“મોદીજી ‘તેરે નામ’ના સલમાન ખાનની જેમ રડતા રહે છે.” મધ્યપ્રદેશની સભામાં પ્રિયંકા ગાંધીનું ચર્ચાસ્પદ નિવેદન!
madhya pradesh assembly election 2023 : ગબ્બર, જય-વીરુ બાદ હવે ટાઈગર સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને અસરાનીના નામો પણ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉછળી ગયા છે. નેતાઓ માત્ર એકબીજાને ટોણો મારવા માટે કેટલાક કેચ-ફ્રેઝનો ઉપયોગ નથી કરતા, પરંતુ કેટલીકવાર તેઓ તેમની ફિલ્મોના બોલિવૂડ કલાકારો અને પાત્રોનો પણ ઉપયોગ કરે છે. આ વખતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી પ્રચારમાં સલમાન ખાનની સાથે અમિતાભ બચ્ચન અને અસરાનીના નામનો ઉપયોગ કર્યો છે.
આ સાથે પ્રિયંકાએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મોદીજી વિશે પણ કંઈ ન પૂછો, તેઓ દેશના પહેલા એવા વડાપ્રધાન છે જે કાયમ પોતાના દર્દથી પરેશાન છે. જ્યારે તેઓ કર્ણાટક ગયા, તો ત્યાં પોતાને પડેલી ગાળો ગણાવી, જ્યારે તેઓ મધ્યપ્રદેશમાં આવ્યા, ત્યારે પણ પોતાને ખાવી પડેલી ગાળો વિષે એમણે વાત કરી! પ્રિયંકાએ કહ્યું કે પીએમ મોદી હંમેશા રડતા રહે છે. આ દરમિયાન તેણે સલમાનની સુપરહિટ ફિલ્મ 'તેરે નામ'નો ઉલ્લેખ કરતા કહ્યું કે જે રીતે સલમાન ખાન આખી ફિલ્મની શરૂઆતથી અંત સુધી રડતો રહે છે, તેવી જ રીતે મોદીજી પણ રડતા રહે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે તેઓ પીએમ મોદી પર પણ એક ફિલ્મ બનાવશે જેનું નામ 'મેરે નામ' હશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેણે સિંધિયા સાથે ઉત્તર પ્રદેશમાં કામ કર્યું છે. સિંધિયા ભલે ઊંચાઈમાં થોડા ઓછા હોય, પણ તેને પોતાના ઘમંડમાં ખૂબ જ ગર્વ છે. વધુમાં પ્રિયંકાએ કહ્યું કે દગો તો ઘણા લોકોએ કર્યો છે, પરંતુ તેમણે (સિંધિયા) ગ્વાલિયર અને ચંબલના લોકો સાથે જે દગો કર્યો છે, એ બહુ ગંભીર છે. સિંધિયાએ લોકોની પીઠમાં છરો ભોંક્યો છે અને રાજ્યમાં લોકોના મતદાન વડે બનેલી સરકારને પછાડી દીધી છે.
ત્યાર પછી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના નિશાના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હતા. આ દરમિયાન તેમણે શિવરાજ સિંહને વિશ્વ વિખ્યાત મહાન અભિનેતા તરીકે સંબોધ્યા. શિવરાજ પર કટાક્ષ કરતા તેણે કહ્યું કે શિવરાજ સિંહ અભિનયમાં અમિતાભ બચ્ચનને પણ પછાડે છે, પરંતુ જ્યારે કામની વાત આવે છે ત્યારે શિવરાજ અસરાનીના રોલમાં આવે છે.
મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ભાજપે જોરદાર રેલીઓ યોજી હતી. ભાજપ અને કોંગ્રેસના મજબૂત નેતાઓએ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. રાજ્યમાં 17મી નવેમ્બરે મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp