અગરબત્તીના ધુમાડાથી વધી રહ્યું છે કેન્સર-શ્વાસની બીમારીઓનું જોખમ? ડૉક્ટરે જણાવ્યુ કેવી રીતે ખરાબ થાય છે ફેફસા
ભારતમાં મોટાભાગના લોકો પૂજા-પાઠ અથવા તેમના ઘરોમાં સુખદ સુગંધ માટે ધૂપ અને અગરબત્તી સળગાવે છે. ઘણા લોકો માને છે કે તેનાથી ઘરમાં સકારાત્મક માહોલ બને છે અને હવાને શુદ્ધ કરે છે, પરંતુ સત્ય થોડું અલગ છે. શું તમે જાણો છો કે તમારા ઘરમાં દરરોજ સળગાવવામાં આવતી ધૂપ અને અગરબત્તી તમારા સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના સંશોધન મુજબ, તમારા ઘરમાં દરરોજ સળગાવાતી ધૂપ અને અગરબત્તીથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ ધૂપ અને અગરબત્તીનો ધુમાડો ધીમે-ધીમે ફેફસાને બીમાર કરે છે. ધૂપ અને અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ આપણા સ્વાસ્થ્યને વધુ જોખમ પહોંચાડે છે.
Aajtak.inના રિપોર્ટ મુજબ, દિલ્હીની CK બિરલા હોસ્પિટલના પલ્મોનોલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. વિકાસ મિત્તલે જણાવ્યું કે, ‘ધૂપ અગરબત્તી સળગાવવાથી PM 2.5 અને PM 10 જેવા નાના-નાના કણો અને રસાયણો (VOCs) નીકળે છે, જે સિગારેટના ધુમાડા જેટલું જ નુકસાન પહોંચાડી શકે છે. આ કણોમાં નિકોટિન પણ હોઈ શકે છે, જેની સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. જો ઘરમાં યોગ્ય રીતે હવાની અવરજવર ન હોય, તો આ ધુમાડા ફેફસાંમાં જમા થઈ જાય. તે ફેફસામાં જમા થઈને બળતરા, એલર્જી અને શ્વસન સમસ્યાઓ વધારી શકે છે.
તાઇવાન અને હોંગકોંગમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે અગરબત્તી સળગાવવાથી ઘરની અંદર PM 2.5નું સ્તર સુરક્ષિત મર્યાદાથી ઉપર વધી શકે છે, એટલે કે તે હાનિકારક સ્તરે હવામાંફેલાય છે. બંધ રૂમમાં દરરોજ અગરબત્તી સળગાવવાથી હવામાં હાનિકારક કણો વધી જાય છે જેથી ફેફસાં અને સ્વાસ્થ્ય માટે જોખમ વધી શકે છે.
ડૉ. મિત્તલે જણાવ્યું હતું કે, ‘રોજ અગરબત્તી સળગાવવાથી અસ્થમા, એલર્જીક રાઈનાઈટિસ અને ક્રોનિક બ્રોન્કાઇટિસ જેવા શ્વસન સંબંધિત બીમારીઓનું જોખમ વધે છે. 2020ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીના ધુમાડાના દૈનિક સંપર્કમાં આવવાથી સ્કૂલનાં બાળકોમાં ફેફસાંની ક્ષમતા (FEV1 અને FVC) ઘટી જાય છે. આનો અર્થ એ થયો કે બાળકોના ફેફસાં હવાને યોગ્ય રીતે શ્વાસમાં લેવા અને શ્વાસ બહાર કાઢી શકતા નહોતા. 2020ના એશિયન વસ્તી પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી દરરોજ અગરબત્તી સળગાવતા હતા તેમને ફેફસાંના કેન્સરનું જોખમ થોડું વધી ગયું હતું. જેઓ પહેલાથી જ ધૂમ્રપાન કરતા હતા અથવા અન્ય તબીબી પરિસ્થિતિઓથી પીડાતા હતા તેમનામાં આ જોખમ વધારે હતું.
સિગારેટનો ધુમાડો ધૂમ્રપાન કરનાર અને તેની આસપાસના લોકો માટે વધુ જોખમ ઊભું કરે છે. જોકે, ઘરમાં સળગાવાતી અગરબત્તી અને ધૂપના ધુમાડાથી કોને સૌથી વધુ જોખમ છે? ડૉ. વિકાસે સમજાવ્યું કે બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને તેનાથી બચાવવું સૌથી વધુ જરૂરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp