Surat: મહુવા તાલુકાના એક ગામમાં પરપ્રાંતિય દુકાનદારે સગીરાને છેડતી કરી, પોલીસે આરોપીને છોડી મૂકાતા મામલો બીચક્યો અને પછી..’
Mahuva News: સુરત જિલ્લા સહિત રાજ્યમાં સતત ગુનાહિત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. લૂખ્ખાતત્વો બેફામ થતા જાય છે અને લોકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થતાં જાય છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને લઈને. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં એક ગામમાં સગીરાને છેડતી કરવાનો મામલો સામે આવ્યો છે. જેના કારણે ગ્રામજનોને રોષ ભભૂકી ઉઠ્યો હતો.
મળતી માહિતી મુજબ, 12 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર પરપ્રાંતીય આરોપી યુવકને પોલીસે છોડી દેતા મામલો વધુ બીચક્યો હતો અને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો હતો. જોકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીને વલસાડ નજીકથી પકડી લીધો હતો.
શુક્રવારે સવારે એક 12 વર્ષીય સગીરા રડતી-રડતી શાળાએ પહોંચી હતી. તેણે શિક્ષિકાને કહ્યું કે, ગામના બજારમાં આવેલી 'રાજ નોવેલ્ટી' દુકાનનો માલિક કિશન તારારામ ચૌધરી (મારવાડી)એ તેના છાતીના ભાગે અડપલા કરી છેડતી કરી હતી. શિક્ષિકાએ તાત્કાલિક ગામના સરપંચને આ અંગે જાણ હતી. છેડતીની માહિતી મળતા જગામના સરપંચે શાળાના સ્ટાફ સાથે રાજ નોવેલ્ટીમાં જઈ દુકાનના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં યુવાન સગીરાનો હાથ પકડી ઊંચો કરતો હોવાનુ નજરે પડતા જ સરપંચ કેયુર પટેલે પરપ્રાંતિય યુવાનને મેથીપાક ચાખવ્યો હતો. ત્યારબાદ ઘટનાને લઈને પોલીસને જાણ કરી પરપ્રાંતીય યુવાનને પોલીસને સોંપી દીધો હતો.
પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો હતો. જોકે, સગીરાના પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતા પોલીસે કિશનને સાંજે છોડી મૂક્યો હતો. કિશનને છોડી દેવાના સમાચાર મળતા જ સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. 2000થી વધુ લોકો ભેગા થઈ ગયા અને તેમણે આરોપી કિશન મારવાડીની દુકાન 'રાજ નોવેલ્ટી' પર પથ્થરમારો કર્યો. કેટલાક લોકોએ દુકાનનો સામાન બહાર કાઢીને આગ લગાવી દીધી હતી. જેના કારણે ગામનો માહોલ તણાવપૂર્ણ થઈ ગયો હતો.
ઘટનાને કારણે ગામ અને મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જતાં પોલીસને પણ ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાત્રે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. છટ પોલીસની હાજરીમાં જ દુકાનમાં પથ્થરમારો અને આગચંપી ચાલુ રાખી હતી. ત્યારબાદ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી પણ થઈ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં એક પોલીસકર્મીને માથામાં ઈજા થઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતા જોતા ગામમાં જિલ્લાભરની પોલીસનો વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. છેડતી કરનાર આરોપી કિશન તારારામ ચૌધરી મોડી સાંજે ગામ છોડીને ભાગી ગયો હતો. આ મામલાની જાણ થતા ટોળામાં રોષ વધુ વ્યાપી ગયો હતો. મહુવા પોલીસે તાત્કાલિક આ ઘટનાને ગંભીરતાથી લઈ યુવકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ રાત્રે જ પોલીસે યુવકને વલસાડ નજીકથી કસ્ટડીમાં લીધો હતો. પૂછતાછ દરમિયાન યુવકે સગીરાની છેડતી કરી હોવાની વાત કાબુલી લીધી હતી. હાલ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. હાલમાં ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ફરિયાદીની 13 વર્ષીય સગીર દીકરીની છેડતી કરવાને લઈને BNSના POCSO એક્ટ અને એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp