બકરી ઈદ પર લોકડાઉનમાં છૂટછાટ કેમ? સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પાસે માગ્યો જવાબ

બકરી ઈદ પર લોકડાઉનમાં છૂટછાટ કેમ? સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પાસે માગ્યો જવાબ

07/19/2021 National

SidhiKhabar

SidhiKhabar

બકરી ઈદ પર લોકડાઉનમાં છૂટછાટ કેમ? સુપ્રીમ કોર્ટે કેરળ સરકાર પાસે માગ્યો જવાબ

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ કેરળમાં (Kerala) બકરી ઈદ (Bakri Id) નિમિત્તે ત્રણ દિવસો માટે લોકડાઉનમાં છૂટ આપવા માટેના કેરળ સરકારના વિવાદિત નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરવામાં આવી છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને સાંજ સુધીમાં જવાબ આપવા માટે કહ્યું છે. આ મામલે આવતીકાલે ફરી સુનાવણી થશે.

અહીં નોંધવું જરૂરી છે કે કેરળ સરકાર ૧૮, ૧૯ અને ૨૦ જુલાઈ દરમિયાન લોકડાઉનમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. જેમાંથી આજે બે દિવસ પૂર્ણ થઇ ગયા છે. આવતીકાલે છૂટછાટના અંતિમ દિને આ મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે!

દિલ્હીના પીકેડી નામ્બિયાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં પણ આ પ્રકારના નિર્ણયો લઈને સરકાર નાગરિકોની જિંદગી સાથે ખેલ કરી રહી છે. કેરળની સરકાર આવી સ્થિતિમાં પણ નિર્દોષ નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મૂકી રહી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં અગાઉથી ચાલતી ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા યોજવા અંગેની સુઓમોટો સુનાવણીમાં હસ્તક્ષેપ અરજી તરીકે આ અરજી દાખલ કરી હતી.

કેરળમાં યુપી કરતા વધુ કેસ, કોર્ટ કેરળ સરકારના નિર્ણયને રદ કરતો આદેશ કરે : વકીલ

વરિષ્ઠ વકીલ વિકાસસિંહે કોર્ટને કહ્યું કે, કેરળમાં પોઝિટીવિટી રેટ ૧૦.૯૬ ટકા જેટલો છે, તેમ છતાં નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત, કેરળમાં ૧૩,૦૦૦ જેટલા કેસ છે, સામે ઉત્તર પ્રદેશમાં તેનાથી ઘણા ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે કોર્ટને કેરળ સરકારના બકરીઈદ નિમિત્તે લોકડાઉનમાં છૂટ આપવાના નિર્ણયને રદ કરતો આદેશ પાસ કરવાની અપીલ કરી હતી.

કેરળ સરકાર તરફથી કોર્ટને કહેવામાં આવ્યું કે, બકરી ઈદના તહેવાર પર ખરીદી માટે માત્ર કેટલીક દુકાનોને જ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે અને બાકીના સમયમાં કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રા મુદ્દે સ્વયં સંજ્ઞાન લીધું હતું

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના (UP Government) કાવડ યાત્રા (Kawad Yatra) યોજવાના નિર્ણય વિરુદ્ધ સ્વયં સંજ્ઞાન લઈને સુઓમોટો નોટીસ દાખલ કરી હતી. કોર્ટે કોરોના મહામારી દરમિયાન આ પ્રકારના તહેવારો આયોજિત કરવાના નિર્ણય અંગે સરકારને સૂચના આપી હતી અને કહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે યુપી સરકાર કાવડ યાત્રાને પરવાનગી આપી શકે નહીં.

કોર્ટે સુનાવણી દરમિયાન યુપી સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, અમે સીધા આદેશ પાસ કરી શકીએ છીએ પરંતુ તમને વધુ એક તક આપીએ જેથી નિર્ણય ઉપર પુનર્વિચાર કરી શકાય. કોર્ટના આ આદેશ બાદ યુપી સરકારે આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આ વર્ષે કાવડ યાત્રા યોજાશે નહીં.

ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો હતો કે આ મામલે ચાલતો સુઓમોટો કેસ બંધ કરી દેવામાં આવે. દરમ્યાન, દિલ્હીના પીકેડી નામ્બિયાર દ્વારા આ જ કેસમાં હસ્તક્ષેપ અરજી તરીકે એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કેરળ સરકારના બકરી ઈદ નિમિત્તે છૂટછાટો આપવાના નિર્ણયને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. આ મામલે આવતીકાલે સુનાવણી યોજાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top