‘અમે ભારતીય, અમારા કર્મચારીઓ પણ ભારતીય છે’, મૂકુલ રોહતગીએ કોર્ટમાં આવું કેમ કહ્યું? જાણો શું છે મામલો
ભારત વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનની મદદ કરનાર તુર્કી પર ભારત સરકાર સતત કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, બ્યીરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ, સેલેબી એવિએશન સર્વિસિસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનું સુરક્ષા ક્લિયરન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું. સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આ નિર્ણય લીધો છે.
જોકે, કંપનીએ બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં સરકારના નિર્ણયને પડકાર્યો હતો. સેલેબી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મૂકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે આ મામલો ખૂબ જ ગંભીર છે કારણ કે આ નિર્ણયને કારણે એરપોર્ટ સાથે થયેલા કોન્ટ્રાક્ટ રદ થઈ રહ્યા છે. રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે સેલેબી છેલ્લા 17 વર્ષથી કોઈપણ ડાઘ વિના કામ કરી રહી છે. સેલેબી એક ભારતીય કંપની છે. ભારતમાં તેના 10,000 કર્મચારીઓ છે. તેમણે દલીલ કરી હતી કે કર્મચારીઓ એ જ રહેશે, પરંતુ દેશની કંપનીને બહાર કરી દેવામાં આવી છે.
મૂકુલ રોહતગીએ દલીલ કરી હતી કે તેમને ન તો કોઈ માહિતી આપવામાં આવી હતી અને ન તો તેમને આરોપો બાબતે જાણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમને જાણવાનો અધિકાર છે કે અમારા પર આરોપ શું છે. રોહતગીએ એવી પણ દલીલ કરી હતી કે જો સમસ્યા તુર્કી મૂળના લોકોને લઈને હતી, તો તેઓ તેમને હટાવી શકતા હતા. જો જણાવ્યું હોત તો ઉકેલ નીકળી શકતો હતો, પરંતુ મને તક આપવામાં આવી નહોતી. આ કેસની સુનાવણી આજે પણ કોર્ટમાં થશે.
સેલેબી એવિએશન ભારતીય એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો મેનેજમેન્ટ અને એરસાઇડ ઓપરેશન્સ સાથે જોડાયેલા કામ કરે છે. આ કંપનીના કર્મચારીઓ એરસાઇડ ઝોનમાં કામ કરે છે, જે એરપોર્ટનો એક ઉચ્ચ-સુરક્ષા વિસ્તાર છે જે વિમાનના સીધા સંપર્કમાં આવે છે. હકીકતમાં, પાકિસ્તાન દ્વારા ભારત સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન તુર્કીના ડ્રોન મોટી સંખ્યામાં ઉપયોગમાં લેવાયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp