જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનું આર્ટ એક્ઝિબિશન મુંબઈની વિખ્યાત જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું

જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનું આર્ટ એક્ઝિબિશન મુંબઈની વિખ્યાત જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું

12/30/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનું આર્ટ એક્ઝિબિશન મુંબઈની વિખ્યાત જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું

મુંબઈ: જાણીતાં આર્ટિસ્ટ કાનન ખાંટનું એક્ઝિબિશન વિખ્યાત જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજાયું હતું, જેમાં તેમણે 'માયા'  સિરિઝના પેઈન્ટિંગ્સ કલાચાહકો સામે મૂક્યાં હતાં. કાનનનાં આ એક્ઝિબિશનને ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો. દેશવિદેશના સંખ્યાબંધ કલાચાહકો આ એક્ઝિબિશન જોવા પહોંચ્યા હતા તો જુદા-જુદા ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓ પણ કાનનનાં એક્ઝિબિશનની મુલાકાતે આવી હતી.


વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડૉક્ટર જે.જે. રાવલ, બૉમ્બે સ્ટોક એકચેન્જના સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર આશિષકુમાર ચૌહાણ, પ્રખ્યાત આર્ટિસ્ટ પૃથ્વી સોની, 'તારક મેહતા કા ઊલટા ચશમા' સિરિયલના પ્રોડ્યુસર્સ આસિતકુમાર મોદી અને નીલા મોદી, જગવિખ્યાત સેક્સોલોજીસ્ટ અને કલાચાહક, આર્ટ પીસ કલેક્ટર એવા પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશ કોઠારી, ઈન્ડો-યુએસ કલ્ચરલ કાઉન્સિલના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને પ્રસિદ્ધ સંતુરવાદક સ્નેહલ મુઝુમદાર, બોલીવુડ અને ટેલિવુડના પ્રસિદ્ધ કલાકારો પદ્મશ્રી મનોજ જોશી,  નેહા મહેતા, સુજાતા મહેતા, તન્મય વેકરિયા (‘તારક મેહતા...’ સિરિયલના બાઘા બોય), સીઆઈડી સિરિયલના અભિનેતા હ્રુષિકેશ પાંડે તથા  મીનળ પટેલ, અને અભિનેતા દિગ્દર્શક અરવિંદ વેકરિયા, કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા સાહિત્યકાર વર્ષા અડાલજા, જાણીતાં લેખિકા ગીતા માણેક, ફિલ્મ રાઈટર-ક્રિએટિવ પ્રોડ્યુસર અને નવલકથાકાર આશુ પટેલ, જાણીતાં આર્ટિસ્ટ માધવી અડાલજા સહિત જુદા જુદા ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓએ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી અને કાનનનાં પેઈન્ટિંગ્સની પ્રશંસા કરી હતી.


‘માયા’ શ્રેણી પાછળની તેમની વિચારપ્રક્રિયા વિશે કાનને પત્રકારોને કહ્યું હતું કે, ‘મેં આધ્યાત્મિક અને પૌરાણિક કથાઓમાં નારીતત્વોને જોડવાનો પ્રયત્ન કર્યો છે. મેં મારા આ કામમાં કલમકારી કલા સ્વરૂપને અપનાવ્યું છે. ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે વર્ષો પહેલા જે કલાકારો ગામડે-ગામડે જતા હતા, તેઓ તેમની વાર્તાઓ કહેવા માટે કલમકારી ચિત્રકલાનો ઉપયોગ કરતા હતા. હું પણ મારી કળા દ્વારા વાર્તા કહું છું. હું આજીવન વિદ્યાર્થી તરીકે સતત કંઈકને કંઈક નવું શીખી રહી છું, પ્રયોગો કરી રહી છું.’

‘તારક મેહતા કા ઊલટા ચશમા’ ટીવી સિરિયલનાં પ્રોડ્યુસર્સ આસિતકુમાર મોદી અને નીલા મોદીએ કહ્યું હતું કે, ‘આ પેઈન્ટિંગ્સમાં એક અનેરું આકર્ષણ છે અને આ ‘માયા’ થીમ અંતર્ગત બનેલા પેઈન્ટિંગ્સ કંઈક જુદા જ પ્રકારના છે.સુપ્રસિદ્ધ અભિનેત્રી નેહા મહેતાએ કહ્યું હતું કે તેઓ કાનન ખાંટની કલાના ચાહક છે અને અગાઉ પણ તેમના આર્ટ એક્ઝિબિશનમાં હાજરી આપી ચૂક્યા છે.  તેમણે કહ્યું કે, ‘મને જહાંગીર આર્ટ ગૅલેરીમાં તેમના પેઈન્ટિગ્સનું પ્રદર્શન જોઈને અવર્ણનીય આનંદ થાય છે.’


વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક અને ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડૉક્ટર જે.જે. રાવલે કહ્યું હતું કે, ‘કાનનબેનના ચિત્રોમાં આધ્યાત્મિકતા જોવા મળે છે. ઈશ્વરના આશીર્વાદ હોય તો જ આટલું શ્રેષ્ઠ કલાસર્જન થઈ શકે.’ તો બૉમ્બે સ્ટોક એકચેન્જના સીઈઓ અને મેનેજીંગ ડિરેકટર આશિષકુમાર ચૌહાણે અને વિખ્યાત અભિનેતા પદ્મશ્રી મનોજ જોશીએ પણ કાનનના પેઈન્ટિગ્સની પ્રશંસા કરી હતી.


અભિનેતા તન્મય વેકરિયાએ પત્રકારોને કહ્યું હતું કે, ‘અહીં છે એ બધા જ પેઈન્ટિંગ્સ જાણે હમણાં બોલી ઉઠશે એવું લાગે છે. કાનનનું આર્ટવર્ક અદ્ભુત છે, તેમના દરેક પેઈન્ટિંગ્સ દર્શાવે છે કે તેમના હાથમાં અદભુત કલા છે. આ એક્ઝિબિશનની મુલાકાત લીધાં પછી વર્ષા અડાલજાએ કહ્યું હતું કે ‘કાનનને ઘણા વર્ષોથી હું ઓળખું છું. તેને પોતાને ફૂલોની જેમ ખીલતા મેં જોઈ છે. તે સ્ટુડન્ટ હતી ત્યારથી તેને ઓળખું છું અને એક જબરદસ્ત પેશન સાથે કલાની સાધના કરતી મેં તેને જોઈ છે. જે કામ તમે હાથમાં લીધું હોય એ કલાકો સુધી થાક્યા વિના કરતા રહેવું એ પહેલેથી જ કાનનની ભીતરના કલાકારનો ગુણ રહ્યો છે એમ હું કહીશ.’


ડૉકટર પ્રકાશ કોઠારીએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ‘કાનનનાં પેઇન્ટિંગ્સમાં ખૂબ સુંદર કળા છે. આ પેઈંટિંગ્સ જીવંત લાગે છે. તમે જોઈ શકો છો કે તેણે દરેક વસ્તુની વિગતવાર કાળજી લીધી છે અને ફ્રેમિંગ પણ ખૂબ જ અનન્ય છે! લેખક-દિગ્દર્શક લતેશ શાહે કહ્યું કે આ પેઈન્ટિંગ્સ જોઈને હું ખુશ જ નથી થયો, પણ દિગ્મૂઢ બની ગયો છું. કારણ કે એક-એક પેઈન્ટિંગ અદભુત છે અને કાનને માયાની જે વ્યાખ્યા કરી છે એ કમાલની છે!’

પ્રસિદ્ધ રાઈટર ગીતા માણેકે કહ્યું હતું કે આ પેઈન્ટિંગ્સ આપણને બહારથી અંદર લઈ જવા પ્રેરિત કરે છે. કાનનના કલર્સના એક એક સ્ટ્રોક જાણે બોલકા છે. હું રાઈટર છું તો સમજી શકું છું કે આ ચિત્રો એટલું બધું બોલે છે કે તમે બસ તેને સાંભળ્યા કરો. આ માત્ર પેઈન્ટિંગ્સ નથી એક કવિતા પણ છે, એક ગીત છે, એક ભાવના છે.’


કાનન ખાંટે આ વખતે તેમની 'માયા' સિરીઝના કેટલાંક નવા ચિત્રો પણ સામેલ કર્યા હતા. તેમણે પોતાનું આ આર્ટવર્ક ભુલાઈ ગયેલા ભારતીય કારીગરોને, ખાસ કરીને મહિલા કલાકારોને સમર્પિત કર્યું હતું. મુંબઈની પ્રખ્યાત નિર્મલ નિકેતન કૉલેજમાં કમર્શિયલ આર્ટનો અભ્યાસ કરનારાં કાનને ભારતનાં નામાંકિત પ્રકાશન જૂથનાં પ્રખ્યાત મેગેઝીનમાં કલાકાર તરીકે કામ કર્યું છે અને એડ એજન્સી તથા એનિમેશન ફિલ્મ સ્ટુડિયોમાં આર્ટ ડિરેક્ટર તરીકે પણ તેમણે ફરજ બજાવી છે. ૨૦૧૫થી તેઓ ઈન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે અને અનેક ઍક્ઝિબિશન્સમાં તેમણે પોતાની કળાનું પ્રદર્શન કર્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top