરમિયાન કેચ લેતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પાંસળીમાં ઈજા થઈ હતી, જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો. ત્યાં તેની સર્જરી થઈ હતી અને ત્યારથી તે રિકવરી અને રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે તે પાછો ફરે તેવી અપેક્ષા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp