‘જો હિન્દુઓને બચાવ્યા તો..’ જમ્મુમાં સ્પેશિય ફોર્સના જવાનના ઘર સામે મળ્યું ધમકી ભરેલું પોસ્ટર
Threat Note Found Outside Army Jawans House: જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના પેરા કમાન્ડોના પશ્ચિમ બંગાળ સ્થિત ઘરની બહાર એક ધમકીભર્યું પોસ્ટર મળ્યું છે. તેમાં હાથથી લખવામાં આવ્યું છે કે, ‘ગૌરવ એર મુંડુ ચાય’ (ગૌરવનું માથું જોઈએ છે). આ સાથે પાકિસ્તાનને સમર્થન કરતો નારો પણ લખવામાં આવ્યો છે.
આ પોસ્ટર શનિવારે રાત્રે હુગલી જિલ્લાના ધનિયાખલી ગામમાં આર્મી જવાન ગૌરવ મુખર્જીના ઘરની બહાર મળી આવ્યું હતું. આ ધમકીભર્યા પોસ્ટરમાં, 'અમને ગૌરવનું માથું જોઈએ છે', 'જો તે હિન્દુઓને બચાવ્યા, તો અમે તમારા પરિવારને ખતમ કરી દઇશું' અને 'અમે બંગાળને બાંગ્લાદેશમાં બદલી દઇશું' જેવા હિંસક અને વાંધાજનક સંદેશ લખવામાં આવ્યા હતા.
ગૌરવ મુખર્જી કાશ્મીરમાં ભારતીય સેનાના સ્પેશિયલ ફોર્સમાં તૈનાત છે, ધનિયાખલીમાં રહેનારા પરિવારે તેમના ઘરની બહાર પોસ્ટર જોયું અને તરત જ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. પશ્ચિમ બંગાળ પોલીસે FIR નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું હતું કે વિસ્તારના CCTV ફૂટેજમાં પોસ્ટર લગાવવામાં આવી રહ્યા હતા ત્યારે ઘરની નજીક 2 સ્કૂટર પર 4 અજાણ્યા ઇસમો દેખાઈ રહ્યા હતા. હુગલી ગ્રામીણ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને ઘરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. દેખરેખ માટે કેમેરા લગાવવામાં આવ્યા છે અને ઘરની બહાર પોલીસ ચોકીઓ ગોઠવવામાં આવી છે, સાથે જ ચોવીસ કલાક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. બધી શક્યતાઓની તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી કોઈ સંગઠિત જૂથની સંડોવણીના કોઈ સંકેત નથી. આ સ્થાનિક બદમાશોનું કામ હોય તેવું લાગે છે, પરંતુ અમે કોઈપણ શક્યતાઓને નકારી રહ્યા નથી.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ ધમકી આપવામાં આવી છે. પહેલગામ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાની શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સામે જવાબી ઘણી કાર્યવાહી કરી, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી-વાઘા સરહદ પર સંકલિત ચેક-પોસ્ટ બંધ કરવી અને પાકિસ્તાનીઓને આપવામાં આવેલા તમામ વિઝા સ્થગિત કરવા સહિતનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp