સેવન્થ ડે સ્કૂલના મૃતક વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો સામે; આ કારણે થયું હતું 10માં ધોરણના વિદ્યાર્થીનું મોત
મંગળવારે અમદાવાદમા એક ખૂબ જ અકલ્પનીય અને રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી હતી. ધક્કા-મુક્કી જેવી સામાન્ય વાતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ ધોરણ 8નો વિદ્યાર્થી અંદર ગુસ્સો દબાવીને બેઠો હતો. થોડા દિવસ અગાઉ થયેલી આ ધક્કા-મુક્કી વિદ્યાર્થીના મનમાં એટલી ખૂંપી ગઈ હતી કે તે ધોરણ 10નો વિદ્યાર્થી સામે મળે કે કંઈક ને કંઈક બડબડતો હતો. ત્યારબાદ મંગળવારે તો તેણે હદ જ વટાવી દીધી દીધી અને ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને મણિનગરની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 સગીરોની ધરપકડ કરી છે. તો હવે મૃતક વિદ્યાર્થીનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના મૃતક વિદ્યાર્થીના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સરદાર પટેલ હૉસ્પિટલના 8 ડૉક્ટરોની ટીમે આપેલા રિપોર્ટ મુજબ પેટ બહાર માંડ 1.5 સેન્ટિમીટરનો ઘા દેખાતો હતો. સર્જરી માટે પેટ ખોલવામાં આવ્યું તો ખબર પડી હતી કે, શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શીરા એમ 2 નળી કપાઈ ગઈ હતી. જેના કારણે આંત:સ્ત્રાવ થતા પેટમાં જ 2.5 લીટર લોહી જમા થઈ ગયું હતું.
વિદ્યાર્થીની મહાધમની અને મહાશીરા બંનેમાં કાણાં પડતા પ્રેશરથી લોહી પેટમાં જમા થયું હતું. આ ઉપરાંત એક જગ્યાએ આંતરડું ફાટી ગયું હતું. વધુ પડતા લોહીનો આંતરિક સ્ત્રાવ થતા હૃદય, કિડની અને મગજ જેવા મહત્ત્વના અંગોને પૂરતું લોહી ન મળતા તેમની કામગીરી અવરોધાઈ હતી. મેડિકલ ભાષામાં તેને હાઈપોવોલેમિક શોક કહેવામાં આવે છે.
વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખી બંને નળી પર ટાંકા લેવાની સર્જરી 3 કલાક ચાલી હતી, પરંતુ વધુ પડતા આંતરિક રક્તસ્ત્રાવને કારણે તેને બચાવી શકાયો નહોતો. આ ઉપરાંત આંતરડામાં 4 કાણાં પડી ગયા હતા અને એક જગ્યાએથી આંતરડું ફાટી જતા શરીરના મહત્ત્વના અંગેનો પૂરતું લોહી ન મળતા મોત થઈ ગયું.
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે હાઇસ્કુલ હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે 2 સગીરોની અટકાયત કરી છે. આ કેસની તપાસમાં હત્યા કરનાર વિદ્યાર્થીએ કટરનું કિચેઇન બનાવી લીધું હતું અને તે એક વર્ષથી પોતાની પાસે રાખતો હોવાની વાત સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકની તપાસ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફના નિવેદનો લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ્સ, પ્રત્યક્ષદર્શીઓ અને મૃતક વિદ્યાર્થીના પરિવારજનો મળી કુલ 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. CCTV કેમેરામાં કેદ થયેલી એક ઘટનાની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થી બહારથી ચાલતો સ્કૂલમાં આવે છે અને પગથિયા પર બેસી જાય છે.
તો વિદ્યાર્થીને હૉસ્પિટલ પહોંચાડવામાં કેમ સમય લાગ્યો અને લોહીના ડાઘ હટાવવામાં આવ્યા છે કે નહીં આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઇમબ્રાંચ FSLની મદદથી તપાસ કરી રહી છે. હત્યાના સમયે મદદ કરનારને પણ કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp