શું ગુજરાત બની રહ્યું છે ક્રાઈમ હબ? છેલ્લા ૨૪ દિવસમાં આટલી હત્યા થઇ
છેલ્લાં ઘણા દિવસોથી રાજ્યમાં હત્યાઓ થઈ રહી છે જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. જાણે કે તેમને પોલીસનો ભય જ રહ્યો નથી. આ બધી ઘટનાઓને જોઇને મનમાં એ સવાલ થવો સ્વભાવિક છે કે, શું ગુજરાત ક્રાઇમ હબ બની રહ્યું છે? ગુજરાતમાં અસામાજિક તત્વોને જાણે કે મોકળુ મેદાન મળી ગયું છે.
થોડા દિવસો અગાઉ જ અમદાવાદમાં બૂટલેગરોએ એક યુવકની હત્યા કરી દીધી હતી. વલસાડમાં કૉલેજીયન યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી. એવી જ રીતે ગુજરાતમાં છેલ્લા 24 દિવસોમાં 18 જેટલી હત્યાઓ કરવામાં આવી છે. એ જોઈને તો લાગે છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા ભાંગી પડી છે.
છેલ્લા 24 દિવસમાં સુરત, વલસાડ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મહેસાણા, અમરેલી, બોટાદ અને પાટણમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં દિવાળીથી લઈને અત્યાર સુધીના 20 દિવસમાં લગભગ 9 હત્યાઓ થઇ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા બોપલમાં પણ સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે MICAના વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી. તો એક જમીન દલાલે NRIને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસ કમિશનર જી.એસ. મલિકે દાવો કર્યો હતો કે દિવાળી બાદ અચાનક હત્યાના ગુનાઓમાં વધારો થયો છે. પરંતુ, ગયા વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ગુનાઓમાં ઘટાડો થયો છે.
કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં હત્યા, ધાડ, ખંડણી સહિતના ગંભીર ગુનાઓ માટે ભાજપ સરકારની ઢીલી નિતિ જવાબદાર છે સરકાર-પોલીસના પાપે ગુજરાતની 6 કરોડ જનતા ભોગ બની રહી છે. ધોળા દિવસે હત્યાને અંજામ આપનારાઓ ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલી રહ્યા છે. સરકાર માત્ર ને માત્ર જાહેરાતોમાં જ સુરક્ષિત છે. બાકી ગુજરાતની પ્રજાનો અસુરક્ષિત અનુભવી રહી છે. છેલ્લાં 24 દિવસમાં ગુજરાતમાં 18 હત્યા પોલીસ ચોપડે નોંધાઈ છે. જ્યારે માત્ર 10 મહિના જેટલા ટૂંકા ગાળામાં અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં 78 લોકોની હત્યા થઇ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp