હોયસલ વંશના આ સ્થાપત્યો આજે ય જીવતા ઇતિહાસની જેમ અડીખમ ઉભા છે!
10/10/2020
Religion & Spirituality
મારે મંદીરીયે
મહેશ પુરોહિત
શિક્ષક, વિચારક
જેમ જેમ ‘મારે મંદિરીયે’ સિરીઝ આગળ વધતી જાય છે તેમ તેમ આપણા પૂર્વજો વિશેનો અહોભાવ વધતો જાય છે. એ સમયે મંદિરો-સ્થાપત્યોના બાંધકામમાં એમણે જે કૌશલ્ય દાખવ્યું, એનું ૫% કૌશલ્ય પણ આજે જોવા નથી મળતું! આટઆટલી ટેકનોલોજીકલ પ્રગતિ થઇ હોવા છતાં આજની તારીખે આપણે એવા સ્થાપત્યો બનાવવાનું સ્વપ્નેય નથી વિચારી શકતા, કે જે આપણા પૂર્વજો હજારો વર્ષો પહેલા તદ્દન ટાંચા સાધનો વડે બનાવી ગયા છે. આજે એવા જ કેટલાક સ્થાપત્યો વિષે વાત આગળ વધારીએ.
વાત છે દક્ષિણનું વારાણસી કહેવાય તેવા હસન જીલ્લાની. આ પ્રદેશ મૂળે પ્રખ્યાત ‘હોયસલ’ રાજ્યનો જ એક ભાગ હતો. હોયસલ નામ નવું લાગે છે ને?! એનું કારણ એ છે કે આપણે ભારતનો ખરેખર ભણવા જેવો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો ભાગ્યે જ થોડો ઘણો સમજ્યા છીએ.
સાલ નામના એક યુવાન શિષ્યને કારણે એ રાજ્યનું નામ ‘હોયસાલ’ પડ્યું. એક વાર સાલ પોતાના ગુરૂજી સુદત્ત સાથે જંગલ વચ્ચેથી પસાર થતો હતો. પહેલા મોટા ભાગના લોકો પગપાળા જ મુસાફરી કરતા. આવી મુસાફરી દરમિયાન વન-વગડા અને જંગલોમાંથી પસાર થવું પડતું. ક્યારેક વાઘ-સિંહ જેવા રાણી પશુઓનો પણ સામનો થઇ જતો. સાલ અને એના ગુરુ સુદત્તને પણ જંગલમાં ખૂંખાર સિંહનો ભેટો થઇ ગયો. આ જોખમી પરિસ્થિતિમાં ગુરુએ સાલને પાનો ચડાવતા કહ્યું, ‘હોયસાલ’. આ કન્નડ શબ્દનો અર્થ થાય, “હે સાલ, આ સિંહ પર હુમલો કર (અને એનો વધ કર)” ગુરુનો આદેશ થતા જ સાલ તીક્ષ્ણ ચપ્પુ લઈને સિંહ ઉપર તૂટી પડ્યો અને એનો વધ કર્યો. આ ઘટના બાદ સાલની બહાદુરીની વાત ચારેય દિશામાં પ્રસરી. આગળ જતા જયારે સાલ રાજા બન્યો ત્યારે આ ઘટના ઉપરથી એના રાજ્યને ‘હોયસલ’ નામ આપવામાં આવ્યું.
હોયસલ વંશે ઈ.સ. ૯૫૦થી ઈ.સ. ૧૩૪૩ સુધી પોતાનું રાજ ચલાવ્યું. હોયસલ વંશ હંમેશા મજબૂત રહ્યો, પણ એ પૈકી રાજા વિષ્ણુવર્ધન સવિશેષ શક્તિશાળી હોવાની સાથે જ કલાપ્રેમી પણ હતો. જેથી વિષ્ણુવર્ધનના સમયમાં ઘણા મંદિરો-સ્થાપત્યોનું નિર્માણ કાર્ય થયું. આજે એવા બે મંદિરો વિષે જાણીશું. એક છે બેલુરમાં આવેલું ‘ચેન્નાકેશ્વા મંદિર’, અને બીજુ હેલેબીડુમાં આવેલું ‘હોયસાલેશ્વરા મંદિર’
ચેન્નાકેશ્વા મંદિર - Chennakesava Temple :
ચેન્નાકેશ્વા મંદિર શિલ્પ કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. દુનિયામાં ક્યાંય થયું ન હોય એવું શિલ્પકામ આ મંદિરમાં જોવા મળે છે. આ મંદિર ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે. ચેન્નાકેશ્વા એ ભગવાન વિષ્ણુ ના જ એક અવતાર માનવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ હોયસલ વંશ ના રાજા વિષ્ણુવર્ધને જ કરાવ્યુ હતું એક વાયકા પ્રમાણે આ મંદિર બનતા 103 વર્ષ લાગ્યા પરંતુ પુરાવા કહે છે કે આ મંદિરનું કામ ઈ.સ. 1106 માં શરૂ થયું ને ઈ.સ. 1117માં પુરૂ થયું. આ મંદિરની વિશેષતાએ છે કે શિલા સ્થાપત્યની કોતરણી એટલી ઝીણી છે કે કેટલીક બાબતો જોવા માટે તો તમારે “બિલોરી કાચ” નો ઉપયોગ કરવો પડે! એ સમયે આટલી ઝીણી કોતરણી કઈ રીતે શક્ય બની હશે?! મૂર્તિ હોય, શિલાલેખ હોય, પૌરાણિક પાત્રો પર આધારિત સ્થાપત્ય હોય,કે પછી રામાયણ-મહાભારતના કિસ્સાઓ હોય, પથ્થરો કોતરીને આ દરેક બાબતને અદભૂત રીતે ઉપસાવવામાં આવી છે. મંદિરનો એક્કેય ખૂણો કોતરણી વગરનો નથી, અને તાજ્જુબની વાત એ છે કે એક પણ કલાકૃતિનુ પુનરાવર્તન થતું નથી! દરેક કૃતિ અદભૂત છે, પરંતુ જેની સૌથી વધુ ચર્ચા થાય છે, તે કૃતિ એટલે ‘દર્પણ સુંદરી’ની મૂર્તિ. આ મૂર્તિને ઘરેણા થી સજ્જ કરાઈ છે પરંતુ ઘરેણા પણ પથ્થરમાંથી કોતરી ને જ બનાવાયા છે! વિચારો, કેટલું બારીક કોતરકામ હશે! પથ્થરને કંઈ સોનાની જેમ પીગાળી શકાતો નથી. તો પછી આવી બારીક કોતરણી કઈ રીતે શક્ય બની હશે? આધુનિક સ્થપતિઓ પાસે આનો કોઈ જવાબ નથી. એક માન્યતા એવી પણ છે કે આ મૂર્તિ રાજા વિષ્ણુવર્ધનની પત્નીની જ છે. અહીં સરસ્વતી દેવીની પણ મૂર્તિ છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે જો સરસ્વતી દેવીના માથે પાણી રેડવા માં આવે તો તે પાણી ડાબા હાથમાં પડે, ત્યાંથી ડાબા પગ પર ને પછી જમણા પગ પર પડે છે. શું આજથી આઠ-દસ સદી પૂર્વેના એ સ્થપતિઓ ગુરુત્વાકર્ષણબળ અને ભૌતિક વિજ્ઞાનથી વાકેફ હતા?!
અહિયા “હોયસલ” રાજાની યાદમાં દરેક નાના મોટા મંદિર ની બહાર સિંહનો શિકાર કરતાં સાલ રાજાનું શિલ્પ હોય જ છે. તે પણ કારીગરીનો ઉત્તમ નમૂનો હોય છે. આટલા ઉદાહરણો તો જસ્ટ ટાંકવા પુરતા લખ્યા છે, બાકી અહીંની એક્કેએક કૃતિ અચંબિત કરે એવી છે. મંદિરના દરેક સ્તંભ પર પૌરાણિક પાત્રો-પ્રસંગોની કોતરણી છે. એક્કેએક સ્તંભ બીજા સ્ત્નાભો કરતા અલગ પડે છે.
હોયસલેશ્વર મંદિર - Hoysaleswara Temple :
હલેબીડ માં આવેલું ‘હોયસલેશ્વર મંદિર’ યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઈટ તરીકે જાહેર થયું છે. આ મંદિર કલાકારીગરી અને આધુનિકતાનો ઉત્તમ નમૂનો છે. આ મંદિર પણ ચેન્નાકેશ્વા મંદિરની જેમ જ ઝીણી કોતરણી માટે પ્રખ્યાત છે. આ મંદિર ભગવાન શિવ ને સમર્પિત છે. આ મંદિરમાં વિષે અહીં લખાયેલી વાતો દરિયામાંથી ભરેલી ડોલ જેવડી – જરાઅમસ્તી જ છે, એમ જાણવું. જો તમારે આખી વાત જાણવી હોય તો મંદિરની રૂબરૂ મુલાકાત લેવી જ પડે.
આ મંદિરમાં આવેલા સ્તંભોમાં જોવા મળતી કોતરણી છીણી-હથોડી વડે શક્ય જ નથી! આડા પાટા પાડેલા સ્તંભો જાણે કોઈ “લેથ મશીન” પર આડા પાડી ને ઘસી ઘસીને જ કોતર્યા હોય તેવુ લાગે છે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક આનું સહસ્ય જાણી શક્યો નથી કે, આ સ્તંભો બનાવ્યા કેવી રીતે! ઘણીવાર એમ થાય છે કે આપણા પૂર્વજોના સ્થાપત્ય જ્ઞાન સામે આપણું આધુનિક જ્ઞાન, ટેકનોલોજી અને યંત્રવિદ્યા તો હજી અલ્પવિકસિત છે!
અહીં એક મૂર્તિના મુગટમાં કેટલાક નાના નાના ચહેરાઓ કોતરવામાં આવ્યા છે. જો તેના કાનમાં પ્રકાશ ફેંકીએ તો એ પ્રકાશ ચહેરા પાછળ થઈ નાક દ્વારા બહાર આવે છે! પથ્થર અંદરથી ખોખલો છે. એનો અર્થ એ કે એ જમાનાના કારીગરો પાસે પથ્થરને ખોખલો કરવાની આધુનિક ટેકનોલોજી હતી! એ જ મુર્તિના મુગટ અને ચહેરા વચ્ચે ફક્ત 3mm નુ અંતર છે! આટલું ઓછું અંતર રાખી ને કોતરણી કરવી, એ ય કોઈ ભૂલ કે ક્ષતિ વગર, એ આજે પણ અશક્યવત લાગતી વાત છે.
આ ઉપરાંત અહિયા કેટલાય monolith પદ્ધતિ ( એક જ પત્થર માથી બનેલા ) નંદીઓની મોટી મોટી મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ મૂર્તિઓ આજે 1,000 વર્ષ બાદ પણ એટલી ચળકાટ મારે છે કે આપણું મોઢું જોઈ શકીયે! મૂર્તિઓને આવું જબરદસ્ત ટકાઉ પોલીશ કરવા માટે વપરાયેલુ મશીન પણ અહીંની જ એક મૂર્તિમાં જોવા મળે છે! અહીં એક મૂર્તિ ‘મસાના ભૈરવ’ની છે, જેના હાથમાં એક મશીનની પણ કોતરણી છે. આ મશીનનો આકાર અને કાર્ય જાણે આજની મશીનરીઝમાં જોવા મળતી ગિયર સિસ્ટમ સાથે મેચ થાય છે! આજે જે રીતે ચક્રના અંદરના અને બહારના ખાંચાનુ પ્રમાણ 2:1 રાખવામાં આવે છે, એ જ પ્રમાણ આ મૂર્તિમાં દેખાતી મશીનરીમાં જોવા મળે છે.
અહીં યુદ્ધને લગતી એક કોતરણીમાં એક તરફના લડવૈયાઓ દૂરબીન જેવા સાધનનો ઉપયોગ કરતા દેખાય છે. જ્યારે દૂરબીનની શોધ તો આજથી 400 વર્ષ પહેલા જ થઈ છે! અને મંદિર 1,000 વર્ષ જૂનું છે! આજ શિલ્પમાં એક સેના બીજી સેના પર મિસાઈલ જેવા હથિયારથી આક્રમણ કરતી હોવાનું પણ જણાઈ આવે છે. શું દૂરબીન અને મિસાઈલ જેવી ટેકનોલોજીઝના મૂળ ભારતમાં હશે?
રાજા વિષ્ણુવર્ધને પોતાના સમયમાં દોઢ હજારથી વધુ મંદિરો બનવડાવ્યા. પરંતુ તે સમયે અલ્લાઉદ્દીન ખલિજીની સેના એ હોયસલ વંશના છેલ્લા રાજા ભલ્લાલને હરાવીને બધું તોડી પાડ્યું! રાજા ભલ્લાલને મારી, તેની ચામડી ઉતરડી, એમાં ઘાસ ભરીને ચાર રસ્તે લટકાવવામાં આવેલું! જે વંશે આવા કલાત્મક સ્થાપત્યો આપ્યા, એના પ્રતિ આ તે કેવી બર્બરતા!!
અને વિધિની વક્રતા એ છે કે આપણા ઈતિહાસકારોએ ખીલજી તો ભણાવ્યો પણ હોયસલ વંશ ગુપચાવી દીધો. ખેર, હોયસલ વંશે સ્થાપેલા સ્થાપત્યો આજે ય જીવતા ઇતિહાસ જેવા છે.
જય હિંદ! જય સનાતન!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp