કુખ્યાત ગેંગસ્ટર ઠાર, કોણ હતો સરોજ રાય; જેણે AK-56થી ભય ફેલાવી દીધો હતો?
હરિયાણાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બિહારના કુખ્યાત ગેંગસ્ટર સરોજ રાયનું હરિયાણામાં એન્કાઉન્ટર થયું છે. બિહાર STF અને હરિયાણા પોલીસે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. બિહારના સીતામઢીમાં સરોજ પર 2 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
સૂત્રોનું માનીએ તો બિહાર STF લાંબા સમયથી સરોજ રાયને શોધી રહી હતી. સરોજ રાય હરિયાણામાં હોવાના સમાચાર મળતા જ STFએ હરિયાણા પોલીસની મદદ માગી હતી. હરિયાણા પોલીસ અને બિહાર STFએ સંયુક્ત ઓપરેશન ચલાવતા માનસેરમાં સરોજ રાયનું એન્કાઉન્ટર કરી દીધું. એન્કાઉન્ટર અગાઉ પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક STF જવાન પણ ઇજાગ્રસ્ત થયો છે.
કુખ્યાત ગેંગસ્ટર સરોજ રાય બિહારના સીતામઢીના મહિન્દવાડાના બતરૌલી ગામનો હતો. સરોજ પર ધારાસભ્ય સહિત ઘણા લોકો પાસેથી પૈસા પડાવવાનો આરોપ હતો. સરોજ વિરુદ્ધ સીતામઢીના ઘણા પોલીસ સ્ટેશનોમાં 30થી વધુ ગંભીર કેસ નોંધાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાન્યુઆરી 2019માં, સરોજના એક સાગરિત પાસેથી એક AK-56 મળી આવી હતી, ત્યારબાદ સરોજ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
જો અહેવાલો મુજબ, સરોજ રાયે તેના સાગરિતો સાથે મળીને સીતામઢીમાં એક રોડ કન્સ્ટ્રક્શન કંપનીના ક્લાર્કની હત્યા કરી હતી. સરોજની ટોળકીએ આજ AK-56 વડે મુનશી વિનોદ રાય પર ગોળીઓ ચલાવી હતી અને મુનશીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. એટલું જ નહીં 2014માં સરોજે સીતામઢીના મોટા બિઝનેસમેન યતીન્દ્ર ખેતાનની પણ હત્યા કરી હતી. ત્યારથી સરોજ લાઇમલાઇટમાં આવ્યો હતો. સરોજે ખંડણીના પૈસા ન ચૂકવનારા 6 લોકોની પણ હત્યા કરી હતી. બિહાર પોલીસ છેલ્લા 10 વર્ષથી સરોજને શોધી રહી હતી.
ધારાસભ્ય પાસેથી ખંડણીની માગણી બાદ સરોજ રાયનું નામ બિહાર પોલીસની હિટ લિસ્ટમાં સામેલ થયું હતું. એવામાં બિહાર પોલીસે સરોજ પર 50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યું હતું, ત્યારબાદમાં વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. પોલીસે સરોજને પકડવા માટે તેના ઘર પર ઘણી વખત દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે પોલીસને સફળતા મળી અને એન્કાઉન્ટર દરમિયાન પોલીસે સરોજને ઠાર કરી દીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp