સુરત: સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી એક પછી એક અદભૂત ઘટનાઓ બની રહી છે. જેમાં સરવાળે ભાજપની જ પ્રતિષ્ઠાને નુકસાન થઇ રહ્યું છે. આ એ શહેર છે, જે ખજુરાહો કાંડથી માંડીને પાટીદાર આંદોલન સુધીના દરેક કપરા તબક્કે ભાજપ સાથે અડીખમ ઉભું રહ્યું છે. એની પાછળ ભાજપના પૂર્વસૂરિ ગણાય એવા દિગ્ગજ નેતાઓએ સિંચેલા લોહી-પરસેવાનો મોટો ફાળો છે. પણ આજે ભાજપના જ કેટલાક નેતાઓને કારણે પાર્ટીએ રોજ ઉઠીને કર્મો ઉપર લીંપણ કરવું પડે, એવો વારો આવ્યો છે. તાજી ઘટના સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ ફોડેલા લેટરબોમ્બની છે.
સુરત પૂર્વ બેઠક ઉપરથી લગાતાર બીજી વખત ચૂંટાઈ આવેલા પીઢ નેતા અરવિંદ રાણાએ મેયર શ્રી દક્ષેશ માવાણીને અચાનક પત્ર લખી નાખ્યો છે. પત્રમાં કુલ છ મુદ્દા વિષે વાત કરી છે, જેમાં મુખ્ય સૂર એટલો જ છે કે સેન્ટ્રલ ઝોનમાં બિસ્માર રસ્તાઓને કારણે લોકોને હાલાકી પડી રહી છે. માટે 9.0 મીટર કે એથી પહોળા દરેક જાહેર માર્ગ પર ડામરને બદલે સીસી રોડ બનાવવામાં આવે. આ માટે વર્ષ 2025-26ના બજેટમાં 25 કરોડ રૂપિયા ફાળવવાની માંગ પણ ધારાસભ્યશ્રીએ કરી છે.
હવે પ્રશ્ન એ છે કે જ્યારે ધારાસભ્યશ્રી પણ ભાજપના છે અને મેયરશ્રી પણ ભાજપના જ છે – કોર્પોરેશનમાં પણ સુવાંગપણે ભાજપની જ સત્તા છે, તો પછી આમ પત્ર લખવાની ફરજ કેમ પડી? સંકલન સમિતિની બેઠકમાં ય આ બાબતે ચર્ચા જ કરી જ શકાય. એટલું જ નહિ પણ આ લેટર લખાયા વિષે મીડિયામાં આટલી ‘ઉત્સુકતા’ કોણે જગાવી?
આ પ્રશ્નોના જવાબ કદાચ ધારાસભ્યશ્રીના પત્રમાં આલેખાયેલ મુદ્દા નંબર 4 ઉપરથી મળી શકે એમ છે.
ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણાએ લખેલા પત્રમાં ચાર નંબરનો મુદ્દો બહુ સૂચક છે. આમાં લખાયું છે કે “સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધાનો અભાવ, ખાડાવાળા રસ્તાને કારણે ઘણા પરિવારો ઝોન છોડીને અન્ય ઝોનમાં હિજરત થવાથી કોટ વિસ્તાર ખાલી થવા માંડેલ છે.”
હવે આ મુદ્દો પહેલી નજરે તાર્કિક લાગશે, પણ એમાં આખું સત્ય રજુ નથી થયું, બલકે અર્ધસત્ય રજુ કરાયું હોવાનું લાગે છે. કોટ વિસ્તારમાં વસતા રાણા અને ખત્રી સમાજના લોકો બાપદાદાના ઘરો છોડીને અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યા હોવાની વાત સાચી છે. પણ એનાથી વિસ્તાર ખાલી નથી પડ્યો, બલકે અન્યધર્મી લોકો ખત્રી અને રાણા સમાજની મિલકતો વસાવી રહ્યા છે.
અશાંતધારો હોવા છતાં મિલકતો વિધર્મીઓને કઈ રીતે વેચાઈ ગઈ?
સેન્ટ્રલ ઝોનના ઇન્દરપુરામાં રાણાવાડ અને ખત્રીવાડ જેવા વિસ્તારોમાં એક સમયે સંપૂર્ણ વસ્તી રાણા સમાજની હતી. પણ આજે આ વિસ્તારમાં કોઈ હિન્દુનું મકાન શોધવું હોય, તો ય ફાંફા પડી જાય! સેન્ટ્રલ ઝોન અને પૂર્વ વિધાનસભા બેઠકની આખી ડેમોગ્રાફી બદલાઈ ચૂકી છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં ‘અશાંતધારો’ લાગુ પડે છે. અશાંતધારો હોવા છતાં જો એવી પરિસ્થિતિ હોય, કે કોટ વિસ્તારની મૂળ નિવાસી હિન્દુ પ્રજા બહુમતીમાંથી લઘુમતી આવી જાય, (અને એ પણ ત્યારે, કે જ્યારે દાયકાઓથી આ વિસ્તાર ભાજપનો ગઢ ગણાતો હોય, બધે ભાજપની સરકાર હોય) તો આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડે ઊંડું મનોમંથન કરવું જોઈએ.
સાચું પૂછો તો આમાં ‘મનોમંથન’ કરવાની ય જરૂર નથી, બસ ‘સાચી દિશામાં તપાસ’ કરીને દોષીઓને ઓળખી લેવાની જરૂર છે. અશાંતધારો લાગુ હોવા છતાં હિન્દુઓની મિલકતના સોદા કોની રહેમનજર હેઠળ થયા? ધારાસભ્યશ્રી અત્યારે કાગળ લખીને આ અશાંતધારાવાળું કોકડું બીજા પદાધિકારીઓને શિરે ઢોળવાની કોશિશ કરી રહ્યા છે? શું તેઓ એવું કહેવા માંગે છે કે “વસ્તીની બદલાયેલી પેટર્નને કારણે આવનારી કોર્પોરેશન કે ધારાસભા ચૂંટણીમાં ભાજપ હારે, તો એના માટે હું (અરવિંદ રાણા) જવાબદાર નહિ હોઉં!” તેઓ જો આ પ્રકારે ‘આગોતરા બચાવ’નું આયોજન કરતા હોય, તો એમાં એમને બહુ સફળતા મળે એમ લાગતું નથી.
બીજી તરફ કોંગ્રેસના નેતાએ અસલમ સાયકલવાળાએ તો આ પત્ર-પ્રકરણ બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો પબ્લિશ કરીને કહી જ દીધું કે લોકમાનસમાં અરવિંદ રાણાની છબી જ ‘બિનકાર્યક્ષમ’ નેતા તરીકેની છે. અસલમભાઈની વાતમાં દમ હોય એમ લાગે છે. કારણકે અરવિંદ રાણા માટે ધારાસભ્ય તરીકેની આ સતત બીજી ટર્મ છે. એ પહેલા તેઓ પોતે કોર્પોરેટર રહી ચૂક્યા છે. એટલું જ નહિ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. એટલે કોર્પોરેશન બાબતે એમની પાસે એટલો અનુભવ અને સિનીયોરીટી તો છે જ, કે મીટિંગમાં સીધી રજૂઆત કરી શકે. આમ મેયરને કાગળ લખવાની નોબત ન આવે. તેમ છતાં આ કાગળ લખાયો, અને મીડિયામાં એની ચર્ચા થવાને કારણે પક્ષ ડિફેન્સીવ મોડમાં આવી પડ્યો, એ હકીકત છે.
કારણ ગમે તે હોય, પણ આ પ્રકરણ ઉપરથી દેખાય છે એટલું સરળ નથી. ક્યાંકને ક્યાંક અશાંતધારામાં પાડવામાં આવેલા છીંડાને કારણે હિન્દુઓની હિજરત ઝડપી બની હોવાની વાત સાથે છેડો અડતો હોય એમ લાગે છે.