સ્વામિનારાયણ સાધુ Vs જલારામ બાપા: રૂપાલા ગર્જ્યા ‘જ્ઞાનપ્રકાશની કોઈ હેસિયત નથી કે જલારામ બાપા વિષે કમેન્ટ કરે!’
સ્વામિનારાયણ સાધુ Vs જલારામ બાપા વિવાદ: સ્વામીનારાયણ સંપ્રદાયના એક સાધુની જીભ લપસી અને જાણે માંડ ઠરેલા કોલસા પરની રાખ ઉડી ગઈ હોય, એમ આખા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ જ્ઞાનપ્રકાશે સુરત ખાતેના પોતાના પ્રવચનમાં જે કહ્યું એનો ટૂંકસાર એવો છે કે વીરપુરના જલારામ બાપા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામીના સૂચન અને આશીર્વાદ મુજબ ભૂખ્યાજનો માટે ભંડારો ચલાવતા હતા. પણ જેમને ઇતિહાસ ખબર છે એ બરાબર જાણે છે કે જલારામ બાપા ખુદ એક સંત પુરુષ હતા ને પ્રભુ શ્રી રામને ભજનારા હતા. પરિણામે માત્ર લોહાણા સમાજ જ નહિ પણ સમગ્ર ગુજરાતમાં જ્ઞાનપ્રકાશ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો પણ ખુલીને સ્વામિનારાયણ સાધુના બફાટ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. જ્ઞાનપ્રકાશ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે.
રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલાએ પણ જલારામ બાપા અંગે બફાટ કરનારા સ્વામીને આડેહાથે લીધા છે. રૂપાલાએ તો સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના અનુયાયીઓને અપિલ કરી છે કે તેઓ જ આવા સાધુ સામે પગલાં ભરીને દાખલો બેસાડે. જ્ઞાનપ્રકાશ સ્વામીના નિવેદન અંગે પરશોત્તમ રુપાલાએ કહ્યું કે, જલારામ બાપા વીરપુર સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા સંત સામે બોલતા પહેલા, સ્વામીએ અરીસામાં જોવું જોઈએ. જલારામ બાપા અંગે નિવેદન કરનારા સ્વામી વિરુદ્ધ, સ્વામિનારાયણ સંપ્રદાય, અન્ય સંતો અને અનુયાયીઓએ જ કાર્યવાહી કરવી જોઈએ. વિવાદાસ્પદ નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ.
સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી નો આ માત્ર એક વિવાદ નથી આ અગાઉ સપ્ટેમ્બર 2022માં પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ અમેરિકાના બોસ્ટન શહેરમાં યોજાયેલા સત્સંગ સભામાં દેવાધિદેવ મહાદેવ અંગે વાણી વિલાસ કર્યો હતો.આનંદ સાગર સ્વામીએ કહ્યુ હતુ કે કચ્છના એક વિદ્યાર્થીને નિશીતને પ્રબોધ સ્વામીએ રાત્રિના સમયે આજ્ઞા કરી કે આત્મિય ધામના દરવાજા પાસે જા, નિશીત પ્રબોધ સ્વામિની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યા ભગવાન શંકરના નિશીતને દર્શન થયા. આ સમયે નિશીતે પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થાય એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં.
આજથી બે વર્ષ પહેલા સપ્ટેમ્બર 2023માં સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ સામે આવ્યો હતો. સાળંગુપર મંદિરમાં બનાવવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની વિરાટ પ્રતિમાની નીચે કણપીઠમાં ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરી રહ્યા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ વકર્યો હતો.
આ તો હજી ઝાંખીમાત્ર છે. સ્વામીનારાયણના સાધુઓ વારંવાર એવા પ્રવચનો-નિવેદનો આપતા રહે છે જેમાં રામ, કૃષ્ણ, હનુમાનજી, વિષ્ણુ, મહાદેવ જેવા સનાતન સંસ્કૃતિના દેવો-ઈશ્વરોથી માંડીને જગદગુરુ શંકરાચાર્ય અને જલારામ બાપા જેવા પુણ્યાત્મા સંતોને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની સરખામણીએ ઓછા આંકવામાં આવ્યા હોય! સનાતન સંસ્કૃતિને વરેલા અનેક સાધુ-સંતો અને અનુયાયીઓ માને છે કે આ એક ચોક્કસપણે અમલમાં મુકાઈ રહેલું ષડયંત્ર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp