ગુજરાતમાં ‘વિકાસ આંટા લઇ ગયો’ ભાઈ! લીંબડી-અમદાવાદ હાઈવે પરના બ્રિજમાં 10 ફીટનું મસમોટ્ટું ગાબડું!
Limbadi-Ahmedabad Over Bridge: સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસતાં જ વિકાસની પોલ ઉઘાડી પડી ગઈ છે. સરકાર રાજ્યમાં વિકાસની મોટી-મોટી વાતો કરી રહી છે ત્યારે રસ્તા અને પુલોની નબળી કામગીરીએ વિકાસની હવા કાઢી નાખી છે. ઠેર-ઠેર નવા રોડ અને બ્રિજ પર ગાબડાં પડતાં ભ્રષ્ટાચારની પોલ છતિ થઈ છે. બે દિવસ અગાઉ કરોડોના ખર્ચે બનાવેલા ઓખા-બેટ દ્વારકાને જોડતાં સુદર્શન બ્રિજમાં ગાબડાં પડ્યાં હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બ્રિજના બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા હતાં.
હવે લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર સુરેન્દ્રનગરના લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર 10 ફૂટનું મસમોટું ગાબડું પડતાં બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ઓવરબ્રિજના બાંધકામમાં નબળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જેમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલિભગત હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે. ઓવર બ્રિજ પર પડેલા ગાબડાં કારણે હાલ પુરતો એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. અને બેરિકેડ મૂકીને રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અહીં પ્રશ્ન એ છે કે હાઇવેનું બાંધકામ ભારે વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે સામાન્ય રસ્તા કરતા આ માર્ગોનું બાંધકામ વધુ ચીવટાઈથી અને વધુ મજબૂતી પૂર્વક થવું જોઈએ. એના બદલે શહેરના રસ્તાઓ પાર પણ ભાગ્યે જ જોવા મળે એવો સળંગ 10 ફીટનો ખાડો હાઇવે ઓવર બ્રિજ પર પડી જાય, તો એ બાબતને તંત્રનો ભ્રષ્ટાચાર જ ગણવો જોઈએ. વિકાસને નામે પ્રજા પોતાની લોહી-પરસેવાની કમાણી ભ્રષ્ટાચારમાં તો નથી હોમી રહીને, એ પ્રશ્ન હવે ચર્ચાવા માંડ્યો છે!
થોડા સમય અગાઉ અંદાજે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડભોઇ નજીક ઓવરબ્રિજ પર ગાબડું પડતાં વિવાદ સજાર્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામાં આવતાં 7 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઠેર-ઠેર બ્રિજ પર પડી રહેલા ગાબડાં જોતાં એવું લાગે છે વિકાસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો થઇ રહ્યો છે. જો આ પ્રકારે રાજ્યમાં બ્રિજ પર ગાબડાં પડશે તો ચોક્ક્સ ગુજરાતમાં પણ બિહારવાળી જોવા મળે તો નવાઇ નહી.
દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદના લીધે ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં અનેક સ્થળે ગાબડાં પડયા હતાં. બ્રિજના જોઈન્ટ છુટા પડી ગયા હતા તેમજ બ્રિજના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. બ્રિજની રેલિંગને પણ કાટ લાગી ગયો હોવાથી બાંધકામમાં પોલંપોલ ચાલતી રહી હોવાનું ખુલ્લું પડી ગયું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp