હજુ નથી ઉતર્યો હેંગઓવર? અજમાવી જુઓ આ 7 નુસ્ખાઓ

હજુ નથી ઉતર્યો હેંગઓવર? અજમાવી જુઓ આ 7 નુસ્ખાઓ

01/01/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

હજુ નથી ઉતર્યો હેંગઓવર? અજમાવી જુઓ આ 7 નુસ્ખાઓ

નવું વર્ષ અને તેમાં પણ ન્યુ યર જો વિક-એન્ડમાં આવે તો મજા બમણી થઇ જાય છે. નવા વર્ષની ઉજવણીમાં વાઈન, વ્હિસ્કી, બિયર વગેરે પીણાં સામેલ કરવામાં આવે છે. આ પીણાં માપસર પીવામાં આવે તો કોઈ વાંધો આવતો નથી પરંતુ ક્યારેક લોકો ઉજવણીના ઉત્સાહમાં અતિરેક કરી નાંખે છે. આવામાં એક બહુ સામાન્ય શબ્દ સાંભળવા મળે છે: હેંગઓવર. ક્ષમતાથી વધુ પી લીધા બાદ બીજા દિવસે સવારે તેનું પરિણામ ભોગવવું પડે છે, તેને જ હેંગઓવર કહેવાય છે.

હેંગઓવરમાં માથું અને પેટ બહુ ખરાબ રીતે દુઃખે છે. જે માણસ સામાન્ય રીતે પથારીમાંથી ફટાફટ ઉઠી જતો હોય તેને પણ ઉઠવામાં તકલીફ પડે છે. આ સિવાય આંખોમાં સોજો આવવો, થાક લાગવો, ચક્કર આવવા અને સ્ટ્રેસ, ગભરાટ જેવી સમસ્યાઓ જોવા મળે છે.

આ હેંગઓવર શા માટે થાય છે તે અંગે આ વિષયના નિષ્ણાતો પાસે પણ વધુ જાણકારી નથી. પરંતુ કહેવામાં આવે છે કે આલ્કોહોલ શરીરમાં બાયોલોજિકલ રિધમ બગાડી નાંખે છે. ઉપરાંત, પીણું જેટલું મીઠું હોય એટલી જ તેમાં અશુદ્ધિની માત્ર વધુ હોય છે. માલ્ટ લિકર અને રેડ વાઈન વગેરેમાં અશુદ્ધિનું પ્રમાણ બહુ વધારે હોય છે.

હેંગઓવર બાદ થતો માથાનો દુઃખાવો ડીહાઈડ્રેશનના કારણે જોવા મળે છે. મૂત્રમાં વધુ પાણી નીકળવાના કારણે શુગર લેવલમાં પણ ઘટાડો જોવા મળે છે. આમ તો શરાબ પીવાનું બંધ કર્યા બાદ શરીર ફરી મૂળ સ્થિતિમાં આવવા માંડે છે પરંતુ ત્યાં સુધી થતી સમસ્યાઓ નિવારવા માટે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ પણ ઉપલબ્ધ છે.

૧) ખૂબ પાણી પીવું

આમ તો બિલકુલ સ્વસ્થ હોઈએ ત્યારે પણ વધારેમાં વધારે પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ આલ્કોહોલનું સેવન કર્યું હોય તો ભરપૂર પાણી પીવું જોઈએ. પાણી પીવાથી હાઈડ્રેટ રહીએ છીએ તેમજ મૂત્ર સાથે શરીરની ગંદકી પણ બહાર નીકળી જાય છે. આ સિવાય નારિયેળ પાણી પણ પી શકાય છે.

૨) લીંબુ પાણી પીવું

નશો ઉતારવા માટે આ પદ્ધતિ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. રાત્રે ઊંઘવા પહેલા પાણીમાં લીંબુ, ખાંડ અને મીઠું નાંખી પી લેવું અથવા સવારે ઉઠીને પણ પીવું જોઈએ. આ દરમિયાન પાણીની માત્રા વધારે હોય તેનું ધ્યાન રાખવું.

૩) સવારે ઉઠીને પેટ ભરીને નાસ્તો કરો

ભોજનમાં રહેલું ઇલેક્ટ્રોલાઈટ શરીરના તંત્રને ફરીથી હાઈડ્રેટ કરે છે અને કેલરીનું પ્રમાણ વધારે છે. જોકે, હેંગઓવર ઉતારવા માટે એવું ભોજન લેવું જોઈએ જે બહુ ભારે ન હોય અને સરળતાથી પચી જાય. ટોસ્ટ કે દાળિયા ઉત્તમ ખોરાક ગણી શકાય.

૪) તૈલી ખોરાક ખાઓ

ડ્રીંક કરવા પહેલા અથાણું ખાવા માટે કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે પિઝા કે અન્ય તે પ્રકારના ફૂડ ખાવાથી તે આંતરડામાં જઈને ચોંટી જાય છે. જે આલ્કોહોલને શરીરમાં ફેલાતો રોકે છે. તૈલી અને મસાલાવાળી ચીજવસ્તુઓ ખાવાથી હેંગઓવર ઉતારી શકાય છે.

૫) આદુ

હેંગઓવર ઉતારવા માટે આદુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આદુને પાણીમાં ઉકાળીને લીંબુ નીચોવીને અથવા આદુવાળી ચા પીવાથી થોડા જ સમયમાં હેંગઓવર ઉતારી શકાય છે. ઉપરાંત એક ટુકડો લીંબુ અને કાળું મીઠું ચૂસવાથી પણ હેંગઓવર ઉતારી શકાય છે.

૬) દહીં અથવા છાશ

દહીં અને છાશ પણ હેંગઓવર ઉતારવામાં મદદ કરે છે. દહીં અથવા છાશની લસ્સી જેમાં મીઠું, કાળા મરચા અથવા ખાંડ નાંખીને પીવાથી હેંગઓવર ઉતારવામાં ખાસ્સી મદદ મળે છે.

૭) ઊંઘી જાઓ

આમ તો આ તમામ નુસ્ખાઓ હેંગઓવર ઉતારવામાં મદદરૂપ થાય છે. પણ તેમ છતાં પણ મેળ ન પડે અને સ્થિતિ નિયંત્રણમાંથી બહાર જતી જણાય તો ફરી ઊંઘી જવું એ જ ઉપાય છે. હેંગઓવર ઊંઘ ઓછી હોવાના કારણે નથી થતો પરંતુ ઉતારવાનો તે સૌથી પ્રાકૃતિક રસ્તો છે. વચ્ચે આંખ ખુલે તો પાણી પી લેવું.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top