અરર! મહાનગરપાલિકાનો આવો કેવો વહીવટ? રાજકોટમાં માત્ર દોઢ ઈંચ વરસાદ પડ્યો છતાં ઘરોમાં પાણી
આપણી મહાનગર પાલિકાઓ ટેક્સ ઉઘરાવવામાં તો પાછળ નથી પડતી, પરંતુ એની સામે પ્રજાને જે સગવડ અને સુખાકારી મળવી જોઈએ એ પ્રત્યે ગુનાહિત બેદરકારી દાખવે છે. પ્રિમોન્સૂન કામગીરી સમયસર કરી દેવામાં આવે તો ભારે વરસાદ સમયે પ્રજાને વેઠવી પડતી હાલાકી અને કરોડોના નુકસાનથી બચી શકાય. સાથે જ દર વર્ષે માવઠાની શક્યતાને ધ્યાને લેતા એનું ય પ્લાનિંગ કરવું આવશ્યક છે. વરસાદ હોય કે માવઠું - કમનસીબે આપણી મહાનગરપાલિકાઓ અનેક વાર નિષ્ફળ જતી જોવા મળે છે. હાલમાં રાજકોટમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાના સમાચાર છે.
રાજકોટમાં ગુરુવારે દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. શહેરમાં દોઢ ઇંચ વરસાદથી ગવલીવાડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ગવલીવાડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. ચોમાસાની ઋતુમાં ઘણીવાર એક જ દિવસમાં આટલો વરસાદ ખાબકતો હોય છે. આટલા પાણીના નિકાલની વ્યવસ્થા તો હોવી જ જોઈએ, એવી લોકોની સ્વાભાવિક અપેક્ષા છે.
આ સાથે જ રાજ્યમાં હજી વધુ માવઠાની આગાહી પણ છે. સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટ્ટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. શું રાજકોટ જેવી અવ્યવસ્થા બીજા શહેરો-જીલ્લાઓમાં પણ જોવા મળશે કે કેમ, એ વિષે લોકોના મનમાં આશંકાઓ જાગી રહી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ગવલીવાડની બાજુમાં આવેલા પાણીના વોકળાનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન શોપિંગ કોમ્પલેક્ષ અને ઝાડ સહિતનો કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના 40 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અહીં આસપાસના વિસ્તારમાં 4000 જેટલા લોકો વસવાટ કરે છે અને તેઓ દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરે છે. સ્થાનિકોએ પ્રશાસનની બેદરકારીના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. એ માટે સ્થાનિકોએ નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ પણ કરી છે.
રાજકોટના સદર બજાર વિસ્તારમાં પણ વોકળાના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. સર્વેશ્વર ચોકમાં વોકળાનું બાંધકામ ચાલુ હોવાથી પાણી સદર બજાર તરફ વળી ગયું હતું. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. બાદમાં સ્થાનિકો અને મનપાએ પાણીનો નિકાલ કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp