શું ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ મેચ નહીં થાય? પહેલગામ હુમલા બાદ આ નિવેદન આવ્યું સામે
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ફરી એકવાર કડવાશભર્યા થઇ ગયા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સીધી રીતે પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયાના અહેવાલ છે. ભારત સરકારે પાકિસ્તાન અંગે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. દરમિયાન, હવે એવા પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ નહીં રમાય. પહેલગામ હુમલા બાદ BCCI સચિવ રાજીવ શુક્લાએ આ સમગ્ર મામલે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
BCCIના સચિવ રાજીવ શુક્લાએ પહેલગામ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, આ હુમલો નિંદનીય છે અને ભારત પહેલા જેવું જ પોતાનું વલણ ચાલુ રાખશે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ અંગે રાજીવ શુક્લાએ કહ્યું કે સરકાર જે કહેશે BCCI તે કરશે. એક ચેનલ સાથે વાત કરતા શુક્લાએ કહ્યું કે, ભારતીય ટીમ પાકિસ્તાન સાથે પરસ્પર શ્રેણી નથી રમતી કેમ કે આ ભારત સરકારનું વલણ છે. ભવિષ્યમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમાય. આ સાથે રાજીવ શુક્લાએ એમ પણ કહ્યું કે, ભારતે ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવું પડે છે. આ બધું ICC ટૂર્નામેન્ટને કારણે થાય છે.
છેલ્લા ઘણા વર્ષોથી, ભારત અને પાકિસ્તાન માત્ર ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. ગયા વર્ષે જ્યારે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાની અધિકારો આપવામાં આવ્યા હતા, ત્યારે પણ ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નહોતી. ભારતીય ટીમની બધી મેચ UAEમાં રમાઈ હતી અને ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું એટલે ફાઇનલ પણ દુબઈમાં જ યોજાઈ હતી. પાકિસ્તાનની ટીમ પોતાના ઘરઆંગણે રમાયેલા ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. આ બાબતે તેને ખૂબ શરમનો સામનો કરવો પડ્યો.
દરમિયાન, પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે સિંધુ જળ સંધિ પણ સમાપ્ત કરી દીધી છે અને ભારતમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની પણ વાત કરી છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની નાગરિકોને ભારતીય વિઝા આપવામાં નહીં આવે. હાલમાં ભારતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવા કહેવામાં આવ્યું છે. શક્ય છે કે આગામી સમયમાં આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને કેટલાક વધુ મહત્ત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp