ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના રિપોર્ટ મુજબ, હુમલો કરનારને હાલમાં ડિટેન કરી લેવામાં આવ્યો છે, તેણે કસ્ટડીમાં ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા પણ લગાવ્યા. વોશિંગટન પોલીસે ચીફ પામેલ સ્મીથે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે બંને પીડિત મ્યૂઝિયમમાં થઈ રહેલા કાર્યક્રમમાં હાજરી આપીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ ઘટના થઇ. અમને લાગે છે કે હુમલાને એક જ વ્યક્તિએ અંજામ આપ્યો જે હવે કસ્ટડીમાં છે. શૂટિંગ અગાઉ આ શખ્સ મ્યૂઝિયમ બહાર હિલચાલ કરતો જોવા મળ્યો હતો. મ્યુઝિમમાંથી કેટલાક લોકો જેવા જ બહાર નીકળ્યા. તેણે હેન્ડગન કાઢીને 2 લોકો પર ગોળી ચલાવી દીધી. તે શૂટિંગ બાદ મ્યૂઝિયમની અંદર ગયો, જ્યાં સુરક્ષકર્મીઓએ તેને ડિટેન કરી લીધો.
આ ઘટના પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, યહૂદી વિરોધમાં વોશિંગટન ડીસીમાં થયેલી એ હત્યાઓ હવે થોભી જવી જોઈએ. અમેરિકામાં નફરત અને કટ્ટરપંથને કોઇ જગ્યા નથી. પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદનાઓ. આ પ્રકારની વસ્તુઓ અત્યારે પણ થાય છે. તમારા બધા પર ઈશ્વરની કૃપા રહે.
વોશિંગટનમાં ઇઝરયેલી દૂતાવાસના પ્રવક્તા ટેલ નઇમ કોહેને કહ્યું કે, ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીઓને ખૂબને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી. આ બંને કર્મચારી એક યહૂદી કાર્યક્રમમાં હિસ્સો લઈ રહ્યા હતા. અમને સ્થાનિક અને સંઘીય બંને સ્તર પર પ્રશાસન પર પૂરો ભરોસો છે કે તેઓ હુમલાવરોને પકડશે અને ઈઝરાયેલ પ્રતિનિધિઓએ અને યાહૂદી સમુદાયની રક્ષા કરશે.
આ ગોળીબાર એક યહૂદી સંગ્રહાલયની બહાર થયો હતો જ્યાં અમેરિકન યહૂદી સમિતિ દ્વારા આયોજિત એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. FBIની જોઈન્ટ ટેરરિઝ્મ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે.
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે વોશિંગ્ટન DCમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. અમે આની સક્રિય તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ અમને જાણકારી મળશે, તેમ તેમ વધુ માહિતી શેર કરીશું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે હત્યારાઓને ન્યાયના કઠેડામાં ઊભો કરીશું.
FBIના ડિરેક્ટર કાશ પટેલે જણાવ્યું હતું કે મને અને મારી ટીમને વોશિંગ્ટનમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબારની જાણ કરવામાં આવી હતી. અમે MPD સાથે મળીને કામ કરી રહ્યા છીએ. પીડિતો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે તમને આ બાબતે ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલી રાજદૂત ડેની ડેનને તેને યહૂદીઓ વિરુદ્ધ આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે.