પશ્ચિમ બંગાળમાં બિકાનેર એક્સપ્રેસ ટ્રેનને નડ્યો ભયાનક અકસ્માત : 9 મોત, 36 ને ઈજા

પશ્ચિમ બંગાળમાં બિકાનેર એક્સપ્રેસ ટ્રેનને નડ્યો ભયાનક અકસ્માત : 9 મોત, 36 ને ઈજા

01/14/2022 National

SidhiKhabar

SidhiKhabar

પશ્ચિમ બંગાળમાં બિકાનેર એક્સપ્રેસ ટ્રેનને નડ્યો ભયાનક અકસ્માત : 9 મોત, 36 ને ઈજા

નેશનલ ડેસ્ક: પશ્ચિમ બંગાળમાં ગઈકાલે એક ટ્રેનને ભયાનક અકસ્માત નડ્યો હતો. બંગાળના જલપાઈગુડી વિસ્તારમાં મેનગુડીમાં બિકાનેર એક્સપ્રેસ (15633) ગાડીના ચારથી પાંચ ડબ્બા પાટાપરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ અને 36 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.

આ ટ્રેન બિકાનેરથી ગુવાહાટી જઈ રહી હતી. દરમ્યાન મેનાગુડી પાસે આ ઘટના બની હતી. જાણકારી મળતા જ રેલ્વે પોલીસ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેન દુર્ઘટનામાં ફસાયેલા ઓછામાં ઓછા 50 ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અકસ્માતના ઘણા ફોટો-વિડિયો સામે આવ્યા હતા, જેમાં લોકો ફસાયેલા જોવા મળ્યા હતા. ટ્રેનની બોગીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે NDRFની બે ટીમો પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારતીય રેલ્વેએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

ગુવાહાટીમાં નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NFRના અલીપુરદ્વાર ડિવિઝન હેઠળના વિસ્તારમાં સાંજે 5 વાગ્યે આ અકસ્માત થયો હતો. અકસ્માત સ્થળ ગુવાહાટીથી 360 કિમી દૂર છે. અગાઉ તેમણે 7 મુસાફરોના મૃત્યુની માહિતી આપી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.


નવી દિલ્હીમાં એક રેલવે અધિકારીએ જણાવ્યું કે રેલવે સુરક્ષા કમિશનર અકસ્માતના કારણની તપાસ કરશે. ગુવાહાટીમાં એનએફઆરના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 1,053 મુસાફરો હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્ય પ્રધાનો સાથેની ઓનલાઈન બેઠક દરમિયાન અકસ્માત વિશે માહિતી આપી હતી. તેમણે વડાપ્રધાનને રાહત અને બચાવ કામગીરી વિશે પણ જાણકારી આપી હતી. 

બીજી તરફ, આ ઘટના બાદ આજે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટનાને લઈને રેલ્વે મંત્રી સાથે ચર્ચા કરી ચૂક્યા છે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગઈકાલે ટ્વીટ કરીને આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top