સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ, કેબિનેટે 8મા પગાર પંચને આપી મંજૂરી
8th Pay Commission: કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે અને કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને સરકારે તેમને આ ભેટ આપી છે. ટૂંક સમયમાં આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને 8મા પગાર પંચની રચનાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી અને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.
આ માટે કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોએ કેબિનેટ સચિવને મળીને 8મા પગાર પંચની રચનાની માંગણી કરી હતી અને આ સંગઠનો 8મા પગાર પંચની રચના માટે સરકાર પર સતત દબાણ કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષમાં, કર્મચારી સંગઠનોએ ઘણી વખત કેન્દ્ર સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવા માગ કરી છે. ગત બજેટ બાદ જ્યારે નાણા સચિવ ટી.વી. સોમનાથનને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી પાસે હજુ પણ આ કામ માટે પૂરતો સમય છે.
દેશમાં 1 જાન્યુઆરી, 2016થી 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું. તેનો લાભ લગભગ 1 કરોડ લોકોને મળ્યો. દર 10 વર્ષે પગાર પંચ લાગૂ કરવામાં આવતું હોવાથી, હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 જાન્યુઆરી, 2026થી 8મું પગાર પંચ લાગૂ કરશે. તેનાથી લઘુત્તમ વેતન અને પેન્શનમાં મોટા ફેરફારો થવાની અપેક્ષા છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન 28 ફેબ્રુઆરી 2014 ના રોજ સાતમા પગાર પંચની રચના કરવામાં આવી હતી. સાતમા પગાર પંચે લગભગ દોઢ વર્ષ બાદ નવેમ્બર 2015માં કેન્દ્ર સરકારને તેની ભલામણો સુપરત કરી હતી. ત્યારબાદ, 1 જાન્યુઆરી, 2016થી 7મા પગાર પંચની ભલામણો અમલમાં આવી, જે હજુ પણ અમલમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp