ડાકણના નામે થઈ ગયો હત્યાકાંડ!
ડિજિટલ ક્રાંતિના યુગમાં મેલીવિદ્યાનું અસ્તિત્વ હોવાની વાત વિવિધતા ભરી સંસ્કૃતિમાં શક્ય છે. આજે પણ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં, બીમારી, મૃત્યુ અથવા આર્થિક સમસ્યાઓ માટે વ્યક્તિઓ પર જાદુ-ટોણા કે ડાકણ હોવાનો આરોપ લગાવવામાં આવે છે. આ આરોપો ઘણીવાર હિંસા, સામાજિક બહિષ્કાર કે હત્યા તરફ દોરી જાય છે.
અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા કહી શકાય તેવી એક ઘટના બિહારના પૂર્ણિયામાં થઈ છે. અહીં "મેલીવિદ્યા"ની આશંકા હેઠળ પાંચ માણસોને જીવતા સળગાવી દેવામાં આવ્યા. જાહેર જનતાની નજર સમક્ષ આ પાંચ વ્યક્તિઓને માર મારવામાં આવ્યા, બોરીઓમાં બાંધી દેવામાં આવ્યા, આગ લગાવવામાં આવી.
બિહારના પૂર્ણિયા જિલ્લાના ટેટગામા ગામમાં અંધશ્રદ્ધાનો એવો આતંક મચ્યો કે આખો દેશ ધ્રૂજી ઉઠ્યો! ડાકણ અને જાદુ-ટોણાના ખોટા આરોપમાં 250 લોકોના ઉન્માદી ટોળાએ એક જ પરિવારના પાંચ નિર્દોષોની નિર્મમ હત્યા કરી અને તેમના મૃતદેહોને આગની જ્વાળાઓમાં બાળી નાખ્યા. આ હૃદયદ્રાવક ઘટનાએ બિહારની ધરતી પર લોહીના ડાઘ રેલાવી દીધા છે!
જીવતા સળગાવવાની ભયંકર ઘટના
6 જુલાઈની કાળી રાત્રે, મુફસ્સિલ પોલીસ સ્ટેશન હેઠળના ટેટગામા ગામમાં આ ભયાનક કાંડ ઘટ્યો. મૃતકોમાં બાબુ લાલ ઓરાઓન, તેમની પત્ની સીતા દેવી (45), તેમની દાદી, ભાભી અને ભાઈનો સમાવેશ થાય છે. આ ઓરાઓન આદિવાસી પરિવાર પર ગામલોકોએ ડાકણ હોવાનો આરોપ મૂક્યો. ઘટનાનો એકમાત્ર ચશ્મદીદ સાક્ષી, 16 વર્ષનો સોનુ કુમાર, આ ભયંકર દૃશ્ય જોઈને હજુ પણ ગભરાટમાં છે. સોનુએ આંસુઓની વચ્ચે જણાવ્યું, "50-100 લોકોનું ટોળું લાકડીઓ, લોખંડના સળિયા અને દાવ લઈને આવ્યું. તેમણે મારી માતા સીતા દેવીને ડાકણ ગણાવી, અમારા આખા પરિવાર પર હુમલો કર્યો અને પછી બધાને જીવતા સળગાવી દીધા!"
આ નિર્દય હત્યાકાંડ પાછળનું કારણ હતું એક ઝેરી અફવા. ગામના રામદેવ ઓરાઓનના મોટા પુત્રનું પાંચ દિવસ પહેલા અચાનક મૃત્યુ થયું, અને તેમનો નાનો પુત્ર બીમાર પડ્યો. ગામના અશિક્ષિત અને અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોએ આ બધું બાબુ લાલના પરિવારના જાદુ-ટોણા અને ડાકણ હોવાને કારણે થયું ગણાવ્યું. પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે બાબુ લાલનો પરિવાર પરંપરાગત ઝાડ-ફૂંકની પ્રથા સાથે સંકળાયેલો હતો, જેના કારણે આ શંકા ઊભી થઈ અને ગામના લોકો ઉશ્કેરાયા.
આ ઘટના બાદ પોલીસે ત્રણ આરોપીઓ, જેમાં એક સગીરનો સમાવેશ છે,ની ધરપકડ કરી છે. પરંતુ 250 લોકોના ટોળામાંથી માત્ર ત્રણનીધરપકડથી લોકોમાં રોષ ફેલાયો છે. પૂર્ણિયાના એસડીપીઓ પંકજ કુમાર શર્માએ કહ્યું, "આખું ગામ આ ગુનામાં સામેલ હોઈ શકે છે, પરંતુ ધરપકડ માટે પુરાવા જરૂરી છે." વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે, પરંતુ ગામમાં ડરનો માહોલ હોવાથી લોકો સાક્ષી આપવાથી ડરે છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ચાલુ છે, અને પોલીસ તપાસ કરી રહી છે કે આ હત્યા પહેલા થઈ કે પછી જીવતા સળગાવવામાં આવ્યા.
પક્ષ વિપક્ષના રાજકીય આક્ષેપો અને આગ ઝરતી ચર્ચાઓ વચ્ચે ભૂલવું ન જોઈએ કે અંધશ્રદ્ધાનો રાક્ષસ હજી જાગે છે અને આ ઘટના ફક્ત પોલીસ કાર્યવાહીથી નહીં, પરંતુ સમાજની માનસિકતા બદલવાથી જ નાથી શકશે. શું સમાજમાં રાક્ષસનો ખાતમો થશે, કે આવી ઘટનાઓ ફરી બનશે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp