Donald Trump: ‘ડોનાલ્ડ ટ્રમ્પ પર ગમે ત્યારે થઈ શકે છે ડ્રોનથી હુમલો’, જાણો કોણે અમેરિકાને આપી ધમકી
Iranian Official Warns Donald Trump Could Be Killed At Mar-a-Lago: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઇના વરિષ્ઠ સલાહકાર જાવાદ લારીજાનીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે એવું બની શકે છે કે ટ્રમ્પ પોતાના લક્ઝરી હાઉસ માર-એ-લાગોમાં તડકામાં સેકાઈ રહ્યા હોય, એજ સમયે તેમને ગોળી લાગી જાય. ઈરાન ઈન્ટરનેશનલ વેબસાઇટ અનુસાર તેમણે કહ્યું કે, ‘જ્યારે તેઓ તડકામાં પેટના બળે સૂતા હોય છે, ત્યારે એક નાનકડું ડ્રોન તેમના પર હુમલો કરી શકે છે. તે ખૂબ જ સરળ છે.’ ઉલ્લેખનીય છે કે લારીજાનીને આયાતુલ્લાહ ખામેનેઇના નજીકના માનવામાં આવે છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 'બ્લડ પેક્ટ' નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ સામે આવ્યું છે, જે ખામેનેઇને અપમાનિત કરનારા અને તેમના જીવને જોખમમાં નાખનારાઓ સામે 'બદલો' લેવા માટે ભંડોળ એકત્ર કરી રહ્યું છે. વેબસાઇટનો દાવો છે કે અત્યાર સુધીમાં તેણે 27 મિલિયન ડોલરથી વધુ એકત્ર કર્યા છે અને તેનું લક્ષ્ય 100 મિલિયન ડોલર સુધી પહોંચવાનું છે. વેબસાઇટ પર પ્રકાશિત એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે એ લોકોને ઈનામ આપીશું, જે અલ્લાહના દુશ્મનો અને ખામેનેઇના જીવને જોખમમાં નાખનારાઓને ન્યાય અપાવીશું.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે સંકળાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીએ આ ઝુંબેશ શરૂ થવાની પુષ્ટિ કરી છે અને ધાર્મિક જૂથોને પશ્ચિમી દેશોના દૂતાવાસો અને શહેરોના કેન્દ્રોમાં વિરોધ કરવાની અપીલ કરી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર 'મોહરેબેહ' જેવા ઇસ્લામિક કાયદા લાગૂ કરવા જોઈએ. ઈરાની કાયદામાં, 'મોહરેબેહ' એટલે કે 'અલ્લાહ સામે યુદ્ધ', એક ગંભીર ગુનો છે જેની સજા મોત છે.
ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકન પત્રકાર ટકર કાર્લસન સાથે વાત કરતા કહ્યું કે, આ ફતવો ન તો સરકારનો છે કે ન તો ખામેનેઇનો. ખામેનેઇના આધિન ચાલનારા 'કાયહાન' અખબારે આ નિવેદનને ફગાવતા લખ્યું કે, ‘આ કોઈ શૈક્ષણિક અભિપ્રાય નથી, પરંતુ ધર્મના રક્ષણ માટેનો ધાર્મિક આદેશ છે.' અખબારે ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં કોઈ આવી 'ચિંગારી' સળગાવશે તો તેના પરિણામો ખતરનાક હશે. લેખના અંતે લખ્યું હતું કે, 'ઈસ્લામિક રિપબ્લિક ઈઝરાયલને લોહીમાં ડુબાડી દેશે.'
ઈરાનના પૂર્વ સાંસદ ગુલામાલી જાફરઝાદેહ ઈમેનાબાદીએ કાયહાનના વલણની નિંદા કરતા કહ્યું કે, ‘મને વિશ્વાસ નથી થતો કે કાયહાનના સંપાદક શરિયાતમદારી ઈરાની છે. ટ્રમ્પની હત્યાની વાત કહેવાથી ઈરાની લોકો પર દબાણ વધશે. તેના જવાબમાં કાયહાને લખ્યું કે, ‘આજે, ટ્રમ્પ સામે બદલો લેવો એક રાષ્ટ્રીય માગ બની ગઈ છે. ઈમેનાબાદીના નિવેદનો ઈરાની મૂલ્યો સાથે મેળ ખાતા નથી.’
ડોનાલ્ડ ટ્રમ્પ 2020માં ઈરાકમાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યા બાદ સતત ઈરાનના નિશાન પર છે. ગયા વર્ષે, અમેરિકન એજન્સીઓએ ખુલાસો કર્યો હતો કે ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp