છ મહિના સુધી સેવાનું આ કામ અવિરત કરી શકીએ, એટલું દાન દાતાઓ તરફથી આવી રહ્યું છે. : મહેશ સવાણી

છ મહિના સુધી સેવાનું આ કામ અવિરત કરી શકીએ, એટલું દાન દાતાઓ તરફથી આવી રહ્યું છે. : મહેશ સવાણી

05/28/2021 LifeStyle

જીજ્ઞાશા સોલંકી
Guest column
જીજ્ઞાશા સોલંકી
પત્રકાર-લેખિકા

છ મહિના સુધી સેવાનું આ કામ અવિરત કરી શકીએ, એટલું દાન દાતાઓ તરફથી આવી રહ્યું છે. : મહેશ સવાણી

સુરત : ગયા વર્ષે કોરોનાકાળની શરૂઆતમાં શહેરમાં અલગ-અલગ સંસ્થાઓ સેવા કાર્યો કરી દર્દીઓને યથાશક્તિ મદદ કરી રહી હતી. હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને પામી જતા 'સેવા' સંસ્થાના સ્થાપક મહેશ સવાણીએ અન્ય સંસ્થાઓ સાથે મળીને સેવા કાર્ય કરવાનું નક્કી કર્યું. સેવા સંસ્થા હેઠળ અન્ય 52 સંસ્થાઓ શહેરમાં દિવસ-રાત માનવસેવાનું ઉત્તમ કામ કરી રહી છે. મહેશ સવાણી કહે છે કે શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી આ સંસ્થાઓને અલગ-અલગ કામની વહેંચણી કરી દેવામાં આવી છે, જેને લઇને દર્દીઓને સહેલાઈથી તાત્કાલિક સારવાર મળી શકે. જે તે વિસ્તારની સંસ્થાઓને પોતાના વિસ્તારમાં કોવિડ આઈસોલેશન શરૂ કરવાનું કામ સોંપવામાં આવ્યું, જેમાં સંસ્થા દ્વારા ભોજન વ્યવસ્થા તેમજ અન્ય મેડિકલ વ્યવસ્થા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.


સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે ૧૪ સેન્ટર્સ

સંસ્થા દ્વારા ચાલી રહ્યા છે ૧૪ સેન્ટર્સ

'સેવા' સંસ્થા દ્વારા શહેરમાં અત્યાર સુધી કુલ 14 આઈસોલેશન સેન્ટરો ચાલી રહ્યા છે, જેમાં 650 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અને 600થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. જે તે સંસ્થામાં ઓક્સિજનની વ્યવસ્થા કરી, 10-10 ડૉક્ટરોની ટીમ દ્વારા સેવા આપવામાં આવે છે. આગળ વાત કરતાં મહેશભાઈ કહે છે કે દોઢથી બે લાખની વસ્તીવાળા વિસ્તારમાં આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ગરીબોને નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે છે. સેન્ટર પર સવારની ચા અને બે ટાઈમનાં ભોજનની વ્યવસ્થા ઉપરાંત જ્યુસ, મિનરલ વોટર, એનર્જી ડ્રીંક અને રાત્રે હળદર વાળું દૂધ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોસ્પિટલોમાં બેડની અછત ઉભી થતાં દર્દીઓના જીવ જોખમમાં મુકાયા ત્યારે સેવા સંસ્થા હેઠળ  શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વરાછા વિસ્તારમાં સુરતીઓએ પોતાનો મિજાજ બતાવી દાનનો ધોધ વહાવી બે દિવસમાં દર્દીઓ માટે 20 લાખનું દાન કર્યું અને હજારો સ્વયંસેવકો દર્દીઓની સેવા માટે તૈયાર થયા. સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા વરાછામાં માત્ર 6 દિવસમાં 7 આઈસોલેશન સેન્ટર ઉભા કરાયા. નાના વરાછા કોમ્યુનિટી હોલ, મોટા વરાછા કોમ્યુનિટી હોલ, ઉતરાણ ગામ કોમ્યુનિટી હોલ, હીરાબાગ કોમ્યુનિટી હોલ, સિંગણપોર કોમ્યુનિટી હોલ, કાપોદ્રા સાગર સોસાયટી કોમ્યુનિટી હોલ અને યોગીચોક કોમ્યુનિટી હોલ. દરેક સેન્ટરમાં 30 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલી રકમમાંથી ઓક્સિજનની બોટલો ખરીદવામાં આવી રહી છે. મહેશભાઈ કહે છે કે પહેલી લહેર ગયા બાદ અમે પરિસ્થિતિ ગંભીર ન થાય એ માટે અગાઉથી જ તૈયારી કરી હતી. હજુ પણ બીજા છ મહિના સુધી અમે આ સેવાનું કામ અવિરત કરી શકીએ, એટલું દાન દાતાઓ તરફથી આવી રહ્યું છે.

અહીં ડૉક્ટરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. એક સેન્ટર પર પોતાની ડ્યુટી પૂરી કરીને અન્ય સેન્ટરમાં વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે. દરેક આઈસોલેશન સેન્ટરમાં 10થી વધારે ડોક્ટરો વારાફરતી સેવા બજાવે છે. સંક્રમિત થયેલા ડોક્ટરો પણ ફરી સાજા થઇ તુરંત પોતાની ફરજ નિભાવવા માટે હાજર થઈ જાય છે.

દર્દીઓનો ઈલાજ સહેલાઈથી થાય એના માટે દરેક સંસ્થાને જુદા જુદા કાર્ય સોંપી દેવામાં આવ્યા છે, જેમકે મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાને ભોજન વ્યવસ્થાનું કામ સોંપવામાં આવ્યું છે, જે દરરોજ બે હજાર લોકોને ભોજન પહોંચાડે છે.

કેટલીક સંસ્થાઓને ઓક્સિજન પુરું પાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. આમ એક સંસ્થાને એક જ કામ સોંપવાથી ઓછા સમયમાં વધુ કામ થઈ શકે છે.


એમ્બ્યુલન્સમાં આવનાર દર્દી ઘોડે બેસી પાછો ગયો! કહ્યું, “હું સ્વયંસેવક તરીકે પાછો આવીશ!”

એમ્બ્યુલન્સમાં આવનાર દર્દી ઘોડે બેસી પાછો ગયો! કહ્યું, “હું સ્વયંસેવક તરીકે પાછો આવીશ!”

અહીં દર્દીઓ સાથે આવેલ એમના સ્વજનો પણ સ્વયંસેવકો તરીકે સેવા આપે છે. સવાર-સાંજ અન્ય દર્દીઓને દવા આપી ભોજન આપવું વગેરે કામ સંભાળી લે છે. જો કોઈ દર્દીની ક્રિટિકલ કન્ડિશન થાય તો અમે તુરંત હોસ્પિટલમાં દાખલ કરીએ છીએ. મોટેભાગે દર્દીઓ અહીંથી સાજા થઈને જ નીકળ્યા છે. તેઓ સંસ્થાને અનેક રૂપે મદદ કરે છે. ફાર્મસિસ્ટ દવાઓ પૂરી પાડે છે, કોઈક મંડપની વ્યવસ્થા કરે, કોઈક બેડની વ્યવસ્થા કરે, કોઈક શાકભાજી-અનાજની વ્યવસ્થા કરે છે, તો કોઈ દર્દીઓના મનોરંજન માટે એલસીડી ટીવી પણ ઇન્સ્ટોલ કરે છે.

આઈસોલેશન સેન્ટરમાં સ્વયંસેવકોની ટીમ ખડે પગે દર્દીઓની સેવા કરી રહ્યા છે. આ સ્વયંસેવકો  પોતાને કોરોના થવાના ડરને ફગાવીને હિંમત દાખવી રહ્યા છે. જે દર્દીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેમને પોતાના હાથે જમાડે છે અને દવા પીવડાવે છે.

તેમણે આગળ કહ્યું કે આ આઈસોલેશન સેન્ટરમાં તારીખ ૨૭ એપ્રિલનાં રોજ કેતનભાઇ રંગાણીનો રિપોર્ટ પોઝિટિવ આવતા અહીં દાખલ કરવામાં આવ્યા. તમામ ડોક્ટરો અને સ્વયંસેવકોના પ્રયત્નો દ્વારા બે મેના રોજ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા. એમ્બ્યુલન્સમાં દાખલ થનાર આ દર્દી સાજો થયો ત્યારે જાણે યુદ્ધમાં વિજય મેળવ્યો હોય એમ ઘોડા પર બેસીને ઘરે ગયો. જતી વખતે એણે કહ્યું કે હું અહીં ફરીથી આવીશ, પરંતુ દર્દી તરીકે નહીં એક સ્વયંસેવક તરીકે.


ડોક્ટર્સની અવરજવર માટે ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરાઈ છે!

ડોક્ટર્સની અવરજવર માટે ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરાઈ છે!

કોરોનાના કપરા કાળમાં જ્યારે દર્દીને ઈલાજ માટે  ક્યાંય જગ્યા નથી મળતી ત્યારે સૌરાષ્ટ્રથી સુરત સુધી આવવા લોકો મજબૂર બન્યા છે. આથી 'સેવા' સંસ્થા દ્વારા દર્દીઓને યોગ્ય ઈલાજ મળી રહે તે માટે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ અને રાજકોટ જિલ્લામાં પણ આઈસોલેશન શરૂ કરવામાં આવ્યા છે. ડોક્ટરો સરળતાથી આવ-જા કરી શકે તે માટે ચાર્ટર પ્લેનની પણ વ્યવસ્થા કરાઈ છે 30થી 40 કિલોમીટરની રેન્જમાં એક આઈસોલેશન બનાવી રહ્યા છે. ત્રણ દિવસ માટે 18 ડોક્ટરોની ટીમ અને ત્યારબાદ બીજા 18 ડોક્ટરોની ટીમ ત્રણ દિવસ માટે આઈસોલેશનમાં દર્દીઓને ટ્રીટમેન્ટ આપશે એવી વ્યવસ્થા થઈ છે.  કાર મેળો એસોસિએશન દ્વારા કારની વ્યવસ્થા કરવામાં આવે છે જેના લીધે સુરતથી તમામ પ્રકારની સુવિધા પહોંચાડી શકાય છે.

મહેશભાઈને પોતાને દિવાળી પર કોવિડ થયો હતો. મહિના પહેલા પિતાને પણ થયો હતો, જે આજે સ્વસ્થ છે. 15 દિવસ પહેલા કાકાનું આ બીમારીને લીધે દુઃખદ અવસાન થયું. તેઓ કહે છે કે આ મહામારીમાં લોકોને મૃત્યુનો ડર ભયંકર રીતે સતાવી રહ્યો છે. સૌ પ્રથમ તો આ ડરને મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. થોડી પણ તકલીફ હોય તો તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવાથી ડેથ રેશિયો ઘટી જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top