એર ઈન્ડિયાના CEOએ જણાવ્યું- કંપની પીડિતો માટે શું કરી રહી છે, ક્યારે ફાઇનલ રિપોર્ટ આવશે
12 જૂનનો દિવસ ગુજરાત ક્યારેય નહીં ભૂલે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાણ ભર્યા બાદ થોડી જ સેકન્ડોમાં ક્રેશ થઈ ગઈ હતી. જેમાં ફ્લાઇટમાં સવાર 241 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે જમીન પર રહેલા લોકોના પણ આ દુર્ઘટનામાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ટેકઓફના તુરંત બાદ એક સેકન્ડમાં બંને એન્જિનોનો ફ્યૂલ સપ્લાઈ બંધ થઈ ગયો હતો, જેનાથી કોકપિટમાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી. કોકપિટ વૉઇસ રેકોર્ડિંગમાં એક પાઈલટ બીજા પાઈલટને કહી રહ્યો છે કે, તમે ઇંધણ કેમ બંધ કર્યું? જેના પર બીજા પાયલોટે તેને જવાબ આપ્યું છે કે, મેં નથી કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ 7 ઓક્ટોબરે સ્પષ્ટ કહ્યું હતું કે, દુર્ઘટનાની તપાસમાં કોઈ ગડબડ કે દબાણ નથી અને તપાસ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે ચાલી રહી છે.
આ ઘટનાના 5 મહિના બાદ એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને બુધવારે મોટું નિવેદન આપ્યું છે. વિલ્સને વિમાન દુર્ઘટનાને વિનાશક અને દુઃખદ ગણાવતા કહ્યું કે, એરલાઈન કંપની પીડિત પરિવારો અને દુર્ઘટના સાથે જોડાયેલા તમામ લોકોને શક્ય તમામ મદદ કરી રહી છે.
દિલ્હીમાં આયોજિત ‘એવિએશન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા 2025’ સંમેલનમાં વિલ્સને કહ્યું હતું કે, ‘ક્રેશ ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે, વિમાન, એન્જિન કે સંચાલન પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. અમે અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. જો તે રિપોર્ટમાંથી કંઈક શીખવાનું મળશે તો અમે ચોક્કસપણે સુધારો કરીશું. એર ઈન્ડિયા કંપની પીડિત પરિવારોને તમામ પ્રકારની મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ વચગાળાનું વળતર આપવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે. હવે અંતિમ વળતર પર કામ ચાલી રહ્યું છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp