ઇઝરાયલે પોતાના વધુ એક દુશ્મનને ખતમ કર્યો, લેબનોનમાં હવાઇ હુમલામાં હમાસ કમાન્ડર ઢેર
ઇઝરાયેલના લેબનોનમાં હવાઇ હુમલા ચાલુ છે. આ હુમલાઓમાં ઇઝરાયેલે હમાસની લેબનોન શાખાના કમાન્ડર ફતેહ શેરિફને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઇઝરાયેલની વાયુસેનાએ આ જાણકારી આપી છે. ઇઝરાયેલી રક્ષા દળ (IDF)એ સોમવારે (30 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે તેણે એક હુમલો કર્યો, જેમાં હમાસની લેબનોન શાખાના વડા ફતાહ શેરિફનું મોત થયું. IDFએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હુમલો વહેલી સવારે ચોકસાઇ સાથે કરવામાં આવ્યો હતો.
શેરિફ આજે દક્ષિણ લેબનીઝ શહેર ટાયરમાં અલ-બાસ શરણાર્થી શિબિર પર હવાઇ હુમલામાં તેની પત્ની અને બાળકો સાથે માર્યો ગયો હતો. લેબનોનમાં આતંકવાદી પ્રવૃતિઓના સંકલન પર દેખરેખ રાખતો શેરિફ માત્ર હમાસમાં જ મુખ્ય વ્યક્તિ જ નહોતો, પરંતુ તેણે હમાસને હિઝબુલ્લાહના ઓપરેટિવ્સ સાથે જોડવામાં પણ ભૂમિકા ભજવી હતી.
નિવેદન અનુસાર, IDF અને ISA ઇઝરાયલી નાગરિકો માટે ખતરો ઉભો કરનાર કોઇપણ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે. ઇઝરાયેલનું માનવું છે કે શેરિફની પ્રવૃત્તિઓ ભરતી પ્રક્રિયાથી લઇને શસ્ત્રો મેળવવા સુધીની હતી. શરીફે યુનાઇટેડ નેશન્સ રીલિફ એન્ડ વર્ક્સ એજન્સી(UNRWA)ના સભ્ય તરીકે બેવડી ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે લેબનોનમાં UNRWA શિક્ષક સંઘના વડા તરીકે પણ સેવા આપી હતી.
તો, પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ પુષ્ટિ કરી છે કે હમાસના નેતા ફતાહ શેરિફને લેબનોનમાં UNRWA દ્વારા નિયુક્ત કરાઇ હતી. જોકે, એમ પણ કહેવામાં આવ્યું હતું કે શેરિફની રાજકીય ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp