બાંગ્લાદેશ શ્રેણી અગાઉ ભારતીય ટીમને લાગ્યો ઝટકો, દુલિપ ટ્રોફીના પહેલા ચરણમાંથી સૂર્યકુમાર યાદવ બહાર, જાણો કારણ
ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફી 2024-2025ના પહેલા ચરણમાંથી બહાર થઇ ગયો છે. ગયા અઠવાડિયે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મુંબઇ તરફથી રમતી વખતે તેને હાથમાં ઇજા થઇ હતી. હાલમાં, તેને આરામની સલાહ આપવામાં આવી છે અને તે ફિટનેસ પ્રક્રિયામાંથી પસાર થવા માટે હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. ગયા અઠવાડિયે સૂર્યકુમાર TNCA XI માટે બીજી ઇનિંગમાં બેટિંગ કરી શક્યો નહોતો. તેને મેચના ત્રીજા દિવસે હાથમાં ઇજા થઇ હતી અને ત્યારબાદ તે ફિલ્ડિંગ કરવા મેદાનમાં પણ આવ્યો નહોતો. તે સમયે મુંબઇ ટીમના મેનેજમેન્ટે સ્વીકાર્યું હતું કે સૂર્યાને ગંભીર ઇજા થતી બચાવવા માટે તેને ફિલ્ડ અને બેટિંગ માટે મોકલવામાં આવ્યો નહોતો.
સૂર્યકુમાર યાદવે હાલમાં જ ટેસ્ટ ટીમમાં વાપસીની આશા વ્યક્ત કરી હતી. તેણે છેલ્લા એક વર્ષમાં કોઇ ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી અને ટેસ્ટ ટીમમાં વાપસીના ઇરાદાથી જ તેણે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. સૂર્યકુમારની ઇજા એવા સમયે થઇ છે જ્યારે ભારતીય ટીમે આગામી 5 મહિનાની અંદર 10 ટેસ્ટ મેચ રમવાની છે. આ તમામ મેચ મહત્ત્વની રહેશે કારણ કે, તેમાં જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા સુરક્ષિત કરી શકે છે. સૂર્યા સિવાય મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકના રૂપમાં 2 ફાસ્ટ બોલર પણ બીમારીના કારણે દુલીપ ટ્રોફીમાંથી બહાર થઇ ગયા છે. રવિન્દ્ર જાડેજા પણ આ આગામી ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં હોય, જેના પર BCCIએ કોઇ સ્પષ્ટતા કરી નથી. સિરાજ અને મલિકની જગ્યાએ નવદીપ સૈની અને ગૌરવ યાદવ રમતા જોવા મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp