સુરતમાં ગજબની ભેજાબાજી કરી ગયા નકલખોરો.. સરથાણામાંથી નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું.
સુરતમાં લાખો નકલી સોનાના દાગીના વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. અહીં વાત નાના મોટા દાગીનાના કૌભાંડ ની નથી પણ આખે આખા કારખાનાની છે, જ્યાં કારખાનામાં હોલમાર્ક સાથે નકલી દાગીના બનાવી વેચવામાં આવતાં હતાં અને સુરતી જ્વેલાર્સોને પણ લાખો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર
આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100% શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23 % ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. આ અંગે પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા જ્વેલરી સ્ટોરમાં નકલી સોનાની ચેઈન વેચવા ગયા હતા.
જ્વેલર્સને જ 22 કેરેટ અસલી હોવાનો 916 બી.આઇ.એસ. હોલમાર્કનો સ્ટેમ્પ મારી નકલી ચેઇન પધરાવતી ગેંગનો પર્દાફાશ કરાયો હતો. જ્વેલર્સના માલિકને સોનું નકલી જણાતા તેણે પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા.
ડી.સી.પી. આલોકકુમારે જણાવ્યું હતું કે જૂન મહિનાની શરૂઆતમાં સરથાણા વિસ્તારના જ્વેલર્સની નજરમાં આ કૌભાંડ આવ્યું હતું. શિવમંદિર જ્વેલર્સમાં ચેઇન ખરીદવા આવેલા બે શખ્સોએ નકલી ચેઇન પધરાવી 1.05 લાખની અસલી ચેઇન લઇ જવાની કોશિશ કરતાં એક દબોચી લેવાયો હતો. વિમલ મુકેશ લાંગળિયા (રહે. શિવ હોટેલની અગાસી પર, વરાછા)ની કબૂલાતમાં નકલી ચેઇન બી.આઇ.એસ.ના અસલી હોલમાર્ક મારી વેચવાનું રાજ્યવ્યાપી નેટવર્ક બહાર આવ્યું હતું. આ ટોળકી હાર્દિક કમાણીની શિવમંદિર જ્વેલર્સમાંથી એપ્રિલ મહિનામાં 15 અને 25મીએ 10.400 ગ્રામ અને 10.280 ગ્રામ વજનની બે નકલી ચેઇન પધરાવી અસલી ખરીદી ગયા હતા. તે સિવાય મોગલ જ્વેલ્સના ચેતન ધામેલીયાને ત્યાંથી 13.850 ગ્રામની અને ભરત રાદડિયાની ગોપી જ્વેલ્સમાંથી 12.800 ગ્રામ અને 13.900 ગ્રામની બે ચેઇન નકલી પધરાવાઇ હોઇ જ્વેલર્સ એસોસિયેશન સતર્ક બન્યું હતું.
મામલાની ગંભીરતા જોતાં આલોક કુમારે પોતાની આગેવાનીમાં સરથાણા, વરાછા અને કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર તથા ચુનંદા કર્મચારીઓને સાથે રાખી એક ટીમ બનાવી હતી અને ધરપકડનો દોર લંબાવ્યો હતો. પચ્ચીસ દિવસથી ચાલી રહેલા આ ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે બીજા 11 આરોપીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી ત્રણ નકલી ચેઇન ઉપરાંત ચેઇન બનાવવાના બે મશીન અને હોલમાર્કનો સ્ટેમ્પ મારી આપતાં બે મશીન પણ કબજે કરાયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp