સુરત: દેશમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપે છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નગરપાલિકા કે મહાનગરપાલિકાની શાળાઓમાં ચાલતું નથી. ત્યારે સુરત મહાનગરપાલિકાએ આજે ધોરણ ૧૧ ના વર્ગો શરૂ કરતા દેશની પ્રથમ મનપા બની છે જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી હોય.
સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ધોરણ ૧૧ ના ૨૪ જેટલા વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ એમ ત્રણેય પ્રવાહોનો સમાવેશ થાય છે. સુરત મનપા સ્માર્ટ સિટી સેન્ટર ખાતે આ વર્ગોનું ડિજીટલ માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાલિકાના મેયર હેમાલીબેન, સ્થાયી સમિતિના અધ્યક્ષ ઉપરાંત કમિશ્નર બંછાનિધિપાની વગેરે જોડાયા હતા. ઉપરાંત નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ ભાષામાં શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વર્ગો શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો હતો. જે અંતર્ગત હાલ ધોરણ ૧૧ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. આજે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દરમિયાન ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ ઓનલાઈન હાજર રહ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘવાલાએ કહ્યું કે, હાલ ઓનલાઈન શિક્ષણ શરૂ કરી રહ્યા છીએ. સરકારની ગાઈડલાઈન આવ્યા બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તો તે માટેની પણ તૈયારી છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ૪૦ થી ૫૦ જેટલા શિક્ષકો લેવામાં આવનાર છે. હાલ હિન્દીના ૩, મરાઠીના ૧૧ અને ગુજરાતના ૧૦ વર્ગો એમ કુલ ૨૪ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૧૫૬૨ જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસની સુવિધા મળશે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુરતના વિદ્યાર્થીઓ માટે દિશાસૂચક બની રહેશે. મહાનગરપાલિકાએ શિક્ષકોની ભરતી કરી છે. પરંતુ જો વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા યોગ્ય શિક્ષણ ન આપવાની ફરિયાદ કરે તો તેમની બદલી કરી નાંખવાની પણ તૈયારી છે તેમ તેમણે ઉમેર્યું હતું.