‘વર્ક ફ્રોમ હોમ’ માટે સરકાર લાવશે કાયદો : કામના કલાકો નક્કી કરવા સહિત અન્ય મુદ્દાઓ પર વિચારણા કરશે
કોરોના મહામારી બાદ ‘વર્ક ફ્રોમ હોમ’ શબ્દો અજાણ્યા નથી. ઘરેથી કામ કરવાની આ પદ્ધતિ શરૂઆતમાં તો અસ્થાયી રૂપે અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ હવે આ પદ્ધતિ કામ કરવાનું એક નવું મોડેલ બની ગયું છે અને ઘણી કંપનીઓના કર્મચારીઓ ઘરેથી કામ કરતા થઇ ગયા છે. સરકાર પણ હવે આ દિશામાં વિચારણા કરી રહી છે.
અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર વર્ક ફ્રોમ હોમને લઈને એક કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. નવો કાયદો ઘરેથી કામ કરતા કર્મચારીઓ પ્રત્યે કંપનીઓની જવાબદારી નક્કી કરશે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા બે સરકારી અધિકારીઓએ મીડિયાને આ માહિતી આપી છે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, જે વિકલ્પો માટે વિચારણા કરવામાં આવે છે તેમાં, કર્મચારીઓ માટે કામના કલાકો નક્કી કરવા અને ઘરેથી કામ કરતી વખતે વધારાના ખર્ચ માટે વીજળી અને ઇન્ટરનેટ માટે કર્મચારીઓને પગાર ભથ્થાંની ચૂકવણી વગેરેનો સમાવેશ થાય છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ઘરેથી કામ કરવા માટેના નીતિ-નિયમો ઘડવામાં મદદ કરવા માટે એક કન્સલ્ટન્સી ફર્મને પણ જોડવામાં આવી છે. જાન્યુઆરીની શરૂઆતમાં સરકારે સ્ટેન્ડિંગ ઓર્ડર દ્વારા સર્વિસ સેક્ટરમાં 'વર્ક ફ્રોમ હોમ'ને ઔપચારિક બનાવ્યું હતું, જે હેઠળ કંપની અને કર્મચારીઓ કામના કલાકો અને અન્ય બાબતો નક્કી કરવા માટે સાથે મળીને કામ કરી શકે છે. જોકે, સરકારના આ પગલાને માત્ર એક સાંકેતિક અભ્યાસ તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે IT સહિત સર્વિસ ક્ષેત્રની તમામ કંપનીઓ પહેલેથી જ ‘વર્ક ફ્રોમ હોમ’ને અમલમાં મૂકી રહી છે.
કોરોના પછીના બદલાયેલા સમયમાં હવે સરકાર તમામ ક્ષેત્રોમાં 'વર્ક ફ્રોમ હોમ' માટે એક વ્યાપક ઔપચારિક માળખું તૈયાર કરવા માંગે છે. જેનો હેતુ બદલાયેલી પરિસ્થિતિમાં કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે. માર્ચ 2020માં દેશમાં કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયા બાદથી જ ‘વર્ક ફ્રોમ હોમ’નું ચલણ વ્યાપક રીતે શરૂ થયું હતું. ઘણી કંપનીઓમાં કર્મચારીઓ હજુ પણ ‘વર્ક ફ્રોમ હોમ’ હેઠળ ઘરેથી કામ કરી રહ્યા છે. હવે જ્યારે કોરોનાના નવા વેરિયન્ટના કારણે કંપનીઓ પોતાના કર્મચારીઓને ફરીથી ઘરેથી કામ કરવા માટે કહી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ભારત સિવાય હાલમાં વિશ્વના અન્ય દેશોમાં પણ 'વર્ક ફ્રોમ હોમ'ને લઈને નિયમો બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ પોર્ટુગલની સંસદે 'Work From Home' સંબંધિત કાયદો પસાર કર્યો હતો, જેના હેઠળ કોઈ કંપની તેના કર્મચારીને તેની શિફ્ટ સમાપ્ત થયા પછી કૉલ અથવા મેસેજ કરી શકતી નથી. આમ કરવા બદલ કંપની પર દંડની જોગવાઈ છે.
પોર્ટુગલ સરકારના મત અનુસાર, કોરોના બાદ ઘણા કર્મચારીઓ તરફથી એવી ફરિયાદો આવી હતી કે તેમની પાસેથી વધુ કલાકો સુધી કામ કરાવવામાં આવે છે. તેમજ ઘણી વખત તેમને પોતાના ઉપરીના બિનજરૂરી ગુસ્સાનો શિકાર બનવું પડે છે. તેને જોતા આ કાયદો બનાવવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp