ચંદ્રશેખર બાવનકુલે: ચંદ્રશેખર બાવનકુલે શપથ લેનારા મંત્રીઓમાં સામેલ છે. ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને 2019ની ચૂંટણીમાં ટિકિટ મળી નહોતી, પરંતુ તેઓ 2024ની વિધાનસભા ચૂંટણીમાં નાગપુરની કામઠી બેઠક પરથી જીત્યા હતા. ઑગસ્ટ 2022માં તેમને પાર્ટીના રાજ્ય એકમના વડા બનાવવામાં આવ્યા હતા. બાવનકુલે છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ વર્ષ 2014 અને 2019 વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપ-શિવસેના સરકારમાં ઉર્જા મંત્રી હતા.
રાધાકૃષ્ણ વિખે પાટીલ: અહિલ્યાનગર જિલ્લાના શિરડીથી 8 વખત ધારાસભ્ય રહી ચૂકેલા પાટીલે વર્ષ 1995માં રાજ્યની પ્રથમ શિવસેના-ભાજપ સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. આ સિવાય તેઓ વર્ષ 1999-2014 સુધી કૉંગ્રેસ-NCP સરકારમાં મંત્રી પણ હતા. તેઓ વર્ષ 2014માં ભાજપમાં જોડાયા હતા.
ચંદ્રકાંત પાટીલઃ પુણેના કોથરુડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોલ્હાપુરના રહેવાસી પાટીલ કેન્દ્રીય મંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. તેઓ વર્ષ 2014 અને વર્ષ 2019 વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે.
મંગલ પ્રભાત લોઢા: મુંબઈના માલાબાર હિલના 7 વખતના ધારાસભ્ય લોઢા, વર્ષ 2022માં પ્રથમ વખત મંત્રી બન્યા અને મુંબઈ ઉપનગરીય જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ પક્ષના મુંબઈ એકમના વડા હતા.
ગિરીશ મહાજન: જલગાંવ જિલ્લાના જામનેરથી 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેઓ વર્ષ 2014-19ની વચ્ચે ફડણવીસ સરકારમાં અને વર્ષ 2022-24 વચ્ચે એકનાથ શિંદેના નેતૃત્વમાં મંત્રી રહી ચૂક્યા છે.
આશિષ શેલારઃ મુંબઈના બાંદ્રા વેસ્ટમાંથી 3 વખત ધારાસભ્ય રહી ચૂકેલા શેલાર BCCIના ટ્રેઝરર પણ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં ભાજપના મુંબઈ એકમના વડા છે.
ગણેશ નાઈકઃ શિવસેનાના પૂર્વ નેતા નાઈક વર્ષ 2014માં NCP અને પછી BJPમાં જોડાયા હતા. તેમણે વર્ષ 1999 અને વર્ષ 2014 વચ્ચે કોંગ્રેસ-NCP સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ નવી મુંબઈમાં ઐરોલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.
હસન મુશ્રીફ: કોલ્હાપુર જિલ્લાની કાગલ વિધાનસભા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મુશ્રીફ ગયા વર્ષે જુલાઈમાં NCPમાં વિભાજન થયા બાદ અજીત પવાર જૂથમાં જોડાયા હતા. મુશ્રીફ પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓ શાસક ગઠબંધનમાં જોડાયા તે અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની સામે દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ વખત મંત્રી બનેલી માધુરી મિસાલ પુણેના પાર્વતી વિધાનસભા ક્ષેત્રમાંથી 4 વખત ધારાસભ્ય છે.
મેઘના બોર્ડિકર: મંત્રી તરીકે શપથ લેનાર મેઘના બોર્ડિકર પરભણી જિલ્લાના જિંતૂરથી 2 વખત ભાજપના ધારાસભ્ય છે. મંત્રી પરિષદમાં સ્થાન મેળવનાર પંકજા મુંડે વિધાન પરિષદના સભ્ય છે. મુંડે વર્ષ 2024માં બીડ બેઠક પરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા.