અમદાવાદની એક શાળામાં 10મા ધોરણના વિદ્યાર્થીની છરી વડે હત્યા કર્યા બાદ, આ મામલો સતત ગતિ પકડી રહ્યો છે. તાજેતરના ખુલાસાઓમાં જાણવા મળ્યું છે કે આરોપી વિદ્યાર્થીએ પોતે તેના એક મિત્ર સાથેની ચેટમાં ઘટનાની આખી કહાની બતાવી હતી. ચેટમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે કેવી રીતે છરી મારી અને આ ભયાનક ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો. આરોપીની વાત સાંભળીને મિત્ર સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે તરત જ તેને ઠપકો પણ આપ્યો હતો.
સોશિયલ મીડિયા ચેટમાં, આરોપી વિદ્યાર્થીના મિત્રએ તેને પૂછ્યું, ‘ભાઈ, શું તે આજે કંઈ કર્યું?’ તેના પર આરોપી વિદ્યાર્થીએ ઠંડા અંદાજમાં જવાબ આપ્યો- ‘હા’. ત્યારબાદ તેના મિત્રએ સીધો સવાલ પૂછ્યો- ‘શું તે છરી મારી હતી?’ આરોપીએ જવાબમાં આપ્યો- ‘તને કોણે કહ્યું?’ ચેટનો સિલસિલો અહીં જ ન અટક્યો. બીજી ચેટમાં, જ્યારે આરોપી વિદ્યાર્થીના મિત્રએ તેને કહ્યું કે તેણે જે વ્યક્તિને છરી મારી હતી, તે મરી ગયો.’
આરોપીએ એક ચોંકાવનારો સવાલ પૂછ્યો- ‘કોણ હતો તે?’ આ જોઈને સ્પષ્ટ થાય છે કે આરોપી પોતે જાણતો નહોતો કે તેણે કોની હત્યા કરી દીધી છે. એ વાત પણ સામે આવી છે કે, ‘નયનની બહેસ ખરેખર બીજા વિદ્યાર્થી સાથે થઈ રહી હતી, પરંતુ આરોપી પાસે છરી હતી અને પોતાને મજબૂત બતાવવાના ઈરાદાથી તેણે અચાનક હુમલો કર્યો. જ્યારે તેના મિત્રએ ચેટમાં ફરીથી પૂછ્યું કે- ‘તેજ છરી મારી હતી?’
તેના પર આરોપીએ ખચકાટ વિના જવાબ આપ્યો- ‘હા તો.’ આ જવાબ દર્શાવે છે કે તે આ જઘન્ય ગુના પ્રત્યે કેટલો બેદરકાર હતો. એટલું જ નહીં, ચેટમાં આરોપીના મિત્રએ તેને સમજાવ્યું પણ કે, ‘તારે નયનને મારવો જોઈતો નહોતો.’ પરંતુ આરોપીએ આ સલાહને હળવાશથી લીધી અને જવાબ આપ્યો- "છોડ ને, હવે થઈ ગયું તે થઈ ગયું.’ એટલે કે, હત્યા બાદ પણ, આરોપીને કોઈ સજાનો ડર નહોતો.
સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, મંગળવારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર તેના સહાધ્યાયી દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું હતું. પોલીસે સગીર આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. ભારતીય દંડ સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ, બુધવારે સવારે ગુસ્સે ભરાયેલા મૃતકના સંબંધીઓ અને સ્થાનિક લોકો શાળા પરિસરમાં ઘૂસી ગયા. તેમણે હોબાળો મચાવ્યો અને સ્કૂલ બસો અને અનેક વાહનોમાં તોડફોડ કરી. સ્કૂલ સ્ટાફને પણ ટોળાના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ગુસ્સે ભરાયેલા ટોળાએ રસ્તા પર ધરણા કરીને ટ્રાફિક જામ કરી દીધો. પોલીસ અને સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પરિવારનો આરોપ છે કે આરોપી વિદ્યાર્થીને અન્ય ઘણા લોકોએ મદદ કરી હતી. સ્કૂલ મેનેજમેન્ટે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે પુષ્ટિ કરી છે કે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ફોરેન્સિક ટીમ તપાસ કરશે કે ક્રાઇમ સીન ધોવા માટે ટેન્કર બોલાવવામાં આવ્યું હતું કે નહીં. તેમણે કહ્યું કે જો તપાસમાં અન્ય લોકોની સંડોવણી જણાશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.
આ ઘટનાએ પણ સાંપ્રદાયિક વળાંક લીધો છે. આરોપી વિદ્યાર્થી લઘુમતી સમુદાયનો છે, જ્યારે પીડિત સિંધી સમુદાયનો હતો. પીડિત પરિવારનું કહેવું છે કે જો આ વખતે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે. વધતા તણાવ વચ્ચે, સ્થાનિક ધારાસભ્ય અમુલ ભટ્ટે શાંતિ જાળવવા માટે હાથ જોડીને લોકોને અપીલ કરવી પડી. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ હત્યાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી.