सफ़र का था, मैं सफ़र का ही रहा : દરિયાકિનારે અચાનક મળી ગયેલા આંટી ગજબની વાત કહી ગયા!

सफ़र का था, मैं सफ़र का ही रहा : દરિયાકિનારે અચાનક મળી ગયેલા આંટી ગજબની વાત કહી ગયા!

11/02/2020 Magazine

બ્રિન્દા ઠક્કર
છોટી સી બાત
બ્રિન્દા ઠક્કર

सफ़र का था, मैं सफ़र का ही रहा : દરિયાકિનારે અચાનક મળી ગયેલા આંટી ગજબની વાત કહી ગયા!

કોઈક જ એવું હશે જેને ટ્રાવેલ કરવું,હરવું-ફરવું નહીં ગમતું હોય. ઘણાને ગ્રુપમાં ફરવા જવું ગમે ઘણાને સોલો ટ્રીપ્સ! એકલા એકલા આખા જગતને જોઈ લેવાની, માણી લેવાની અજબ તાલાવેલી હોય છે લોકોમાં!

 

સ્વ અનુભવે સમજાયું છે કે સફર તમને સજીવ કરી નાંખે છે, જો જડ થઈ ગયા હોવ તો, સ્થિર થઈ ગયા હોવ તો... નવી જ ઉર્જા,નવો જ સંચાર થાય છે આપણામાં,  જ્યારે આપણે રૂટિન છોડીને કોઈક નવા સ્થળે નીકળી પડીએ છીએ.

 

કોરોનાને કારણે પર્સનલ લેવલે સૌથી વધારે અસર થઈ હોય તો આ ટ્રાવેલિંગ પર! કેટલાંય મહિનાઓથી ઘરમાં પૂરાઈ રહેવાને કારણે જાણે અંતર થીજી ગયું હતું. ભયાનક સ્થિરતા આવી ગઈ હતી જે કોરી ખાતી હતી.

 

ને પછી, આઠ મહિનાને અંતે ઘરની બહાર પગ મૂકવા મળ્યો. એ ખુશી શબ્દોમાં કોઈ કાળે વર્ણવી ન શકાય એટલી અનન્ય છે. સવારે પાંચ વાગ્યે ઉઠીને અમે ચેન્નાઈના દરિયા કિનારે જવા નીકળી પડ્યાં. એક્ટિવા પર જતાં-જતાં, ઉગતા સૂરજને જોવો એ પણ એક લ્હાવો છે. ઠંડી હવા અને શાંત વાતાવરણમાં સૂરજના કિરણોએ પ્રસરવાનું શરૂ કર્યું અને તેની હું સાક્ષી બની, કેટલાં સમય પછી!

 

દરિયા કિનારે ઠંડી રેતીમાં પગલાં માંડતી વખતે એવું અનુભવાતું હતું કે જાણે પહેલીવાર પા-પા પગલી કરતાં શીખી છું. રેતીના એક એક કણને મહેસૂસ કરતી હતી, દરિયાના ખળ-ખળ અવાજને કાનમાં ભરી રહી હતી, કાયમ માટે સાચવી રહી હતી.

 

પહેલું મોજું ઉછળીને જ્યારે ભીંજવી ગયું ત્યારે અચાનક જ કશુંક જીવંત થયું હોય એવું લાગ્યું. મહિનાઓથી જે આળસ, કંટાળો, નિસાસાઓ અને ફરિયાદો મનમાં ધરબાઈ રહી હતી એ એકસાથે જ નિચોવાઈ ગઈ જાણે! સાવ હળવાફૂલ થઈ જવાયું. બધો જ ભાર એકઝાટકે ખરી પડ્યો.

 

એ દરિયામાંથી ઉગતો સૂરજ જીવનમાં પણ રોશની ફેલાવી ગયો. ખાલી કિતાબી વાતો નથી હોં આ બધી, તમે અનુભવ કરજો તો ચોક્કસ સમજાશે કે પ્રકૃતિ ખરેખર આપણને કેટલાં સભર બનાવે છે.

 

એક ટ્રીપ ગયા વર્ષે પોન્ડિચેરીની કરી હતી. બે દિવસની એ ટ્રીપમાંથી એટલું બધું મેં ભેગું કર્યું હતું, એટલું બધું હું સાથે લઇ આવી હતી કે આજેપણ અકબંધ સાચવી શકાયું છે ને જ્યારે મન ઉદાસ થાય ત્યારે એ યાદોના પટારામાંથી બે ચાર સ્મૃતિઓને આંખ બંધ કરીને વાગોળી લઉં છું, પછી તરત ફ્રેશ થઈ જવાય છે.

 

સતત ચાલતા રહેવું, ફરતાં રહેવું ને અનુભવોનું ભાથું બાંધતા રહેવું એ જીવનને ભર્યું ભર્યું રાખવાનો બેસ્ટ ઉપાય છે. સફર કરતી વખતે આપણે પોતાને મળી શકીએ છીએ, અંતરના અવાજને સાંભળી શકીએ છીએ. દરિયા કિનારે કે જંગલની અંદર કોઈ એક ઘટાદાર વૃક્ષની નીચે બેસીને પોતાની સાથે સંવાદ કરવા જેવો છે. આપણા જ કેટલાંક એવા પાસાઓ ત્યાંથી મળી આવશે જેના વિશે ખુદ આપણને પણ ખ્યાલ નથી હોતો.

 

એક વખત કર્ણાટકમાં મુર્દેશ્વર ગયેલી. હું ને મારી રૂમમેટ બેંગ્લોરથી ગયેલા. 3 દિવસ માટે.ત્યાં પણ બીચ છે. પહેલા દિવસે અમે બીચ પર ગયાં ન્હાવા માટે, ત્યાં એક સ્ત્રીઓનું મોટું ગ્રુપ આવેલું. એ બધાંની ઉંમર આશરે 40 થી 45ની હશે. એમાં એક બહેન એટલે કે આન્ટી અમારી પાસે આવીને અમે જેમ મોજ મસ્તી કરતાં હતાં તેમ કરવા લાગ્યા. અમને તો મજા આવી. પછી ધીમે ધીમે એમણે એમનું નામ અને ગામ વિશે કહ્યું, એમની લાઈફ વિશે કહેવાનું ચાલુ કર્યું.

 

સખત દુઃખી હતાં બહેન એમના જીવનમાં, કંટાળીને અહીં આવેલા ફ્રેશ થવા. અને જીવનના તમામ દુઃખો ભૂલીને દરિયામાં જાણે પોતાનો નવો અવતાર શોધતાં હતાં. એમનાં ગ્રુપની સ્ત્રીઓ શાંતિથી દરિયામાં ઊભાં-ઊભાં એમના પતિની, સાસરિયાની અને છોકરાંઓની વાતો કરતાં હતાં,ઘરથી આટલે દૂર આવ્યા પછી પણ મનથી તેઓ ઘરે જ હતાં.

 

અને હું ને મારી ફ્રેન્ડ પ્રીતિ દરિયામાં હિલ્લોળા લેતાં હતાં, ખડખડાટ હસતાં હતાં એ જોઈને પેલાં આન્ટી અમારી પાસે આવી ગયાં અને કહેવા લાગ્યા કે 'રોજેરોજના ઘરના વાતાવરણ અને કંટાળાથી દૂર થવા તો અહીં આવી છું ને એ બધાં અહીં પણ એ જ માથાકૂટ લઈને ફરે છે! હું શાંતિ મેળવવા,મજા કરવા આવી છું તમારી જેમ,એટલે તમને વાંધો ન હોય તો હું તમારી સાથે મોજા આવે ત્યારે જંપ કરવા માંગુ છું.'

 

દરિયાના ખારા ખારા પાણી વચ્ચે મને મીઠી વીરડી જેવું કશુંક અનુભવાયું. સાચે જ મારી આંખોમાં ભેજ બાઝી ગયેલો અને ખુશીથી અમે એ આન્ટીનો હાથ કસીને  પકડી લીધો. પછીના 3 કલાક અમે ખૂબ દરિયાને માણ્યો, એમની વાતો પણ સાંભળી અને એક સરસ મજાની શીખ પણ મેળવી.

 

જતાં જતાં આન્ટી અમને કહેતાં ગયેલાં કે "જીવનમાં જ્યારે પણ એવું લાગે કે બધું અટવાઈ ગયું છે, સખત ત્રાસ છે અને કશું જ મેનેજ નથી થઈ રહ્યું, ત્યારે 3-4 દિવસ એકલા ક્યાંક નીકળી પડજો. પ્રકૃતિના ખોળે. અને પાછા જશો ત્યારે ચોક્કસ જ જવાબો મળી ગયા હશે, અથવા જવાબો શોધવાની તાકાત આવી ગઈ હશે."

 

છેક સુધી અમે આન્ટીને જતાં જોઈ રહેલાં. જાણે અમને આટલું કહેવા માટે જ એ આવ્યા હતા એમના ગામથી, જાણે આટલું સમજવા જ અમે બેંગ્લોરથી ત્યાં ગયાં હતાં.

 

તમે પણ ક્યારેક નીકળી પડજો, એકલા અથવા સાથીદારનો હાથ પકડીને, ઓછામાં ઓછા સામાન સાથે વધારે અનુભવ અને અનુભૂતિઓ મેળવવા માટે. જીવનના છેલ્લા સમયે બાંકડા પર બેસીને વાગોળવા માટે સ્મૃતિઓ તો ભેગી કરવી પડશે ને?!

 

जितना कम सामान रहेगा,

 उतना सफ़र आसान रहेगा।

~ गोपालदास 'नीरज'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top