ભુઈ માતાએ ખુદ રડીને કહ્યું - મારે ભણવું છે, ધૂણવું નથી, માતાજી નથી બનવું! અંધશ્રદ્ધાનો ખેલ ઉઘાડો પડતો કિસ્સો! જાણો
સુરત શહેરમાંથી અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોની આંખ ઉઘાડતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેલંજા વિસ્તાર નજીક રહેતા બરવાળીયા પરિવારે શ્રદ્ધાળુઓ પાસેથી 'જાનુ આઈ'ના નામે 21,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે તપાસ કરતાં સામે આવ્યુ છે કે, આ પરિવારે માત્ર 3 વર્ષની ઉંમરથી જ પોતાની દીકરીને 'જાનુ આઈ'ના નામે માતાજીનો અવતાર જાહેર કરીને ધૂણતા શીખવી દીધું હતું.
અંધશ્રદ્ધા જાગૃતિ માટે કામ કરતી સંસ્થા 'જાથા' અને ઉત્રાણ પોલીસની સંયુક્ત કાર્યવાહીથી આ છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિતની ટીમે પુરાવા સાથે આ સત્ય બહાર લાવ્યું છે. જ્યારે ભુઈ જાનુએ ખુદ રડીને "મારે ભણવું છે, હવે ધૂણવું નથી, માતાજી નથી બનવું" એમ કહીને પોતાના પર થતા અત્યાચારની વાત કરી, ત્યારે પોલીસ તંત્ર અને જાથા બંને ચોંકી ઉઠ્યા હતા.
સૌથી આઘાતજનક બાબત એ છે કે, આ બાળકીને ધૂણવા અને તલવાર રાસ કરવા માટે માતા-પિતા દ્વારા પરાણે મજબૂર કરાતી હતી. અને જ્યારે પણ તે ના પાડતી, ત્યારે તેના માતા-પિતા દ્વારા તેના પર ઢોર માર મારવામાં આવતો અને તેને ઈજાઓ પણ પહોંચાડવામાં આવતી હતી. અને હદ તો ત્યાં સુધી થઈ કે, શ્રદ્ધાળુઓ સાથે રાત્રિના સમયે વિકૃત હરકતો કરીને તેના ફોટો અને વીડિયો પણ બનાવવામાં આવતા હતા.
આખરે આ પર્દાફાશ બાદ, દીકરીના માતા-પિતા તેમની છેતરપિંડી પકડાઈ જતાં જાથા સમક્ષ પગે પડીને માફી માગતા જોવા મળ્યા હતા. જો કે, આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને બાળકીના નિવેદન અને પુરાવાના આધારે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં બરવાળીયા પરિવાર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કિસ્સાએ ધર્મના નામે ચાલી રહેલા ગોરખધંધા અને બાળકીના શોષણની ગંભીરતાને ઉજાગર કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp