નવમું નોરતું : સિદ્ધિદાત્રી માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

નવમું નોરતું : સિદ્ધિદાત્રી માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

10/13/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

નવમું નોરતું : સિદ્ધિદાત્રી માતા વિશેની પૌરાણિક કથા, ઉપાસના મંત્ર અને એના ફળ વિષે જાણો

નવરાત્રિ: નવરાત્રિના નવમા નોરતે માઁ નવદુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપનું પૂજન-અર્ચન થાય છે. માઁ સિદ્ધિદાત્રીને મા પાર્વતીનું મૂળરૂપ માનવામાં આવે છે. માઁ ચાર ભુજાઓવાળી છે. જે પૈકી આગળના જમણા હાથમાં ગદા અને જમણી બાજુના પાછળના હાથમાં ચક્ર છે. જ્યારે ડાબી બાજુએ આગળના હાથમાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે અને પાછળના હાથમાં શંખ છે. તેમનું વાહન સિંહ છે. જો કે તેઓ મોટે ભાગે કમળના પુષ્પ પર બિરાજમાન હોય છે. માઁ સિદ્ધિદાત્રી કેતુના ગ્રહનું સંચાલન કરે છે.


પૌરાણિક કથા

દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અડધા દેહમાંથી ’સિદ્ધિદાત્રીસ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના "અર્ધનારીશ્વર" સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ, ગંધર્વ, યક્ષ, અસૂર અને સિદ્ધ પણ કરે છે.


સિદ્ધિદાત્રી માતાની પૂજાવિધિ

સિદ્ધિદાત્રી માતાની પૂજાવિધિ

નવરાત્રિના નવમા દિવસે સ્નાનાદિ કર્મ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. કળશ સ્થાપના સ્થળે માઁ સિદ્ધિદાત્રીની મૂર્તિ સ્થાપિત કરો, માતા સમક્ષ દીવો પ્રગટાવીને કમળના નવ ફૂલ અર્પણ કરવા. ત્યાર બાદ માતાને નવ પ્રકારના ભોજન, નવ પ્રકારના ફળો અને ફૂલો વગેરે અર્પણ કરવા. મા સિદ્ધિદાત્રીને તલ અર્પણ કરવાથી વિશેષ ફળ મેળવી શકાય છે. માતાના બીજ મંત્રોનો જાપ કરવો.

નવરાત્રિના અંતિમ દિવસે હવન પણ કરવામાં આવે છે. હવન કરવા માટે હવનકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવા માટે કેરી, લીમડો, પલાશ અને ચંદનના લાકડાનો ઉપયોગ થાય છે. એ સિવાય છાણાને પણ ઘીમાં બોળીને વાપરી શકાય છે. માતા સિદ્ધીદાત્રીનું પૂજન થઇ ગયા બાદ જ નવરાત્રી પૂજાનું સમાપન થાય છે.

શારદીય નવરાત્રિ 2021ની મહા નવમી તિથિ 13 ઓક્ટોબરે રાત્રે 8:07 થી શરૂ થશે અને 14 ઓક્ટોબરે સાંજે 6.52 વાગ્યે સમાપ્ત થશે.


શ્લોક

સિદ્ધિદાત્રી માતાનો શ્લોક આ મુજબ છે.

સિદ્ધગંધર્વયક્ષાદ્ યૈરસુરૈરમરૈરપિ |

સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ||


ઉપાસના મંત્ર

ઉપાસના મંત્ર

યા દેવી સર્વભૂતેષુ માઁ સિદ્ધિદાત્રી રૂપેન સંસ્થિતા |

નમસ્તસ્યૈ  નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: ||

અર્થાત્, સિદ્ધિદાત્રી સ્વરૂપે સર્વત્ર બિરાજમાન હે માતા અંબે, આપને મારા વારંવાર પ્રણામ!


માઁ સિદ્ધિદાત્રીની પૂજાનું ફળ

માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ આપી છે.

માર્કન્ડેય પુરાણ મુજબ કુલ આઠ પ્રાકારની સિધ્ધિઓ હોય છે. જેના નામ આ મુજબ છે : અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. મા સિદ્ધિદાત્રી પોતાના સાધકોને આ તમામ સિધ્ધિઓ આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top