Delhi Liquor Policy Scam Case: દિલ્હી વિધાનસભાની ચૂંટણી વચ્ચે કેજરીવાલનું ટેન્શન વધ્યું! EDને મળી ગઇ મંજૂરી, જેનો તેને ઇંતેજાર હતો
Home Ministry approves ED to prosecute AAP leaders Arvind Kejriwal: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલ હેટ્રિક જીત પર નજર રાખી રહ્યા છે. હાલમાં તેઓ પોતે ચૂંટણી સભાઓ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, એવા સમાચાર આવ્યા છે, જે તેમનું ટેન્શન વધારશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ દારૂ કૌભાંડનો મુદ્દો ફરી એકવાર બહાર આવ્યો છે. ગૃહ મંત્રાલયે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગના કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માટે ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મંજૂરી આપી દીધી છે. અરવિંદ કેજરીવાલ વિશે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવાની આ પરવાનગી ગૃહ મંત્રાલય દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) હેઠળ EDને આપવામાં આવી છે. દિલ્હીની એક ખાસ PMLA કોર્ટે અરવિંદ કેજરીવાલ સામે આરોપો નક્કી કરવા રોક લગાવી દીધી હતી. વાસ્તવમાં અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે PMLA હેઠળ કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી વિના ચાર્જશીટ પર ધ્યાન આપ્યું હતું.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, CBIએ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ગયા વર્ષે ઑગસ્ટમાં CBIને આ કેસમાં જરૂરી મંજૂરી મળી ગઇ હતી. જોકે, ED ને હજુ સુધી મંજૂરી મળી નહોતી. પરંતુ હવે ગૃહ મંત્રાલયે પોતે કાર્યવાહી કરવાની પરવાનગી આપી દીધી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) પર 'સાઉથ ગ્રુપ' પાસેથી લાંચ લેવાનો આરોપ છે. આ જૂથ રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતું હતું. એવો આરોપ છે કે આ જૂથને દિલ્હીની AAP સરકાર દ્વારા 2021-22 માટે ઘડવામાં આવેલી આબકારી નીતિનો ફાયદો થયો હતો.
સુપ્રીમ કોર્ટે નવેમ્બરના પોતાના આદેશમાં કહ્યું હતું કે PMLA હેઠળ કાર્યવાહી કરવા માટે EDને ખાસ મંજૂરીની જરૂર છે. અરવિંદ કેજરીવાલે 6 નવેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશના સંદર્ભે હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે CBIને આપવામાં આવેલી મંજૂરી, ED માટે તેમની સામે કેસ ચલાવવા માટે લીલી ઝંડી હોઇ શકે નહીં. એજન્સીએ PMLA હેઠળ કાર્યવાહી કરવા માટે અલગથી પરવાનગી લેવી પડશે. ત્યારબાદ જ EDએ ગૃહ મંત્રાલયની પરવાનગી માગી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના નવેમ્બરના આદેશમાં કહ્યું હતું કે ED ને PMLA હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે સક્ષમ અધિકારી પાસેથી વિશેષ મંજૂરીની જરૂર છે. ત્યારબાદ, PMLA હેઠળ આરોપી અન્ય લોકોએ પાણ તેમની સામે ચાર્જશીટ રદ કરવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં EDને CRPCની કલમ 197 (1) હેઠળ સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી લેવા કહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે સમીક્ષા અરજી દાખલ કરવાની પણ તૈયારી કરી રહી છે, ત્યારબાદ આરોપીઓ દ્વારા ચાર્જશીટ રદ કરવા માટે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp